હવે વિદેશી લીંબુ ગુજરાત આવશે:અમદાવાદમાં સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી મંગાવ્યા, 90 રૂપિયે કિલોના ભાવે આયાત કરી

અમદાવાદ5 દિવસ પહેલા
  • માલની ઘટને પહોંચી વળવા પહેલીવાર વિદેશથી આયાત કરાઈ
  • દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી હતી

ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે.દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી ગુજરાતમાં તેની આયાત કરવામાં આવી છે.

તુર્કીમાં ખેડૂતોને પર્યાપ્ત ભાવ નથી મળી રહ્યાં
હોલસેલ વેપારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પહેલીવાર આ પ્રકારે લીંબુના ભાવ અને આવકની પરિસ્થિતિ વચ્ચે લીંબુની તુર્કીથી આયાત કરવામાં આવી હોય. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો છે. જે આવતીકાલ સુધી અમદાવાદ ખાતે આવી પહોંચશે. તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો છે અને ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ગુજરાતમાં લીંબુની આવક ઓછી થઈ રહી છે અને ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓ દ્વારા તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે.

સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે જ્યારે તુર્કીશ લીંબુ 100 ગ્રામનું હોય છે
સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે જ્યારે તુર્કીશ લીંબુ 100 ગ્રામનું હોય છે

તુર્કીના એક લીંબુનું વજન 100 ગ્રામ હોય છે
તુર્કીના લીંબુની વિશેષતાની વાત કરવામાં આવે તો 1 લીંબુનું વજન 100 ગ્રામ જેટલું થાય છે. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે. મોટો આકાર ધરાવતા લીંબુ હોવાથી રસદાર પણ હોય છે. 90 રૂપિયા કિલોના ભાવથી લીંબુ તુર્કીથી ભારતમાં આયાત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં 15-20 દિવસ અગાઉ લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ હતો. રમજાન અને ચૈત્રી નવરાત્રિ બાદ લીંબુની માગમાં આંશિક ઘટાડો થયો અને ભાવ 50-100 સુધી પહોંચ્યો છે.

વાવાઝોડા અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી
સામાન્ય રીતે અમદાવાદમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી લીંબુ આવતા હોય છે. પરંતુ દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી છે. અગાઉ સપ્તાહ પહેલા દૈનિક લીંબુની 20 જેટલી ગાડીઓ આવતી, તેની સામે હવે 3-4 ગાડી આવી રહી છે. જેથી ફરી હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવ 80-130 કિલો જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં વિદેશથી આવતા લીંબુ માંગને પહોંચી વળવા માટે અસરકારક સાબિત થશે.

વધુ ગરમી અને વધુ માગથી ભાવ ઊંચકાયા ( ફાઈલ ફોટો)
વધુ ગરમી અને વધુ માગથી ભાવ ઊંચકાયા ( ફાઈલ ફોટો)

'તાઉતે' વાવાઝોડાથી લીંબુના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં લાંબા સમયથી લીંબુના વેપાર સાથે જોડાયેલા દિલીપ અંધારિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'ભાવનગર અને મોરબી તરફ થતા લીંબુના પાકની સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખપત રહે છે. જોકે 'તાઉતે' વાવાઝોડાની અસરને કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. જેથી અગાઉનાં વર્ષોમાં દૈનિક 15 ગાડીની આવક હતી, જે હવે બે-કે ત્રણ ગાડી પૂરતી જ સીમિત રહે છે.

વધુ ગરમી અને વધુ માગથી ભાવ ઊંચકાયા
અમદાવાદમાં પાછલાં 20 વર્ષથી લીંબુના વેપાર સાથે જોડાયેલા ચિરાગભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ 120-150 પ્રતિ કિલો સુધી પહોંચે છે. જોકે આ વખતે વધુ પ્રમાણમાં ગરમી પડી રહી છે અને માગ પણ વધુ જોવા મળી છે, જેની સામે આવક ઓછી છે. તેમની પેઢી ચાલે છે, ત્યારથી લઈ અત્યારસુધીમાં પહેલીવાર ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં દૈનિક 40-50 ટન લીંબુની થતી હોય છે, જોકે આ વખતે એમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં સૌથી વધુ લીંબુ આંધ્રમાં ઊગે છે
લીંબુ માટે આંધ્રની માટી સૌથી સારી છે. એને વારંવાર પાણીની જરૂર પડતી નથી. ઝાડ 3-4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે અને 5 વર્ષ સુધી એને ખાતર અને જરૂરિયાત જેટલું પાણી જીવતું રાખે છે.

અન્ય સમાચારો પણ છે...