એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુ:ઓસ્ટ્રેલિયાની ધરતી પર અમદાવાદી ગર્લનો દબદબો, 11 વર્ષથી જિમ્નાસ્ટિક્સ કરતી આર્યા 'નેશનલ ચેમ્પિયનશિપ’માં કેનબેરાનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ, કેનબેરાએક મહિનો પહેલાલેખક: વિવેક ચુડાસમા
  • 4 વર્ષની ઉંમરે જિમ્નાસ્ટિક્સનું કોચિંગ લેવાની શરૂઆત કરી હતી
  • અઠવાડિયામાં ઓછામાં ઓછી 20 કલાકની પ્રેક્ટિસ કરે છે
  • બેલ્લે કોમ્પિટિશનમાં ખભાના લિગામેન્ટ્સ તૂટી ગયાં હતાં
  • જિમ્નાસ્ટિક્સ માટે અનેક કોમ્પ્રોમાઇઝ કરવા પડ્યાં છેઃ આર્યા
  • ‘નેક્સ્ટ ઇઝ આર્યા પટેલ’ સાંભળતાં જ રુવાંટાં ઊભાં થઈ જાય છેઃ માતા

તમે ઘણા વિદેશીઓને હેરતંગેઝ કરતબો કરતા જોયા હશે, પરંતુ ક્યારેય કોઈ ગુજરાતીને આવાં કરતબો કરતા જોયા છે? જેને જોઈને ‘વાહ...’ નીકળી જાય...! હા, તો આજે એવી જ એક ગુજરાતી દીકરીની વાત કરવી છે, જેણે માત્ર 15 વર્ષની ઉંમરે વિદેશની ધરતી પર અફલાતૂન પર્ફોર્મન્સ આપીને અમદાવાદનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ દીકરીએ ઓસ્ટ્રેલિયાના કેપિટલ કેનબેરામાં યોજાતી ‘સ્ટેટ ચેમ્પિયનશિપ’માં જિમ્નાસ્ટિક્સમાં બીજું સ્થાન મેળવ્યું છે અને હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ‘નેશનલ ચેમ્પિયનશિપ’માં કેનબેરાને રિપ્રેઝેન્ટ કરવાની છે.

15 વર્ષની આ અમદાવાદની દીકરીએ વિદેશની ધરતી પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ દીકરી એટલે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં જન્મેલી અને હાલ કેનબેરામાં રહેતી આર્યા પટેલ. ‘જિમ્નાસ્ટિક્સ’ ગેમમાં ગુજરાતની આ દીકરીને નીડર થઈને પર્ફોર્મ કરતા જોઈને દરેક ગુજરાતી આશ્ચર્યચકિત થઈ જશે. વિવિધ પ્રકારનાં કરતબો અને સ્કિલ સાથેની આ ગેમમાં આર્યાનું પર્ફોર્મન્સ કાબિલ-એ-દાદ રહ્યું છે. હાલ તે સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ પણ કરે છે. તો આવો, વિદેશની ધરતી પર નામ રોશન કરનારી આ ગુજરાતી ગર્લની સફર વિશે વાત કરીએ...

દિવ્ય ભાસ્કરઃ જિમ્નાસ્ટિક્સની શરૂઆત ક્યારથી કરી હતી?
આર્યાઃ હું 4 વર્ષની હતી ત્યારથી જિમ્નાસ્ટિક્સ કરું છું. હવે મને આ ક્ષેત્રમાં 11 વર્ષ પૂરાં થશે. શરૂઆતમાં મને જિમ્નાસ્ટિક્સમાં ઘણી તકલીફ પડી હતી. કોઈકવાર કોચ સાથે ના ફાવે તો કોઈકવાર શારીરિક તકલીફો પણ થતી હતી. એટલું જ નહીં, ગંભીર રીતે ઇજાગ્રસ્ત ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખવું પડતું, કારણ કે હું ભણવાની સાથે સાથે જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ કરતી હતી. આમ, સમય જતો ગયો અને ધીમે-ધીમે મને જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ પડી ગઈ, ‘જિમ્નાસ્ટિક્સ’ મારા રૂટિન લાઇફનું એક અભિન્ન અંગ બની ગયું.

