આવતીકાલે અમદાવાદમાં PMનો રોડ શો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-ઉદયપુર ટ્રેનને લીલી ઝંડી આપશે, રાજસ્થાન-ગુજરાતને વધુ એક રેલવે કનેક્ટિવિટી

અમદાવાદએક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન અમદાવાદ (અસારવા)થી ઉદયપુર ટ્રેનને લીલીઝંડી આપશે. 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ- હિંમતનગર મીટરગેજ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે. 1 નવેમ્બરથી લોકો માટે અમદાવાદથી ઉદયપુરની રેલવેની સેવા મળી રહેશે. આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા રેલવેસ્ટેશનથી લીલી ઝંડી આપશે. ત્યારબાદ નરોડા રોડ પર એક કિલોમીટર સુધીનો રોડ શો કરશે અને અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ
વડાપ્રધાનના કાર્યક્રમને લઈ અસારવા રેલવે સ્ટેશન અને અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અસારવા રેલવે સ્ટેશન પર કલર કામ તેમજ પાટાઓના સાઈડના કલર કામ સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે. નરોડા રોડ પર અશોક મિલ કમ્પાઉન્ડમાં જ્યાં જાહેર સભા યોજાવાની છે. જેસીબી મશીનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તમામ ટીમો કાર્યરત કરી અને જાહેરસભા માટે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પીએમ 50 હજારથી વધુને જનમેદનીને સંબોધશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કરશે. અમદાવાદથી ઉદયપુર વચ્ચેની બ્રોડગેજ રેલવે લાઇનનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ વડાપ્રધાન સીધા અસારવા રેલવે સ્ટેશન ખાતે આવશે, ત્યાંથી ઉદયપુરની ટ્રેનને તેઓ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. રેલવે સ્ટેશનથી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ નરોડા રોડથી અશોક મિલ કમ્પાઉન્ડ સુધી તેઓ રોડ શો કરશે. અશોક મિલ કમ્પાઉન્ડની જગ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50,000થી વધુ લોકોની જન્મેદનીને સંબોધન કરવાના છે.

AMC ભાજપના સત્તાધીશોએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ
AMCની તમામ ટીમો કાર્યરત કરી અને જાહેરસભા માટે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, પક્ષનાં નેતા ભાસ્કર ભટ્ટ સહિતના મ્યુનિ. પદાધિકારીઓ, મ્યુનિ. પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય વલ્લભ કાકડીયા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના શહેરના સંગઠનના હોદ્દેદારોએ સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...