સોસાયટીમાં જ ક્લબ જેવી નવરાત્રી:અમદાવાદની સોસાયટીઓ ગરબે રમવા તૈયાર, બાળકો અને મહિલાઓ માટે અલગ ગરબા, થીમ આધારિત રોજ નવો ડ્રેસ કોડ અને પ્રાઈઝ વિતરણ

અમદાવાદ21 દિવસ પહેલા
  • બોપલની ગાલા ગ્લોરી સોસાયટીમાં ધામધૂમથી નવરાત્રીની ઉજવણીનું આયોજન
  • સોસાયટીમાં એન્ટ્રી પોઈન્ટ પર માસ્ક, સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કરાઈ

કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું જે હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ પણ આ વર્ષે શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવાશે. એક વર્ષના અંતર બાદ આ વર્ષે ઉત્સાહપૂર્વક લોકો નવરાત્રિ ઉજવવા તૈયાર છે. વિવિધ જગ્યાએ અત્યારે જોરશોરમાં તૈયારી ચાલી રહી છે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રિ યોજાવાની નથી, જેને લઈને લોકોએ હવે પોતાના ઘર આંગણે જ તૈયારી શરુ કરી છે.

કોરોનાના નિયમોના પાલન સાથે નવરાત્રી
શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ ગાલા ગ્લોરી સોસયાટીમાં આ વર્ષે નવરાત્રીની ઉજવાણી થશે. ઉજવણીને લઈને સોસાયટીના રહીશોએ અને આગેવાનોએ ધામધૂમથી તૈયારી શરુ કરી છે. ગાલા ગ્લોરી સોસાયટીમાં 156 ફ્લેટ આવેલા છે, જેમાં 400 કરતા વધુ રહીશો રહે છે. નવરાત્રીને લઈને સોસાયટી તંત્ર દ્વારા વિવિધ તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ, ડેકોરેશન, માંડવી સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. ઉપરાંત નિયમોનું પાલન થાય તે માટે પણ સોસાયટીમાં બેઠક કરીને સુચના પણ આપવામાં આવી છે.

બે વર્ષ બાદ આ વર્ષે ફરી ધામધૂમથી ઉજવાશે નવરાત્રી
બે વર્ષ બાદ આ વર્ષે ફરી ધામધૂમથી ઉજવાશે નવરાત્રી

માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા
ગત વર્ષે કોરોના હતો જેથી નવરાત્રી નહોતી યોજાઈ શકી, જેથી આ વર્ષે અલગ જ રીતે નવરાત્રી ઉજવવા તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષે ખાસ બાળકો માટે એક્ટિવિટી કરવામાં આવશે. ઉપરાંત મહિલાઓ માટે રોજ અલગ અલગ થીમ પર ગરબા અને અન્ય કાર્યક્રમ યોજવામાં આવશે. ગરબાની વચ્ચે બ્રેક માટે નાસ્તા માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. અલગ અલગ દિવસના અલગ અલગ કાર્યક્રમ યોજવા સોસાયટી તૈયાર છે. સોસાયટીના એન્ટ્રી પોઈન્ટ પર સેનિટાઇઝર અને માસ્કની ખાસ વ્યવસ્થા રાખવામાં આવશે.

સોસાયટીમાં જ મહિલાઓ માટે ગરબા સ્પર્ધા
સોસાયટીના રહીશ નેન્સી ધોકાઇએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં આ બીજી વખત નવરાત્રી યોજાશે. ગત વર્ષે કોરોનાને કારણે નવરાત્રી યોજાઈ નહોતી. કોરોનાને કારણે બાળકો ઘરમાં જ રહેતા હતા અને બહાર નીકળતા નહોતા, જે હવે કેસ ઘટતા ધીમે બહાર આવી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં બાળકો માટે ખાસ એક્ટિવિટી રાખવામાં આવશે. બાળકોને કેટલાય દિવસથી ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. મહિલાઓ માટે પણ ગ્રુપ ડાન્સ રાખવામાં આવ્યા છે જે માટે મહિલાઓ પણ પ્રેક્ટીસ કરી રહી છે. મહિલાઓની સ્પર્ધા પણ યોજાશે. નવરાત્રીને લઈને હું અને મારું ગ્રુપ ખુબ જ ઉત્સાહી છીએ.

ગરબાની તૈયારી કરતા બાળકોની તસવીર
ગરબાની તૈયારી કરતા બાળકોની તસવીર

સરકારના નિયમ મુજબ 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન
સોસાયટીના સભ્ય આશિષ ગંભીરે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં વિવિધ પ્રાંતના અલગ અલગ સભ્યો રહે છે. પરંતુ અમે સાથે મળીને નવરાત્રી ઉજવવાના છીએ. રોજ અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે નવરાત્રી નહોતી જેથી એકબીજાના પરિચયમાં નહોતા આવ્યા. પરંતુ આ વર્ષે એક બીજા સાથે હળી માંડીને નવરાત્રી કરવા તૈયાર છીએ. નવરાત્રિના તમામ દિવસ માટે એક અલગ થીમ રાખી છે. એક દિવસના થીમ પર અલગ ડ્રેસ કોડ છે. આ વર્ષે ઘર દીઠ 500 રૂપિયા ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો છે અને બાકીનો ખર્ચો સોસાયટી તરફથી કરવામાં આવશે, રોજે રોજ નાસ્તો પણ રાખવામાં આવ્યો છે. નાના બાળકોથી લઈને વુદ્ધો અમારી સાથે જોડાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોરોના હોવાથી બહારના વ્યક્તિઓને સોસાયટીમાં પ્રવેશ નહીં આપીએ અને સરકારના નિયમ મુજબ સુધી 12 વાગ્યા સુધી જ ગરબાનું આયોજન કરવામાં આવશે.