• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad Student Says If My Father Had Got The Vaccine The Situation Would Have Been Different Today, He Would Have Come To School To Vaccinate Me

વેક્સિન લેતાં જ પિતા યાદ આવ્યાં:અમદાવાદમાં રડમસ થઈ વિદ્યાર્થી બોલ્યો, કોરોનામાં પિતા ગુમાવ્યા, જો તેમને વેક્સિન મળી હોત તો આજે મારી સાથે આવ્યા હોત

અમદાવાદ5 મહિનો પહેલા
વિનિત સોની અમદાવાદ
  • વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વેક્સિન સેન્ટરમાં ડેકોરેશન કરાયું
  • કેટલીક શાળાઓમાં વાલીઓ બાળકોને લઈને રસી અપાવવા માટે આવ્યાં

રાજ્યમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓના રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આરોગ્ય વિભાગની ટીમ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને વેક્સિન આપી રહી છે. વેક્સિન લેવા માટે આવતાં વિદ્યાર્થીઓને વેક્સિનેશન રૂમમાં હળવું વાતાવરણ સર્જાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓ પણ વેક્સિન લેવા માટે આવી રહ્યાં છે. ત્યારે એક વિદ્યાર્થીએ તેના પિતાને યાદ કરતાં કહ્યું હતું કે, કદાચ મારા પિતાને રસીનો લાભ મળ્યો હોત તો આજે સ્થિતિ કંઈક જુદી હોત.

વિદ્યાર્થીને પિતાએ વેક્સિન ના લીધાનો અફસોસ
અમદાવાદના મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં 12મા ધોરણમાં ભણતો વિનિત સોની નામનો વિદ્યાર્થી વેક્સિન લેવા આવ્યો હતો. તેણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારા પિતાનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેમને કોરોનાની રસીનો લાભ મળ્યો હોત તો આજે સ્થિતિ કંઈક જુદી હોત. તેઓ આજે સ્કૂલમાં મારી સાથે મને રસી મુકાવવા માટે આવ્યાં હોત. વિનિત સોનીએ તમામ વિદ્યાર્થીઓ અને વેક્સિન લેવા પાત્ર તમામ લોકોને વ્યક્તિ ઝડપથી લેવા માટે અપીલ કરી.

કોરોનામાં પિતા ગુમાવનારી પૂજા સોલંકી.
કોરોનામાં પિતા ગુમાવનારી પૂજા સોલંકી.

વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્કૂલોમાં પ્રોત્સાહિત બેનરો લગાવ્યાં
અમદાવાદના મેમનગર વિસ્તારની એક શાળામાં વેક્સિનેશન રૂમ, વેઈટિંગ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, એમ ત્રણ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિનેશન રૂમમાં પ્રવેશ બહાર બલુનનું ડેકોરેશન કરવામાં આવ્યું. સાથે જ વેક્સિનેશન કાર્યક્રમ ને પ્રોત્સાહન આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સાથે કેટલીક શાળામાં વાલીઓ પણ પોતાના બાળકો સાથે પહોંચી રહ્યા છે. વાલીઓનું પણ કહેવું છે કે અત્યાર સુધી તેમના પરિવારમાં મહત્તમ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે, જે તેમના માટે રાહતની વાત છે.

પિતાએ વેક્સિન ન લીધી એનો આજે પણ અફસોસઃ પૂજા
પૂજા સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે મેં મહિનામાં મારા પિતાએ વેક્સિન લીધી ન હતી, જેનો મને આજે પણ અફસોસ છે અને વેક્સિન વગર તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. 15 દિવસ સુધી તેમણે હોસ્પિટલમાં કોરોના સામે લડત આપી હતી, પરંતુ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નહોતો. કદાચ વેક્સિનનો એક ડોઝ પણ લેવાઈ ગયો હોત તો આજે તેઓ મારી સાથે હોત.પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે આજે મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. વેક્સિન કોરોના સામે રક્ષણ આપે છે અને મોતથી બચાવે છે, એવું અનેક કિસ્સામાં સામે આવ્યું છે અને એ એક વાસ્તવિકતા પણ છે. તેથી મારી અપીલ છે કે દરેક લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ.

કોરોનાને કારણે માતા ગુમાવનારો ઉત્સવ પરમાર.
કોરોનાને કારણે માતા ગુમાવનારો ઉત્સવ પરમાર.

વેક્સિન ના લીધી હોવાથી માતા ગુમાવ્યાં: ઉત્સવ
જ્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઉત્સવ પરમારે પણ વેક્સિન ના લીધી હોવાથી માતા ગુમાવ્યા છે. ઉત્સવે જણાવ્યું કે દરેક લોકોએ વેક્સિન અચૂક લેવી જોઈએ. વેક્સિન એ આપણને કોરોના સામે રક્ષણ આપે છે અને એ આપણા સૌ માટે સુરક્ષાકવચ છે.મારા માતાએ કોરોનાની વેક્સિન લીધી ન હતી અને કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન તેઓ સંક્રમિત થયાં હતાં.10 દિવસની સારવાર બાદ 17 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું, માટે તમામને હું અપીલ કરું છું કે જે પણ લોકોને વેક્સિન લેવાની બાકી હોય તેઓ અચૂક લઇ લે તથા પોતે તેમજ પોતાના પરિવાર, દેશને સુરક્ષિત બનાવે.

કોરોનામાં મૃત્યુ પામેલા પિતા રાહુલ યેવલા સાથે શ્રાવણી(જમણી બાજુથી પ્રથમ)
કોરોનામાં મૃત્યુ પામેલા પિતા રાહુલ યેવલા સાથે શ્રાવણી(જમણી બાજુથી પ્રથમ)

મેં કોરોનામાં પિતા ગુમાવ્યા, પણ એ સમયે વેક્સિન નહોતી
જ્યારે વડોદરાના માંજલપુર વિસ્તાર રહેતી અને સમા-સાવલી રોડ પર આવેલી ઊર્મિ સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની શ્રાવણી યેવલાએ આજે કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્કૂલમાં જઇને વેક્સિન લીધી હતી. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અપીલ કરી હતી કે મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે, એ સમયે વેક્સિન ન હતી. મેં આજે વેક્સિન લીધી, તમે પણ વેક્સિન લઈ લો. વિદ્યાર્થિની શ્રાવણીએ કહ્યું હતું કે કોરોનાને કારણે મારા પિતા (રાહુલ યેવલા)નું મૃત્યુ થયું હતું. મારા પિતાને જ્યારે કોરોના થયો ત્યારે વેક્સિન પણ નહોતી. તેથી તમારે વેક્સિન જરૂર લેવી જોઇએ. વેક્સિન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે. મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે. હાલ વેક્સિન ઉપલબ્ધ છે તો તમે વેક્સિન જરૂર લો.

અન્ય સમાચારો પણ છે...