અત્યાચાર:અમદાવાદની ટ્રાફિકની સમસ્યા ઘર કંકાસનું કારણ બની, શિક્ષિકા ઘરે મોડી પહોંચતા શંકાશીલ સાસરીયાએ ફટકારી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટ્રાફિકના કારણે સ્કૂલેથી ઘરે આવવામાં મોડું થતા પરિણીતાને માર મળ્યો.
  • શંકાશીલ પતિ અને સાસરીયાની પજવણીથી પરેશાન મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા પરિવારમાં ટ્રાફિકની સમસ્યા ઘર કંકાસનું કારણ બની છે. જેમાં પરિણીતા રોજ કામ અર્થે જાય અને ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેને સાસરીયા શંકાની નજરે જોતા હતા. જેના કારણે પરિણીતાને માર ખાવાનો વારો આવ્યો હતો. પરિણીતા પર સતત ત્રાસ થતા આખરે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલ તપાસ શરૂ કરવામાં આવે છે.

ઘરે આવતા મોડું થતા સાસરીયાએ પરિણીતાને માર માર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલ્યું છે ) શહેરની સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. તેના લગ્ન પરિવારની સંમતિથી સમીર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સસરાએ સીમાને કહ્યું કે, જો તારે રહેવું હોય તો પગાર અમને આપી દેવો પડશે. આ માટે સીમાએ ના પડી દીધી હતી. ત્યાર બાદ તેને સાસરિયા માર મારવા લાગ્યા હતા.

વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
વેજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

પતિ શંકા રાખી સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતો
આટલું જ નહીં જ્યારે આ પરિણીતા સ્કૂલમાં નોકરીએ જાય ત્યારે તેની હાજરી ચેક કરવા તેનો પતિ ત્યાં જતો હતો. શિક્ષિકાનું કોલ લિસ્ટ, વોટ્સએપ, ફેસબુક સહિતના એકાઉન્ટ પણ શંકા રાખીને પતિ ચેક કરતો હતો. સાથે જ બાળક કેમ નથી થતા તેમ કહી તેને ગાયનેક ડોકટર પાસે લઈ જતો. જોકે તાજેતરમાં શિક્ષિકાને શહેરમાં ભારે ટ્રાફિક હોવાથી ઘરે અવવામાં મોડું થતા શંકાઓ રાખી સાસરીયાએ તેની સાથે ઝઘડો કરી તેના પતિને ચઢામણી કરી હતી.

પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ બધા બનાવ બાદ પણ સીમા તેનો ઘર સંસાર ન તૂટે તે માટે બધું સહન કરતી હતી. આ બધાની વચ્ચે સીમા ઘરે આવે ત્યારે ટ્રાફિક જામના કારણે તેને મોડું થઈ ગયું હતું. જેથી સાસરીયા સીમાના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યા હતા અને બધાએ ભેગા થઈને પરિણીતાને માર માર્યો હતો. આ પ્રકરણમાં સીમાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.