રજની પટેલ અપહરણ કેસ:અમદાવાદમાં બિલ્ડરનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માગવાના કેસનો ચુકાદો, સેશન્સ કોર્ટે 4 અપહરણકારોને ફટકારી આજીવન કેદની સજા, એક નિર્દોષ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
2018માં આરોપીઓ ઝડપાયા ત્યારની તસવીર - Divya Bhaskar
2018માં આરોપીઓ ઝડપાયા ત્યારની તસવીર

વર્ષ 2018માં શહેરના નરોડા વિસ્તારમાંથી બિલ્ડરનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માંગવાના ગુનામાં 4 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે અપહરણ અને ખંડણીના ગુનામાં દાખલો બેસાડયો છે. નરોડા વિસ્તારમાંથી રજની પટેલ નામના બિલ્ડરનું અનિકેત પાલ, ભુપત રબારી, કૃષ્ણ તોમર અને આનંદ તોમરે સહિત પાંચ લોકોએ અપહરણ કર્યું હતું.બિલ્ડરનું અપહરણ કરી માઉન્ટઆબુ લઈ ગયા હતા.જ્યાં આરોપીઓએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. કેસ કોર્ટમાં ચાલી જતા આજે ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા આરોપીઓને કડક સજા આપવી જરૂરી છે.

એપ્રિલ 2018 અમદાવાદના અગ્રણી ગેલેક્સી ગ્રૂપના બિલ્ડર રજની કચરાભાઇ પટેલ(60)નું અપહરણ કરી રૂ. 5 કરોડની ખંડણી માંગવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. રજની પટેલ તેમની વર્ના ગાડીમાં બપોરે જમવા ઘરે જઇ રહ્યા હતા. ત્યારે નરોડા હંસપુરા શ્યામ કુટીર-56ની સામેથી બે બાઇક પર આવેલા માણસો રજની પટેલની ગાડીમાં જ તેમનું અપહરણ કરી માઉન્ટ આબુ લઇ ગયા હતા. ત્યાર બાદ તેમના ભાઇ દિનેશભાઇને ફોન કરી રજનીભાઈનું અપહરણ કરી તેમને છોડવા માટે 5 કરોડની ખંડણી માંગી હતી.

6 કલાકમાં જ અમીરગઢથી છૂટકારો
જો કે રાજસ્થાન પોલીસ, બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 કલાકમાં 4 અપહરણકારોને અમીરગઢથી ઝડપી લઇ રજની પટેલને છોડાવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીને બાદમાં ઝડપી લેવામાં આવ્યો હતો. પૈસા ક્યાં પહોંચાડવા એ બાબતે અપહરણકારો અને દિનેશભાઇ સાથે થયેલી વાતચીતના આધારે પોલીસે મોબાઇલ લોકેશનથી અપહરણકારોને ઝડપી લીધા હતા. જો કે પાંચેય અપહરણકારો પ્રોફેશનલ ગેંગ સાથે સંકળાયેલા ન હતા. જેથી તેમણે રજની પટેલ સાથે મારઝૂડ કે કોઇ જબરજસ્તી કરી નહોતી. અપહરણ કરાયેલા પરિવારના મોભી રજની પટેલ ગણતરીના કલાકોમાં જ હેમખેમ ઘરે પાછા આવી જતા પરિવારના સભ્યોના જીવમાં જીવ આવ્યો હતો.

દોષિત વિદ્યાર્થીઓને રાતોરાત પૈસાદાર બનવું હતું
આ કેસમાં દોષિત સાબિત થયેલો અનિકેત પાલ અપહરણ સમયે કોલેજમાં અભ્યાસ કરતો હતો, પરંતુ તેને રાતોરાત પૈસાદાર બનવું હોવાથી અન્ય વિદ્યાર્થી તેમજ સિક્યુરિટી ગાર્ડ તેવા આનંદકુમાર તોમરને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...