અમદાવાદમાં વાહન ચાલકો વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા 57.80 વાહન ચાલકોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો મોકલી આપવામાં આવ્યાં હતાં. શહેરમાં ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.150 કરોડથી વધુની દંડની રકમના ઈ મેમો મોકલ્યાં હતાં. જેમાંથી ટ્રાફિક વિભાગ માત્ર 39.53 કરોડ રૂપિયાના દંડની રકમ વસૂલ કરી શક્યો છે. જ્યારે હજીયે 101.10 કરોડ રૂપિયાની દંડની રકમ વાહન ચાલકો પાસેથી વસૂલ કરવાની બાકી છે. બીજી તરફ અમદાવાદીઓએ હેલ્મેટ નહીં પહેરવા બદલ સપ્ટેમ્બર મહિના સુધીમાં 5 કરોડનો દંડ ભર્યો છે. સીટી ટ્રાફિક પોલીસે 1 જાન્યુઆરી 2020થી લઈને 16 સપ્ટેમ્બર 2020 સુધીમાં શહેર ટ્રાફિક પોલીસે 1.2 લાખ કેસ નોંધીને હેલ્મેટના નિયમનો ભંગ કરનારા લોકો પાસેથી 5.13 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
ઈ ચલણની વસૂલાત માટે શહેરમાં સ્પેશિયલ સ્કવૉડ
ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ કરવા માટે ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સ્પેશિયલ સ્કવૉડ બનાવવામાં આવી છે. તે છતાંય શહેરમાં સરેરાશ 2 હજાર કરતાં વધુ વાહન ચાલકો ટ્રાફિક ભંગ કરતાં હોઈ ટ્રાફિક પોલીસ તેમને ઈ મેમો ફટકારી રહી છે. તેની સામે ટ્રાફિક પોલીસ માત્ર 250 જેટલા વાહન ચાલકો પાસેથી ઈ મેમોની વસૂલાત કરી રહી છે. આ દંડની રકમ મુદ્દે ટ્રાફિક પોલીસ વિભાગમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે વાહન ચાલકો પાસેથી વસૂલ કરેલ દંડની રકમ કરતા ખર્ચા વધુ થાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે શહેરમાંથી માત્ર 39 કરોડનો દંડ વસૂલ્યો
શહેરમા વધી રહેલા ટ્રાફિક અને વાહન ચાલકોની સંખ્યાને જોતાં રોડ પર ટ્રાફિક ભંગના હજારો કિસ્સાઓ બનતાં હોય છે. પોલીસ નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ પણ કરે છે. ત્યારે આંકડા પર નજર કરીએ તો હજી સુધી ટ્રાફિક વિભાગને વાહન ચાલકો પાસેથી 112 કરોડથી વધારે દંડની રકમ વસૂલવાની બાકી છે. ટ્રાફિક પોલીસે અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી પાંચ વર્ષમાં માત્રને માત્ર 39 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અત્યાર સુધીમાં જોવા જઈએ તો શહેરના ટ્રાફિક વિભાગે 57,80,825 ઈ મેમો નિયમો તોડતા વાહન ચાલકોને ફટકાર્યાં છે. આ ઈ મેમોમાં ખાસ કરીને ચાર રસ્તાના સિગ્નલ પાસે સ્ટોપ લાઈન ક્રોસ કરી જનારા 36 લાખ જેટલા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવ્યાં છે.
હેલ્મેટ નહીં પહેરવા બદલ અમદાવાદીઓએ સપ્ટેમ્બર સુધીમાં 5 કરોડ રૂપિયાનો દંડ ભર્યો
જ્યારથી નવો મોટર વિહિકલ એક્ટ અમલી બન્યો છે ત્યારથી અમદાવાદીઓ નિયમો તોડીને પણ દંડ ભરવા માટે તૈયાર થઈ ગયાં છે. નવા કાયદા પ્રમાણે અમદાવાદીઓએ હેલ્મેટ નહીં પહેરવા બદલ સપ્ટેમ્બર મહિના સુધીમાં 5 કરોડનો દંડ ભર્યો છે. સીટી ટ્રાફિક પોલીસે 1 જાન્યુઆરી 2020થી લઈને 16 સપ્ટેમ્બર 2020 સુધીમાં શહેર ટ્રાફિક પોલીસે 1.2 લાખ કેસ નોંધીને હેલ્મેટના નિયમનો ભંગ કરનારા લોકો પાસેથી 5.13 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. શહેર પોલીસે 16 સપ્ટેમ્બર 2020 સુધીમાં શહેર ટ્રાફિક પોલીસે 33 પ્રકારની કેટેગરીમાં ટ્રાફિક ભંગના 4.29 લાખ કેસ નોંધ્યા છે જેમાં ડ્રાઈવિંગ દરમિયાન હેલ્મેટ નહીં પહેરવા બાબતેના 24 ટકા કેસ હતાં. કોરોના વાયરસના સંક્રમણ દરિમિયાન જ્યારે લૉકડાઉન હતું અને લોકોની અવર જવર બંધ હતી તે સમય દરમિયાન પણ પોલીસે ટ્રાફિક ભંગના કેસ નોંધ્યા છે. જેમાં શહેર ટ્રાફિક પોલીસે 18.73 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યાં હતાં. આ દંડની રકમમાં 27 ટકા રકમ 5.13 કરોડ તો માત્ર હેલ્મેટ નહીં પહેરવા અંગે વસૂલ કરવામાં આવ્યાં છે.
ગુનો | ઈ મેમો | ફટકારાયેલ દંડ | દંડની ભરપાઈ |
હેલ્મેટ | 27,323 | 1,36,51,900 | 6,44,400 |
ત્રિપલ સવારી | 1001 | 8,99,900 | 1,91,400 |
સીટબેલ્ટ | 1,721 | 8,60,500 | 1,39,500 |
રોંગ સાઇડ | 5626 | 53,01,500 | 10,30,300 |
સ્ટોપ લાઇન | 36.93.192 | 1,08,23,81,689 | 25,42,82,000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.