દિવ્ય ભાસ્કરઃ ‘જિમ્નાસ્ટિક્સ’માં જવાની પ્રેરણા કેવી રીતે મળી?
આર્યાઃ હું નાની હતી ત્યારથી જ પાર્કમાં જતી હતી. ત્યાં વિવિધ પ્રકારનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતાં. જેવી રીતે હેગિંગ બાર વગેરે વગેરે. ત્યારે હું સહેજ પણ શાંતિથી બેસતી નહોતી. કંઈક ને કંઈક ગડમથલ કરતી રહેતી. કૂદાકૂદ કરતી રહેતી. ત્યારે મને જોઈને મારી મમ્મીને ઘણા લોકો કહેતા કે ‘આ છોકરી જિમ્નાસ્ટિક્સમાં ઘણી આગળ વધી શકશે. તમારે તેને જિમ્નાસ્ટિક્સનું કોચિંગ અપાવવું જોઈએ.’ એને લઇને મમ્મીએ મને જિમ્નાસ્ટિક્સમાં મૂકવાની ઓફર કરી અને મેં હા પાડી. આ રીતે મારી સફર શરૂ થઈ હતી.

દિવ્ય ભાસ્કરઃ ભણવાની સાથે-સાથે જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ કેવી રીતે કરો છો, મેનેજ થઈ જાય છે?
આર્યાઃ હું અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 કલાક જેટલી પ્રેક્ટિસ કરું છું. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સ્કૂલ જઉં છું. ત્યાર બાદ દરરોજ સાંજે 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જિમ્નાસ્ટિક્સનું કોચિંગ લેવા માટે જઉં છું. આ ઉપરાંત શનિ-રવિ જિમ્નાસ્ટિક્સમાં વધુ પ્રેક્ટિસ કરતી હોઉં છું અને ગુરુવારે એક્સ્ટ્રા ક્લાસ પણ કરું છું. જ્યારે પરીક્ષાના દિવસો આવે ત્યારે હું વહેલી સવારે ઊઠીને ભણતી હોઉં છું. આમ, એક તરફ ભણવાનું અને બીજી તરફ જિમ્નાસ્ટિક્સ બંને સારી રીતે ચાલતું રહે છે.

દિવ્ય ભાસ્કરઃ તમને આવાં અઘરાં કરતબો કરતી વખતે ક્યારેક બીક લાગી છે?
આર્યાઃ શરૂઆતમાં મને ઘણી તકલીફ પડી હતી. બીક પણ લાગતી હતી. મને ડર હતો કે ક્યાંક ઇજાગ્રસ્ત ના થઈ જવાય, ક્યાંક વાગી ન જાય, પરંતુ મેં પોતાની જાત પર વિશ્વાસ રાખ્યો અને પ્રેક્ટિસ ચાલુ જ રાખી. મને મારા પર જેટલો વિશ્વાસ હતો એટલો જ વિશ્વાસ મારા કોચ પર પણ હતો. હું સતત જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ કરતી હતી. તેથી થોડા સમય પછી એ ડર પણ દૂર થઈ ગયો અને મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. આ ઉપરાંત જિમ્નાસ્ટિક્સ માટે માનસિક અને શારીરિક રીતે પણ સ્ટ્રોંગ રહેવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કરઃ જિમ્નાસ્ટિક્સ માટે અન્ય કોઈ સ્પેશિયલ એક્સર્સાઇઝ કે યોગા-ડાયટિંગ કરો છો?
આર્યાઃ જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ માટે જઈએ ત્યાં બેલ્લેની પ્રેક્ટિસ કરાવતા હોય છે. બેલ્લેને લીધે શરીર લચીલું રહે છે. આ ઉપરાંત ત્યાં સ્ટ્રેચિંગ સહિતની ઘણી કસરતો પણ કરાવવામાં આવે છે. આ સિવાય પણ ઘણા પ્રોગ્રામ કરાવવામાં આવે છે, જે શરીરને ઘણા ઉપયોગી થાય છે. આમ, વિવિધ પ્રકારની કસરતોથી સરળતા રહે છે. આ સિવાય ડાયટિંગની વાત કરું તો, જિમ્નાસ્ટિક્સ કરવામાં શરીરને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. હું વેજિટેરિયન છું એટલે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું જરૂરી બને છે. આ બાબતે મારી મમ્મી મારું ખાસ ધ્યાન રાખે છે. મમ્મી મને મોટે ભાગે લીલાં શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક વધુ આપે છે, જેથી જે પોષકતત્ત્વોની જરૂર છે એ બધાં મળી રહે.

