દિવાળી નિમિતે સરકારી કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ ઝોનના આરોગ્ય કેન્દ્ર પર કામ કરતા આઉટ સોર્સિંગના કર્મચારીઓને 6 વર્ષથી બોનસ ચુકવવામાં આવતું નથી.જેથી આ વર્ષે બોનસની માંગણી સાથે કર્મચારીઓ આરોગ્ય અને તબીબીના નાયબ નિયામકની કચેરી પહોચ્યા હતા અને બોનસ માટે માંગણી કરી હતી.
દર વર્ષે 9000 જેટલું બોનસ કર્મચારીઓને ચૂકવવાનું હોય છે
શાહીબાગમાં આવેલ નાયબ નિયામકની કચેરી ખાતે અમદાવાદ ઝોનના આણંદ અને ખેડા જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ બોનસની માંગણી સાથે પહોચ્યા હતા. અમદાવાદ ઝોનના 4 જીલ્લામાં 8000 કરતા વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ કામ કરે છે અને દર વર્ષે 9000 જેટલું બોનસ કર્મચારીઓને ચૂકવવાનું હોય છે. કર્મચારીઓન આક્ષેપ છે કે સરકાર બોનસના નાણા દર મહીને પગારમાં 8.33 ટકા લેખે કોન્ટ્રકટ કંપનીને ચુકવે છે પરંતુ કંપની દ્વારા તે રકમ કર્મચારીઓને ચુકવતી નથી.કંપની આને અધિકારી દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી.
દિવાળી સુધીમાં બોનસ નહિ ચૂકવાય તો આંદોલન
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ હવેથી બોનસ અને પગારની રકમ કર્મચારીના ખાતામાં સીધી જવી જોઈએ પરંતુ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા કર્મચારીઓને જગ્યાએ સીધા જ કંપનીના ખાતામાં નાણા આપવામાં આવે છે અને કંપની તે રકમ ચુકવતી નથી જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજે રજૂઆત કરવા આવ્યા છે. દિવાળી સુધીમાં બોનસ નહિ ચૂકવાય તો આંદોલન પણ કરવામાં આવશે.
આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ જણાવ્યું હતું કે હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 27 વર્ષથી ફરજ બજાવું છે પરંતુ છેલ્લા 6 વર્ષથી ડી.બી.એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા કોન્ટ્રકટ લેવામાં આવ્યો છે ત્યારથી બોનસ ચૂકવવામાં આવતું નથી. કંપની પાસે બોનસ માંગીએ ત્યારે પગારમાં ડર મહીને આપીએ તેવું જ કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.