લૂંટેરી દુલ્હને ચૂનો લગાવ્યો:અમદાવાદના દિવ્યાંગ યુવકે લગ્ન માટે ચાર લાખનો ખર્ચ કર્યો, કન્યા તો ના આવી પણ તેની ઠગ ટોળકી રૂપિયા લઈ ફરાર

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક દિવ્યાંગ યુવકને એક વ્યક્તિએ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી. જે માટે અઢી લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પણ જેવા યુવક અને આ ટોળકીના ગોઠવેલા માણસો મહારાષ્ટ્ર પહોંચ્યા તો તરત જ આ ટોળકીએ યુવતી દેખાડવાના પણ 11000 રૂપિયા વસૂલી લીધા હતા. ત્યાંથી શરૂ થયેલું ચીટિંગ યુવકને 3.88 લાખમાં પડ્યું છે. આ યુવકને યુવતી સાથે લગ્ન કરાવવા ટોળકી અમદાવાદ આવી અને રૂપિયા લઈ ફોન સ્વિચ ઓફ કરી પલાયન થઈ ગઈ છે. આ અંગે હાલ યુવકની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છોકરી ઘરે આવી જાય પછી પૈસા આપવા કહ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 12મી ઓગસ્ટના રોજ દિવ્યાંગ યુવક લલિત માલી અને તેમના પરિચિત વિશ્વનાથ બન્ને જણા બાપુનગર ખાતે રહેતા સુરેશભાઇના ઘરે આવ્યા હતા અને સુરેશભાઇએ તેમને ત્યાં બાપુનગર આનંદ ફલેટમા રહેતા હરિદાસ, રાજુભાઇ તથા દિલીપભાઇ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન લગ્ન બાબતે વાતચીત થઈ હતી અને રાજુભાઇએ લલિતને મહારાષ્ટ્રના અકોલા ખાતે એક છોકરી છે તેમ કહ્યું હતું. જેથી તે સમયે લલિતે રાજુભાઇને પૂછ્યું કે લગ્નનો કેટલો ખર્ચ થશે, જેથી રાજુભાઈએ લલિતને જણાવ્યું કે લગ્ન થઇ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યાં સુધી 2 લાખ 30 હજાર જેટલો ખર્ચ થશે. છોકરી અમદાવાદમાં તમારા ઘરે આવે તે પછી પૈસા આપવાના રહેશે તેવું જણાવ્યું હતું.

ગેસ્ટહાઉસમાં રોકાવાનું ભાડું પણ ચૂકવ્યું
આ રાજુભાઇએ દિલીપભાઇની ગાડી ભાડે લઇ 18 હજાર ગાડીનું ભાડું લલિત પાસેથી લઇને લલિત સહિત વિશ્વનાથ, સુરેશભાઇ, હરિદાસ, રાજુભાઇ તથા દિલીપભાઇ સાથે અકોલા મહારાષ્ટ્ર ખાતે પહોંચ્યા હતા. જ્યારે ગેસ્ટહાઉસમાં રોકાવાનું ભાડું પણ લલિતે ચૂકવ્યું હતું. બીજા દિવસે સવારે રાજુભાઇએ તેમના ઓળખીતા નરેશભાઇને ફોન કરીને અકોલા બોલાવેલ અને નરેશભાઇએ છોકરીને બતાવતા પહેલાં 11 હજાર ટોકન પેટે આપો નહિંતર છોકરી બતાવીશું નહીં તેવું કહ્યું હતું. જેથી નરેશભાઇને લલિતે પૈસા આપ્યા હતા. બાદમાં રાજુભાઇ આ નરેશભાઇના ઘરે લઇ ગયેલા અને ત્યાં નરેશભાઇ, વિમળા માસી, સંજય અકોલાવાળા, સૂરજ પાટીલ, સુમિત્રા, સંજય અને કલ્યાણીબેન સાથે મુલાકાત કરાવી હતી.