દિવ્ય ભાસ્કરઃ સ્ટેટ ચેમ્પિયનશિપમાં તમારાં પર્ફોર્મન્સ વિશે જણાવો
આર્યાઃ કેનબેરામાં સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જિમ્નાસ્ટિક્સ પણ સામેલ હતું. આ ગેમમાં 40થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. એમાં મુખ્યત્વે 4 લેવલ હોય છે. ફ્લોર જિમ્નાસ્ટિક્સ, બીમ જિમ્નાસ્ટિક્સ, વૉલ્ટ જિમ્નાસ્ટિક્સ અને અનઇવન પેરેલલ બાર જિમ્નાસ્ટિક્સ. આ ચારેય કેટેગરીમાં અમુક નક્કી કરેલો સ્કોર મેળવવાનો હોય છે અને ક્વોલિફાય થવાનું હોય છે. એમાં ફ્લોર જિમ્નાસ્ટિક્સ અને બીમ જિમ્નાસ્ટિક્સમાં હું પહેલા સ્થાને આવી હતી. જ્યારે વૉલ્ટ જિમ્નાસ્ટિક્સ અને અનઇવન પેરેલલ બાર જિમ્નાસ્ટિક્સમાં હું ત્રીજા સ્થાને આવી હતી. છેલ્લે, ઓવરઓલ સ્કોરની ગણતરી કરી ત્યારે હું ક્વોલિફાય કરીને બીજા સ્થાને આવી હતી.

દિવ્ય ભાસ્કરઃ ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની હોય, જેને કારણે જિમ્નાસ્ટિક્સમાં તકલીફ થઈ હોય?
આર્યાઃ થોડા સમય પહેલાં મારા ખભામાં ઇન્જરી થઈ હતી. આ સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ખભાની ઇન્જરીને આકરી લડત આપી હતી. ત્યારે હું અહીં સુધી પહોંચી શકી હતી. એકવાર બેલ્લે કોમ્પિટશન દરમિયાન મારો ખભો શોકેટમાંથી પોપ થઈ ગયો હતો. એને કારણે ત્યાંના 3થી 4 લિગામેન્ટ્સ પણ તૂટી ગયા હતા. મને હાથ ઊંચો કરવામાં ઘણી જ તકલીફ પડતી હતી. આ ઇજાને કારણે મારું જિમ્નાસ્ટિક્સ કરવું ઘણું અઘરું થઈ ગયું હતું. હું અન્ય કોઈ કોમ્પિટિશનની તૈયારી કરી શકું તેવી સ્થિતિમાં નહોતી. મારા ફિઝિયોથેરાપિસ્ટ અને ડોક્ટરે મને પૂરતો આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ એ શક્ય નહોતું, કારણ કે સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પર્ફોર્મ કરવા માટે પ્રેક્ટિસ કરવાની હતી. મેં માત્ર 2 અઠવાડિયાં સુધી ટ્રીટમેન્ટ કરાવી, આરામ કર્યો અને ત્યાર બાદ મેં પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી. પછી સ્ટેટ ચેમ્પિયનશિપ નજીક આવતી ગઈ અને પ્રેક્ટિસ વધતી ગઈ. પ્રેક્ટિસ કરતી વખતે મને દુઃખે કે તકલીફ થાય તો હું 4થી 5 મિનિટનો આરામ કરીને ફરીથી પ્રેક્ટિસ ચાલુ કરતી હતી. થોડા સમય બાદ સ્ટેટ ચેમ્પિયનશિપ આવી અને મેં પર્ફોર્મ કરી બીજું સ્થાન હાંસલ કર્યું.’

