પિતા સાથે સ્કૂલે રીઝલ્ટ લેવા ગયેલી ધોરણ-10 ની વિદ્યાર્થિની ફેલ થતાં મનમાં લાગી આવતાં મમ્મીને ફોન કરીને કહ્યું કે હું પરીક્ષામાં ફેલ થઇ છું એટલે ઘરે આવવાની નથી. તેવું કહીને સ્કૂલેથી ક્યાંક જતી રહી હતી. પરિવારના સભ્યો અને પોલીસે ફોટાના આધારે શોધખોળ શરૂ કરતાં નજીકના ગાર્ડનમાંથી શોધી માતા-પિતાને સોંપવામાં આવી હતી.
થલતેજમાં રહેતી 16 વર્ષની સપના(નામ બદલેલ છે) મેમનગર વિસ્તારની એક સ્કૂલમાં ધો.10 માં અભ્યાસ કરતી હતી. સોમવારે ધોરણ 10નું રીઝલ્ટ હોવાથી સપના પિતા સાથે રિઝલ્ટ લેવા માટે સવારે સ્કૂલે ગઈ હતી. જો કે સપના પરીક્ષામાં ફેલ થઇ હોવાની જાણ થતા તે પિતાને કહ્યાં વગર સ્કૂલની બહાર જતી રહી હતી.
થોડા સમય પછી સપનાએ માતાને ફોન કરીને કહ્યું હતું કે હું પરીક્ષામાં ફેલ થઇ છું એટલે હવે ઘરે આવવાની નથી. તેવું કહીને ફોન કટ કરી દીધો હતો. આ અંગે પરિવારે ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. ઈન્ચાર્જ પીઆઈ એસ.જી.ખાંભલાએ શી ટીમ તેમજ પોલીસની જુદી જુદી ટીમો સાથે ઘાટલોડિયા અને વસ્ત્રાપુર વિસ્તારમાં ફોટાના આધારે સપનાની શોધખોળ શરૂ કરી હતી.
બપોરે 3 વાગ્યે સપના નજીકના એક ગાર્ડનમાંથી મળી આવી હતી. પોલીસ તેને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ આવી માતા-પિતા સાથે તેની વાત કરાવી હતી. તેના માતા-પિતા પોલીસ સ્ટેશન આવીને સપનાને સમજાવીને ઘરે પરત લઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.