તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિરિયલ કિલર કોરોનાથી ડરવું જરૂરી:17 નવેમ્બરે પોલીસકર્મીનાં માતાનું, બીજા દિવસે ભાઈનું અને પાંચ દિવસ પછી પિતાનું મોત, હવે સમજી જજો, નહીંતર...

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
ટ્રાફિક કોન્સ્ટેબલ ધવલ રાવલના પિતા અનિલભાઈ 29 ઓક્ટોબરે પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ માતા અને ભાઈ પણ સંક્રમિત થયાં. - Divya Bhaskar
ટ્રાફિક કોન્સ્ટેબલ ધવલ રાવલના પિતા અનિલભાઈ 29 ઓક્ટોબરે પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ માતા અને ભાઈ પણ સંક્રમિત થયાં.
  • AMC અને પોલીસની દિવાળી પહેલાંની ગાઇડલાઇન્સનું પાલન ન કરાવવાની ભૂલ આજે લોકો ભોગવી રહ્યા છે
  • કોરોનાને નકારી કાઢતા અને હળવાશથી લેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સામાન છે

દિવાળીના તહેવાર પહેલાં ખરીદી માટે ઊમટી પડેલી બેકાબૂ ભીડને કારણે ગુજરાતમાં ફરી કોરોના-બોમ્બે ફૂટ્યો છે. 21 નવેમ્બરે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1515 કેસ નોંધાયા હતા. એમાં પણ અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. શહેરમાં 350થી વધુ કેસ આવવા લાગ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની દિવાળી પહેલાંની ગાઈડલાઈન્સનું પાલન ન કરાવવાની ભૂલ આજે લોકો ભોગવી રહ્યા છે, જેમાં હજી પણ જે લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે તેમને ચેતવતો એક હૃદયસ્પર્શી કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. આજે કોરોનાએ વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે તેમજ કોરોનાને નકારી કાઢતા અને હળવાશથી લેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સામાન છે, સમજી જજો, નહીંતર...

શહેર ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કોરોનાને કારણે પાંચ જ દિવસમાં માતા-પિતા અને ભાઈને ગુમાવ્યાં છે. દિવાળી પહેલાં તેમને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતાં. વેન્ટિલેટર પર હોવા છતાં ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા.

આ પણ વાંચો-બોપલમાં એક જ સોસાયટીમાં 80 કેસથી હાહાકાર, સફલ પરિસરના બંને બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ

આ પણ વાંચો-સરકાર કહે છે-અમદાવાદમાં 1500 બેડ ખાલી, તો દર્દીઓને 60 કિલોમીટર દૂર કરમસદ કેમ મોકલાય છે?

આદિત્ય હોસ્પિટલે વેન્ટિલેટર ન હોવાનું કહેતાં માતાને સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વૃંદાવન ડુપ્લેક્સમા રહેતા અને ટ્રાફિક બી-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ-કોન્સ્ટેબલ ધવલ અનિલભાઈ રાવલના પિતા અનિલભાઈ રાવલ 29 ઓક્ટોમ્બરના રોજ પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં માતા નયનાબહેન રાવલ અને ભાઈ ચિરાગ રાવલ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાં માતા-પિતાને સારવાર માટે ઠક્કરનગરની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યારે ભાઈને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવાળીના તહેવારમાં કોરોના વધ્યો હતો અને દરેક હોસ્પિટલ ભરાઈ ગઈ હતી. કાળીચૌદશની રાતે માતાની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવાની સ્થિતિ ઊભી થતાં ડોક્ટરોએ વેન્ટિલેટર ન હોવાનું કહી નયનાબહેનને સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું, આથી નયનાબહેનને અને પિતા અનિલભાઈને પણ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યાં હતાં.

17 નવેમ્બરે માતાનું અને બીજા દિવસે ભાઈનું અને પાંચ દિવસ પછી પિતાનું મોત
કોરોનાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 17 નવેમ્બરે નયનાબહેનનું અવસાન થયું હતું. માતાના મૃત્યુના આઘાતમાંથી ધવલભાઈ અને પરિવારના સભ્યો બહાર આવે એ પહેલાં બીજા જ દિવસે ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈ ચિરાગ રાવલનું પણ મૃત્યુ થયું હતું. કોરોનામાં માતા-ભાઈનો જીવ ગયા બાદ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેમ રવિવારે તેમના પિતા અનિલભાઈ રાવલનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, કાળમુખો કોરોના એક બાદ એક જ પરિવારના ત્રણ સભ્યને ભરખી ગયો છે, જેને કારણે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

કોરોનાથી ડરો અને સાવચેત રહોઃ સ્વજન ગુમાવનારા ટ્રાફિક-પોલીસકર્મી
આ અંગે DivyaBhaskarએ ટ્રાફિક-પોલીસકર્મી અને ત્રણ ત્રણ પરિવારજનોને ગુમાવનારા ધવલભાઈ રાવલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોનાને હળવાશથી ન લો, મેં મારા ત્રણ સ્વજન ગુમાવ્યા છે. ખાસ કરી જેઓ વૃદ્ધ છે તેમણે ઘર બહાર ન નીકળવું જોઈએ. કોરોનાથી ડરો અને સાવચેત રહો. માસ્ક પહેરીને નીકળો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. હું પણ જ્યારે બહારથી આવું છું ત્યારે કપડાં અલગ ડોલમાં નાખી નાહી લઉં છું અને બાદમાં જ ઘરમાં ફરું છું. લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.