દિવ્ય ભાસ્કરઃ આટલી નાની ઉંમરે આ લેવલ સુધી પહોંચવા કેવા કોમ્પ્રોમાઇઝ-સેક્રિફાઇઝ કરવા પડ્યાં છે?
આર્યાઃ જિમ્નાસ્ટિક્સ માટે ઘણાં કોમ્પ્રોમાઇઝ અને બલિદાન આપવાં પડે છે. ઇચ્છા હોય તોપણ ક્યાંય જઈ શકાતું નથી. મિત્રો સાથે પણ સમય પસાર કરી શકાતો નથી. આ ઉપરાંત જો કોઈ ફંક્શન હોય તો પણ ના છૂટકે એમાં ભાગ લઈ શકાતો નથી. વળી, પાર્ટી હોય તોપણ એ એટેન્ડ કરી શકાતી નથી. દર વખતે કોઈ ને કોઈ કારણસર કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ક્યારેક પ્રેક્ટિસ માટે જવાનું હોય તો ક્યારેક અભ્યાસને કારણે બધું સાચવી લેવું પડે છે.’

જિમ્નાસ્ટિક્સ કરતી આર્યા પટેલ.
જિમ્નાસ્ટિક્સ કરતી આર્યા પટેલ.

વિદેશી ધરતી પર ગુજરાતી દીકરીનું નામ સાંભળી ગર્વ થાય છેઃ માતા
આર્યાની માતા જિતલબેન દીકરી વિશે વાત કરતાં દિવ્યભાસ્કરને જણાવે છે કે ‘મારી દીકરી પર મને બહુ જ ગર્વ થાય છે. એક ગુજરાતી દીકરી ઓસ્ટ્રેલિયામાં આવી રીતે કોન્ફિડન્સ સાથે નીડરતાથી પર્ફોર્મ કરે છે. તેને જોઈને રુવાંટાં ઊભાં થઈ જાય છે. જ્યારે આર્યાનું નામ સંભળાય કે ‘નેક્સ્ટ ઈઝ આર્યા પટેલ,’ ત્યારે મને એમ થાય છે કે મારી દીકરી નામ રોશન કરે છે. આર્યા માટે હું અને મારા પતિ પણ ઘણું સેક્રિફાઇઝ કરીએ છીએ. એક માતા તરીકે મારે આર્યાના રૂટિન સાથે મારું રૂટિન મેચ કરવું પડે છે. સ્કૂલેથી આવી બસ પકડીને સીધી જિમ જાય અથવા મારા પતિ તેને જિમમાં મૂકવા 10 કિલોમીટર દૂર જતા હોય છે. વળી, ત્યાંથી ઘરે આવે ત્યારે આર્યા માટે જમવાનું તૈયાર કરી રાખું છું. અમારે પણ ક્યાંય પણ જવું-આવવું હોય તોપણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તેના ડાયટિંગનું ધ્યાન રાખવું પડે છે.’

આ સિવાય પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી
આર્યાએ આ પહેલાં પણ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આર્યાએ ઓસ્ટ્રેલિયાની નેશનલ ચેમ્પિયનશિપમાં 3 વખત ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. 10 વર્ષ નાની ઉંમરે આર્યાએ પહેલીવાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ આર્યાએ 4 વાર જિમ્નાસ્ટિક્સમાં ‘સ્ટેટ ચેમ્પિયન’નો ખિતાબ મેળવ્યો છે. આર્યા તેના ગોલ વિશે વાત કરતા કહે છે, તેને કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી પહોંચવાની ઇચ્છા છે. તે યુવાનોને સંદેશ આપતા કહે છે કે પોતાની જાત પર વિશ્વાસ કરવાથી કંઈ પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...