લગ્ને લગ્ને કુંવારો યુવક ​​​​​​​:અમદાવાદના યુવકની એક-બે નહીં પાંચ પત્નીઓ! ફુલહાર કરી યુવતીઓના પૈસા જલસા કરતો, ચોથી 'પત્ની'એ કરી દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • સોલાની યુવતીએ પતિ સામે પોલીસમાં ફરિયાદ કરતા યુવક અગાઉથી પરિણીત હોવાનું સામે આવ્યું

અમદાવાદના સોલા વિસ્તારમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો શખ્સ પકડાયો છે. યુવકે એક, બે નહીં પણ પાંચ યુવતીઓને પોતાની શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. લગ્ને લગ્ને કુંવારા યુવકની ચોથી પત્નીએ તેનો આ વિકૃત ચહેરો બહાર લાવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરતો અને દુષ્કર્મ આચરી યુવતીને છોડી દેતો હતો. આ અંગે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરતા બહાર આવ્યું હતું કે, અગાઉ તેની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

યુવકે કુંવારો હોવાનું જણાવી પ્રેમ સંબંધ બાંધ્યો
સોલા પોલીસે જણાવ્યા અનુસાર, 2016માં ખાનગી કંપનીમાં મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો હતો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018માં પ્રબજોતે પોતે કુંવારો હોવાનું કહીને યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરીને લીવ ઈન રિલેશનશીપમાં બન્ને રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનુ કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો હતો.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

યુવતીઓના દાગીના અને રોકડ લઈને જલસા કરતો
આરોપીની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ મહિલાના ઘરે પહોંચતા પ્રબજોતનો ભાંડો ફુટી ગયો હતો. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પ્રબજોતે પરણિત હોવા છતાં કુવારો હોવાનું કહીને લગ્ન તો કર્યા પરંતુ પોતે શરૂ કરેલા કાફે અને તેની લક્સુરીયસ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી ગયો છે. આરોપીએ અગાઉ ચાર યુવતીઓ સાથે લગ્ન કર્યા અને હવે પાંચમી યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમાં રહે છે. આરોપીએ એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે સંબંધના નામે વિશ્વાસઘાત કરતો હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો બળાત્કારનો ગુનો
સોલા પોલીસે આરોપી વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં સોલા પોલીસે બળાત્કારના ગુનામાં આરોપી પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીની ધરપકડ કરી છે.