અમદાવાદમાં ઈતિહાસમાં પહેલીવાર અવાજ વિનાની ઉત્તરાયણ જોવા મળી રહી છે. વહેલી સવારથી બાળકો ધાબા પર ચડી ગયા છે. જો કે ઠંડીની સાથે સારો પવન હોવાથી પતંગની મોજ પડી ગઈ હતી. બાળકો રંગબેરંગી ફુગ્ગા અને અલગ અલગ પીપૂડા સાથે પતંગના પેચ લડાવવા લાગ્યા હતા. જ્યારે વડીલો પણ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. તેમજ ઠેર ઠેર ગાયોને પૂળો મકાઈ અને ગરીબોને દાન આપતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ બાળકોને તલ-ચીકીનું પણ વિતરણ કર્યું હતું. જો કે પોશ વિસ્તારના મોટા ભાગના ધાબાઓ સૂનકાર ભાસી રહ્યા હતા. પરંતુ પોળની ઉત્તરાયણે રંગ રાખ્યો હતો.
પતંગ લૂંટતો બાળક કારની અડફેટે ચડ્યો, શહેરમાં દોરીથી ગળા કપાયા અને માથાના ભાગે ઈજાની ફરિયાદો મળી
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી ગળા કપાવા, નીચે પડી જવા જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. આજે 108 ઇમરજન્સીને સવારથી દોરી વાગવા અને નીચે પડવાના અનેક કોલ મળ્યા છે. અમદાવાદના વિસત સર્કલે 7 વર્ષનો બાળક પતંગ પકડવા જતા કારની અડફેટે ચડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં 38 ઈમરજન્સી કોલ 108ની ટીમને કરાયા હતા.
વસ્ત્રાલમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી 55 વર્ષીય કનૈયાલાલ પટેલ વાહન પર પસાર થતા હતા ત્યારે ગળામાં દોરી આવી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
જુહાપુરામાં બરફ ફેક્ટરી રોડ પર વિશાલ ગોસાઈ નામનો યુવક બાઈક પર જતો હતો ત્યારે ગળામાં દોરી આવતા નીચે પટકાયો હતો જેથી માથા અને ગળાનાં ભાગે ઇજાઓ થતા જીવરાજ મહેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વસ્ત્રાલના ન્યુ આરટીઓ રોડ પર 45 વર્ષીય ચેતનભાઈ મોદી વાહન પર જતાં હતાં તે દરમિયાનમાં ગળામાં દોરી આવી જતા તેઓને ઊંડો ઘા વાગ્યો હતો. જેથી 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે મહેમાનો વગર ઉત્તરાયણની ઉજવણી જોવા મળી છે.
અમિત શાહ 4 વાગ્યે થલતેજમાં પતંગ ચગાવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે 4 વાગ્યે થલતેજમાં આવેલા મેપલ ટ્રીના PME-બ્લોક 4 વાગ્યે પતંગ ચગાવશે. ત્યાર બાદ સાડા 4 વાગ્યે તેઓ ઘાટલોડિયામાં આવેલા અર્જુન ટાવરમાં પતંગ ઉડાવશે.
શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પર ઘર દીઠ 15-20 જેટલા મિત્રો અને કુટુંબીજનો ભેગા થતા હોય છે. આ વખતે કોરોનાને કારણે પરિવાર સિવાયના લોકોને ધાબે ભેગા થવા પર પ્રતિબંધ છે. જેથી શહેરીજનો માત્ર પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, સરખેજ, રાણીપ, બોપલ, ચાંદખેડા, નારણપુરા, ઈસનપુર, નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતાં લોકો માત્ર પોતાના ટેરેસ પર જ ફેમિલી પાર્ટી અને પતંગ ઉડાવી સંતોષ માની રહ્યા છે.
છેલ્લી ઘડીની ખરીદી પર પતંગરસિયાઓની ભારે ભીડ જામી હતી
આ પહેલા બુધવારે રાયપુર અને જમાલપુર બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી લેવા ઉમટી પડ્યા હતા. અહીં પતંગ ખરીદી વેળા લોકો દ્વારા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતા જોવા મળ્યા ન હતા, એટલું જ નહીં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. રાયપુર પતંગબજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતિંગરસિયાઓની ભીડ ઉમટી પડી હતી.
દરેક વિસ્તારમાં 5 જગ્યાએ ધાબા પર પોલીસ તહેનાત
ઉત્તરાયણમાં તકેદારીના પગલાં માટે સરકારે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી છે. ત્યારે કેટલીક સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ બહારની વ્યક્તિને સોસાયટીમાં ન પ્રવેશવા દેવાનો તેમજ ધાબા પર ફરજિયાત માસ્ક પહેરવાનો ઠરાવ કર્યો છે. અનેક સોસાયટીઓ રહીશો સિવાયના બહારના લોકોને ધાબા પર ન આવવા દેવાનું સ્પષ્ટપણે કહ્યું છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા કહ્યું છે. તેમજ દરેક વિસ્તારમાં 5 જગ્યાએ ધાબા પર પોલીસ તહેનાત છે. માત્ર એટલું જ નહીં, 20 જેટલા ડ્રોન પણ ઉડાવવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.