યુક્રેનમાં એ સાત દિવસ:અમદાવાદી યુવકે માઇનસ 7 ડીગ્રી તાપમાનમાં ખાલી ચોકલેટ ખાઈને દિવસો કાઢ્યા, યુક્રેન આર્મીએ રશિયા સામે ઢાલ બનાવીને રોકી રાખ્યા હતા

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
માતા-પિતા સાથે તુષાર પટેલની તસવીર - Divya Bhaskar
માતા-પિતા સાથે તુષાર પટેલની તસવીર
  • અમદાવાદનો તુષાર પટેલ ડિસેમ્બર 2021માં યુક્રેનમાં MBBSના અભ્યાસ માટે ગયો હતો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં MBBSના અભ્યાસ માટે ગયેલો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો યુવક આજે પોતાના ઘરે પરત ફર્યો છે. યુક્રેનથી પુત્ર સહી-સલામત પરત ફરતા માતા-પિતામાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. યુક્રેનથી પોલેન્ડ થઈ ભારત ફરતાં તેને સાત દિવસ લાગ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનથી ઘરે અમદાવાદ પરત ફરતા તેને કેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો અને કઈ રીતે અમદાવાદ પહોંચ્યો તે અંગે દિવ્ય ભાસ્કરે યુવક સાથે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદનો યુવક ડિસેમ્બર 2021માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો
​​​​​અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિવાજી ચોક પાસે આવેલી હરે કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતો તુષાર પટેલે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં યુક્રેનના ટર્નોર્પિલ શહેરમાં MBBSના અભ્યાસ માટે ગયો હતો. 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો હતો. જેથી સુરક્ષા મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને જે બંકર બનાવવામાં આવ્યા હતા તે બંકરમાં મોકલી આપવામાં આવ્યા હતા. બે દિવસ સુધી અમે બંકરમાં રહ્યા હતા. બે દિવસ બાદ 26મી ફેબ્રુઆરીના રોજ અમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા યુક્રેનથી ભારત જવા કહ્યું હતું. જેથી અમારી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા અમને પોલેન્ડની સરહદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ક્રેન ગયો હતો.

માઇનસ 7 ડિગ્રી ઠંડીમાં ચોકલેટ ખાઈને દિવસ કાઢ્યા
તુષાર આગળ કહે છે, પોલેન્ડની સરહદ પર પહોંચ્યા ત્યારે ત્યાં ખૂબ જ ભયાવહ માહોલ હતો. યુક્રેનની આર્મી દ્વારા ભારતીયો સહિત કેટલાક લોકોને ત્યાં રોકી રાખ્યા હતા. પોલેન્ડની સરહદમાં યુક્રેનની આર્મી જવા દેતી ન હતી. રશિયન આર્મી યુક્રેન પર હુમલો ન કરે તેના માટે યુક્રેનના લોકો દ્વારા અમને ઢાલ બનાવીને રાખવામાં આવ્યા હતા. યુક્રેનની આર્મી દ્વારા અમને જવા દેવામાં આવતા ન હતા અને ચાર દિવસ સુધી અમે માઇનસ 7 ડિગ્રી ઠંડીમાં ત્યાં બેસી રહ્યા હતા. યુક્રેનમાં માત્ર નોનવેજ મળતું હતું ત્યાં કોઈ પણ પ્રકારનું વેજ ખાવાનું મળતું ન હતું જેથી જે નોનવેજ ખાઈ શકતા હતા તે નોનવેજ ખાતા હતા અને બાકીના મારા જેવા કેટલાક લોકો તો માત્ર ચોકલેટ અને પાણી ઉપર જ ચાર દિવસ નીકળ્યા હતા.

પોલેન્ડમાં BAPS સંસ્થાએ મદદ કરી
તે કહે છે, જે પણ લોકો ચાલીને જતા તેઓને ચોકલેટ આપી અને અમારો દિવસ નીકળતો હતો. છેવટે અમને પોલેન્ડની બીજી સરહદ તરફથી 70 કિલોમીટર દૂર હતી ત્યાં લઇ ગયા હતા અને ત્યાંથી અમને પોલેન્ડમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. પોલેન્ડમાં BAPS સંસ્થા અને ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમારું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને એક જ દિવસમાં તમને વિશેષ પ્લેન દ્વારા દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ પરત લાવવામાં આવ્યા હતા.

દીકરાને જોઈને માતા-પિતાને રાહત
તુષારના પિતા રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારો દીકરો પરત આવતા અમને ખૂબ જ આનંદની લાગણી થઈ છે. ભાજપ સરકાર, મામલતદાર અને કલેક્ટર ઓફિસનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો અને તેઓ સતત અમારી સંપર્કમાં હતા. સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે સારું છે અને હજી પણ જે વિદ્યાર્થીઓ અને લોકો ત્યાં ફસાયા છે તેને ઝડપથી પરત ભારત લાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...