અમદાવાદના નાગરિકો સૂકો અને ભીનો કચરો અલગ કરે જેનાથી સફાઈ કર્મચારીઓને કચરો અલગ કરવામાં સરળતા રહે અને સફાઈ ઝુંબેશ વધુ સઘન બને તેના માટે થઈ આજથી ત્રણ દિવસ માટે સૂકો ભીનો કચરો અલગ કરવા માટેની ટ્રિગર ઝુંબેશ શરૂ થઈ છે. સવારથી લઈ અને આજે આખા દિવસ દરમિયાન બે લાખથી વધુ નાગરિકોને શહેરના નાગરિકોને સૂકો અને ભીનો કચરો કઈ રીતે અલગ કરવો તેની માહિતી તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ સહિતના લોકોએ સમજ આપી હતી. આવતીકાલે ત્રણ અને ચાર માર્ચના જ પણ આ ઝુંબેશ યથાવત રહેશે અને નાગરિકો સૂકો ભીનો કચરો અલગ કરે તેના માટે થઈ અને માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
અધિકારીઓએ હાજર રહી ટ્રીગર ઝુંબેશનો શુભારંભ
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વીસ હજારથી વધારે અધિકારીઓ-કર્મચારીઓની ફોજને ઉતારી શહેરભરમાં ઘરે-ઘરે જઇને નાગરીકોને સૂકો-ભીનો કચરો અલગ-અલગ કરવા માટેની સમજુતી આપવા અંગેની ટ્રિગર ઝુંબેશમાં નાગરીકોએ આપેલા સકારત્મક સહકારનાં કારણે શહેરનાં વધુમાં વધુ નાગરિકો ઘેર-ઘેરથી (segregation at source) સૂકો અને ભીનો કચરો છૂટો કરી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વાહનમાં જ આપે તે માટે જાગૃતિ ફેલાવવા આજે વહેલી સવારે સાત વાગ્યાથી શહેરનાં તમામ 7 ઝોનમાં આવેલા કુલ 18 જેટલાં મ્યુનિસિપલ બગીચાઓમાં મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજર રહી ટ્રીગર ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો.
સૂકો-ભીનો કચરો અલગ કરવા સમજાવ્યા
18 બગીચાઓ ખાતેનાં મ્યુનિસિપલ હોદ્દેદારોના આ કાર્યક્રમમાં જોગીંગ - ફરવા અને કસરત કરવા આવતા મળીને કુલ 6900 જેટલાં નાગરીકો અને વિવિધ એન.જી.ઓનાં પ્રતિનિધીઓ ઉત્સાહભેર ભાગ લઇ હાજર રહેલા હતા. શહેરભરમાં ઘરે-ઘરે જઇને 6300થી વધારે ઘર આવરી ડોર ટુ ડોરનાં વાહનોમાં સૂકો-ભીનો કચરો અલગ-અલગ આપવા 75100 ગૃહિણીઓને અને 5400 જેટલા ઘરઘાટી - નોકરને સમજ આપવામાં આવી હતી. સવારે 10થી 12ના કાર્યક્રમ દરમિયાન સાતેય ઝોનમાં 170થી વધારે મંદિરો, મસ્જિદો સહિતનાં વિવિધ ધાર્મિક સ્થાનો કવર કરી મુલાકાતે આવેલા 2600 જેટલાં નાગરીકોને આ અંગે પત્રીકાઓ વિતરણ કરી કચરાને સૂકો-ભીનો મુજબ અલગ કરવા સમજાવ્યા હતા.
કચરાને સેગ્રીગેશન કરવા અંગે સમુહ ચર્ચા
સાંજે 5થી 7 દરમ્યાન શાકભાજી માર્કેટો, ખાણી-પીણી એકમો, હોટલ રેસ્ટોરન્ટોમાં લોકોને સમજાવ્યા કરવામાં આવશે. મ્યુનિસિપલ હોદ્દેદારો દ્વારા આજ રોજ મોડી સાંજે 7થી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં શહેરનાં સાતેય ઝોનમાં આવેલ વિવિધ 17 જેટલી મોટી સોસાયટીઓ ફલેટોમાં રહેતા મેમ્બરો અને સેક્રેટરી – ચેરમેન સાથે કચરાને સેગ્રીગેશન કરવા અંગેની સમુહ ચર્ચા હાથ ધરી આ અંગેનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છ અને સુંદર અમદાવાદ શહેર આપી શકાશે
આજ રીતે આવતીકાલે અને 4 માર્ચના રોજ પણ શહેરનાં બાકી વિસ્તારોમાં કચરાને સૂકા-ભીના મુજબ અલગ-અલગ કરવા માટે શહેરીજનોને સમજુત કરવા સારૂ જન-જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. નાગરીકો દ્વારા તેઓનાં ઘરે-ઘરેથી કચરાને સૂકા - ભીના મુજબ અલગ-અલગ આપવામાં આવશે તો તેઓને સરળતાથી પ્રોસેસ કરી શકાશે જેથી શહેરની પિરાણા ડમ્પ સાઇટ પર નિકાલ કરવામાં આવતા કચરાનાં પ્રમાણમાં મોટાપાયે ઘટાડો કરી શકાશે અને ભવિષ્યની પેઢીને શહેરનાં માટે અભિષાપરૂપ પિરાણા ડમ્પ સાઇટ મુકત સ્વચ્છ અને સુંદર અમદાવાદ શહેર આપી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.