માસ્ક તો નહીં જ પહેરીએ:અમદાવાદીઓએ 9 મહિનામાં માસ્ક નહીં પહેરવાનો 18 કરોડ દંડ ભર્યો, એક જ સપ્તાહમાં 2 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • શહેરમાં 9 મહિનાના સમયગાળામાં માસ્ક નહીં પહેરવા બદલ 3.13 લાખ કેસ કરાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 53,668 થયો છે, જ્યારે 47,519 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,160 થયો છે. તેમ છતાંય શહેરમાં લોકો માસ્ક પહેરવા તૈયાર નથી એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 9 મહિનામાં માસ્ક નહીં પહેરનારાઓએ 18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. જ્યારે એક જ સપ્તાહમાં પોલીસે 2 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા છે.

અમદાવાદમાં પોલીસે 9 મહિનામાં માસ્ક નહીં પહેરવા બદલ 18 કરોડ દંડ વસૂલ્યો
દિવાળી બાદ શહેરમાં વધી ગયેલા સંક્રમણને કાબૂમાં લેવા માટે રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પોલીસ પણ ખડેપગે કામગીરી કરી રહી છે, જેથી હવે પોલીસકર્મીઓ પણ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. પોલીસે 24 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીમાં અમદાવાદીઓ પાસેથી કુલ 18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. છેલ્લા 9 મહિનામાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 35 હજાર 745 કેસ કર્યા છે, જ્યારે 44 હજાર 667 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 24 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીના 9 મહિનાના સમયગાળામાં માસ્ક નહીં પહેરવા બદલ 3.13 લાખ કેસ કરીને 18.41 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. એમ છતાંય લોકો હાલમાં માસ્ક વિના ફરી રહ્યા છે. આવા લોકોની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.

માસ્ક નહીં પહેરનારા લોકોની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી.
માસ્ક નહીં પહેરનારા લોકોની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી.

અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 1423 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા
અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 1423 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે અને 1061 જેટલા પોલીસકર્મચારીઓએ કોરોનાને હરાવ્યો છે, પરંતુ દુઃખદ વાત એ છે કે 13 પોલીસકર્મચારી કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હાલ પણ 349 જેટલા પોલીસકર્મચારી કોરોનાગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસકર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, સાથોસાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનિટાઈઝર કરવામાં આવશે.

9 અને 10 ડિસેમ્બરે રાજ્યમાં પોલીસે બે કરોડથી વધુ રકમ દંડ પેટે વસૂલી
પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં માસ્ક નહીં પહેરનારા તેમજ જાહેરમાં થૂંકનારા 12 હજાર 240 લોકો પાસેથી 1 કરોડ 21 લાખ 92 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત કર્ફ્યૂ ભંગ તેમજ એમવી એક્ટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 761 વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુના દાખલ કરીને માસ્ક નહીં પહેરનારા તથા જાહેરમાં થૂંકનારા 12 હજાર 344 વ્યક્તિ પાસેથી 1 કરોડ 22 લાખ 87 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ 805 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...