છોકરી જોવા માટે અકોલા લઈ જવામાં આવ્યો
બાદમાં નરેશભાઇના ઘરે લલિતને સુમિત્રા પાટીલ નામની છોકરીની મુલાકાત કરાવી હતી. સુમિત્રાએ લલિતને કહ્યું કે, હું મારી મરજીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને તે સમયે નરેશભાઇએ લલિતને છોકરીના હાથમાં 1100 આપવાનું કહ્યું અને લલિતે પૈસા આપ્યા હતા. બાદમાં રાજુભાઇ, સુરેશભાઇ તથા દિલીપભાઇ અમદાવાદ પરત આવી ગયા હતા અને બીજા દિવસે સવારે 20 હજારની ટેક્સી ભાડે કરી લલિત, નરેશભાઇ, કલ્યાણી, સુમિત્રા તથા સંજય અમદાવાદ આવ્યાં હતાં અને ગાડી ઊભી રાખીને નરેશભાઇએ સુરેશભાઇની સાથે તથા રાજુભાઇની સાથે વાતચીત કરી હતી અને મને પૈસા આપી દેવાનું કહ્યું હતું. આ સમયે લલિત પાસે પૈસા નહોતા જેથી તેણે દિનેશભાઇ પાસે પૈસા મંગાવી બાપુનગર ચાર રસ્તા ખાતે 2.20 લાખ રોકડા નરેશભાઇના હાથમાં કલ્યાણી, સુમિત્રા તથા સંજયની હાજરીમાં આપ્યા હતા.

લગ્ન કરવા માટે વધુ 50 હજાર માંગ્યા
આ સમયે સંજયભાઇએ લલિતને કહ્યું હતું કે, તમે અહીંયા ઊભા રહો અમો ફોટો કોપી કઢાવીને આવીએ છીએ અને પછી કોર્ટમાં લગ્ન કરવા જઇએ છીએ. ત્યારપછી આ તમામ લોકો રૂપિયા 2.20 લાખ લઇને ભાગી ગયા હતા અને બધાએ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાંચેક દિવસ પછી લલિતે સંજયભાઇને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું કે મારા ખાતામાં 30 હજાર રૂપિયા નાંખો તો હું છોકરીને ફરીથી લઇ આવીશ. જેથી લલિતે ફરીથી 30 હજાર રૂપિયા સંજયના ખાતામાં નાંખ્યા હતા. સંજયભાઈએ લલિતને કહ્યું કે તમે મલકાપુર આવી જાવ જેથી લલિત મલકાપુર ગયો અને ત્યાં સંજય તથા તેની પત્ની કલ્યાણીએ કહ્યું કે સુમિત્રા સાથે લગ્ન કરવા હોય 50 હજાર આપી દો. જેથી લલિતે પૈસા સંજયના ખાતામાં જમા કરાવ્યા હતા.

કન્યા માટે 25 હજારના સોનાના દાગીના ખરીદ્યા
પૈસા મળ્યા બાદ લલિતને વિશ્વાસ આપી કહેવાયું કે લગ્ન ન થાય તો અમો તમારા પૂરેપૂરા પૈસા પાછા આપી દઇશું. ત્યાર બાદ લલિતને સુમિત્રાએ ફોન કરીને કહ્યું કે, હું દિવાળી પછી આવું છું તો મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. લલિતે અકોલામાં નીલરત્ન જવેલર્સમાંથી 20 હજારના સોનાના દાગીના ખરીદ્યા અને બાદમાં ત્રણ હજાર રૂપિયાનાં બીજાં ઘરેણાં ખરીદ્યાં હતાં. બાદમાં સુમિત્રાએ લલિત પાસે કપડાના પૈસા માંગતા લલિતે 12 હજાર રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ લલિત અમદાવાદ પરત આવી ગયો હતો. સુમિત્રા લિલત પાસે વધુ પૈસાની માગણી કરતા લલિતે નહોતા આપ્યા અને ચાર-પાંચ મહિના સુધી રાહ જોઈ, તેમ છતાં આ સુમિત્રા આવી નહીં. તેણે લલિતને ફોન ઉપર બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લલિતે આ ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ધમકી મળતાં જ લલિતે મલકાપુર પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ પોલીસે તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરી હતી. જ્યાં સુમિત્રાએ કહ્યું કે હું 15 દિવસ પછી આવી જઇશ. ત્યાર બાદ સમાધાન થયું હતું. લલિતે 15 દિવસ રાહ જોયા બાદ પણ સુમિત્રા આવી નહી. જેથી લલિત મલકાપુર ખાતે મળવા ગયો ત્યાં બધાએ ભેગા મળીને લલિતને મારી નાખવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ટુકડે ટુકડે રૂપિયા 3.88 લાખ છેતરપિંડીથી પડાવી દીધા હતા અને ફોન ઉપર ધમકી આપી કે તારા જેવા અપંગની સાથે અમારી દીકરીનાં લગ્ન થાય તે ભૂલી જા. અહીયા આવતો નહી જો તું અહીંયા આવીશ તો અમે તારા હાથ-પગ તોડી નાખીશું. લલિતે આ ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...