અમદાવાદમાં રહેતી એક મહિલાને તેના જ નાનપણના મિત્રએ અન્ય મિત્ર સાથે મળી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોડી રાત્રે મહિલા જતી હતી ત્યારે લિફ્ટ આપવાનું કહી મહિલાને બંને શખ્સો રેલવેના પાટા પર લઈ ગયા. વારાફરતી બંનેએ મહિલા પર બળાત્કાર ગુજારી એક્ટિવા પર ખોખરા મૂકી ફરાર થઇ ગયા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોડી રાત્રે મહિલાને બાળપણનો મિત્ર મળ્યો હતો
મળતી માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ સીટીએમ ખાતે વેલ્ડીંગનું કામ કરે છે. થોડા દિવસ પહેલા આ મહિલા તેના ઘરેથી નીકળી ખોખરા રેલવે ક્રોસિંગ બાજુ આવી હતી. રાત્રે બારેક વાગ્યાની આસપાસ બાળપણથી ઓળખતો યુવક મળ્યો હતો. આ યુવક અને મહિલા નજીક નજીક રહેતા હતા જેથી તેની સાથે મહિલાને સંપર્ક હતો.
ઘરે મૂકી જવાના બહાને રેલવે પાટા પાસે લઈ ગયા
આ દરમિયાન તેની સાથે બીજો એક શખ્સ પણ આવ્યો હતો અને મહિલા પાસે આવી તેને જણાવ્યું કે, 'ચાલો અમે તમને તમારા ઘરે ઉતારી દઇએ'. એમ કહી મહિલાને એક્ટીવા પર બેસાડી દીધી હતી. બે યુવકોએ આ મહિલાને એક્ટીવા પર વચ્ચે બેસાડી હતી અને બાદમાં રેલવેના પાટાઓ પાસે લઈ ગયા હતા. અંધારામાં રેલવેના પાટા પાસે બંને શખ્સોએ મહિલાના કપડા બળજબરીથી કાઢી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ખોખરા પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ
મહિલાએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તે ત્યાંથી નીકળી ગઈ હતી અને બંને શખ્સો ફરી તેની પાછળ આવ્યા હતા અને તેને એકટીવા ઉપર બેસાડી ખોખરા ઉતારી ભાગી ગયા હતા. બાદમાં આ મહિલા એક દુકાનના ઓટલા ઉપર ઊંઘી ગઈ હતી અને સવારે તેના માતા-પિતાના ઘેર ગઈ હતી. આ બાબતને લઈને તેના પરિવારને આ અંગે જાણ કરતાં મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.