હજી પણ ભારે વરસાદની આગાહી:અમદાવાદ પશ્ચિમ ઝોનમાં સિઝનનો કુલ 43 ઈંચ વરસાદ, 2017ની આખી સિઝનમાં શહેરમાં આટલો વરસાદ થયો હતો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે દિવસથી સાંજે ભારે વરસાદ શરૂ થઈ જાય છે. અચાનક તૂટી પડતાં વરસાદને લીધે ટુ-વ્હિલર ચાલકો મેટ્રોના બ્રિજ નીચે આશરો લે છે. શહેરના તમામ અંડરપાસ નીચે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. - Divya Bhaskar
બે દિવસથી સાંજે ભારે વરસાદ શરૂ થઈ જાય છે. અચાનક તૂટી પડતાં વરસાદને લીધે ટુ-વ્હિલર ચાલકો મેટ્રોના બ્રિજ નીચે આશરો લે છે. શહેરના તમામ અંડરપાસ નીચે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે.
  • પાલડી, મણિનગરમાં 2 કલાકમાં 2 ઈંચ, સામાન્ય વરસાદમાં પણ અનેક સ્થળે પાણી ભરાવાનો સિલસિલો યથાવત્
  • પાલડી ઉપરાંત વાસણા, વેજલપુર, એલિસબ્રિજમાં અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ, અખબારનગર અંડરપાસ બંધ કરવો પડ્યો
  • હજુ ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી

શનિવારની જેમ જ રવિવારે પણ સાંજે 4 વાગ્યા પછી વાતાવરણે અચાનક પલટો લીધો હતો. સાંજે 4 પછીના 2 કલાકના ગાળામાં પાલડી અને મણિનગરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. જોધપુરમાં દોઢ ઈંચ, બોપલમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. સામાન્ય વરસાદ છતાં શહેરના પોશ વિસ્તારોમાં પાણી ભરાવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. 2017માં શહેરમાં સિઝનનો કુલ 42 ઈંચ વરસાદ થયો હતો.

જો કે, માત્ર પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી 43 ઈંચ વરસાદ પડી ગયો છે. સાંજે આવેલા ધોધમારને લીધે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરની 28 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં 37 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

વાસણા બેરેજનું લેવલ 135.75 ફૂટ નોંધાયું હતું. સાંજે ચાર વાગે બેરેજ ખાતે 2382 ક્યુસેક પાણીની આવક તથા 2267 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ હતી. બેરેજનો એક ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાંથી લઇને થંડર સ્ટોર્મની છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, રવિવારે મોન્સુન ટ્રફ નલિયા-ભૂજથી પસાર થઇને આ વિસ્તારની સાથે રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયો છે. જેને પગલે અમદાવાદમાં સાંજ પડતાં પવનની ગતિ 15થી 20 કિલોમીટરના સામાન્ય પવનો અને 30 કિલોમીટરની ગતિના ઝાટકાના પવનો ફૂંકાયા હતા. વિઝિબિલિટી 4 કિમીથી ઘટીને 2 કિલોમીટરની થઈ હતી.

સરખેજ અને ઉસ્માનપુરામાં અડધો ઈંચ

વિસ્તારવરસાદ
પાલડી2
મણિનગર2
જોધપુર1.75
બોડકદેવ1
બોપલ1
ચકુડિયા0.75
સરખેજ0.75
ઉસ્માનપુરા0.6
મક્તમપુરા0.6
દાણાપીઠ0.6
વરસાદ ઈંચમાં
અન્ય સમાચારો પણ છે...