મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના દોષિતોને સજા સંભળાવાશે, 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, રાજ્યમાં કોરોનાના 870 નવા કેસ, 13નાં મોત

અમદાવાદ6 મહિનો પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 18 ફેબ્રુઆરી, મહા વદ-બીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 દોષિતોને સજા સંભળાવાશે 2) આજથી 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે 3) આજે T-20માં ભારત પાસે સિરિઝમાં અજેય લીડ મેળવવાની તક

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રાજ્યના 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, હવે લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

2) 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી, કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગ્રીષ્મા હત્યા કેસમાં ગળે ચપ્પુ રાખીને ઘાતકી મર્ડર કરનારા ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું

સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે આજે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો. ત્યાર બાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય એ રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં ઈડરના MLA હિતુ કનોડિયાએ કહ્યું- તેના દિલની ભડાશ તમે જાણો છો, ભાજપ આવકારે છે, કોંગ્રેસથી બધા લોકો કંટાળ્યા

ઈડરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા હિતુ કનોડિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર ભાજપમાં આવે તો અમે તેને આવકારીશું. તેના દિલની ભડાશ તમે બધા જાણો જ છો, કોંગ્રેસથી બધા લોકો કંટાળી ગયા છે.

વાંચો સમાચાર વિગતવાર

5) માથે કાળ લઈને ફરતા ફેનિલે ગ્રીષ્માની હત્યા ઘર સામે નહીં, પરંતુ કોલેજમાં કરવાનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો

સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે, ત્યારે હાલ હત્યાનો આરોપી ફેનિલ પોલીસની પકડમાં છે. પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે. હત્યાનો આરોપી ફેનિલ માથે કાળ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે પ્લાનિંગપૂર્વક હત્યા કરવાનું નક્કી કરાયું હોય તેમ ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યું, મારે તેને મળવું છે, બહાર લઈને આવ. જોકે ગ્રીષ્માની સહેલીએ કહ્યું હતું કે તે ક્લાસમાં છે એટલે મળી શકશે નહી. બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી, જેથી કોલેજમાં તે બચી ગઈ હતી. જોકે માથે કાળ લઈને ફરતો ફેનિલ સાંજના સમયે તેના ઘરે પહોંચી ગયો અને ત્યાં જ જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.

વાંચો સમાચાર વિગતવાર

6) ચન્નીના UP અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ મોદીએ કહ્યું- એવું કોઈ ગામ નથી, જ્યાં UP-બિહારના ભાઈ ન હોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજિત ચન્નીના નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં ચન્નીએ યુપી-બિહારના લોકોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશાં એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવે છે. કોંગ્રેસના CMએ નિવેદન આપ્યું અને દિલ્હીના પરિવારના માલિક તાલી પાડીને હસી રહ્યા હતા (પ્રિયંકા ગાંધીને કટાક્ષ). આ સમગ્ર દેશે જોયું છે. પોતાના આવાં નિવેદનોથી કોનું અપમાન કરવામાં આવી રહ્યું છે?

વાંચો સમાચાર વિગતવાર

7) મુંબઈ સ્થિત ઘર પર ITની રેડ, હિમાલયના યોગી સાથે કારોબારની ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નાં પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના મુંબઈ સ્થિત ઘરે ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. તેમની પર આધ્યાત્મિક ગુરુની સાથે ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ છે. સેબીએ 11 ફેબ્રુઆરીએ રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે એક્સચેન્જની ગોપનીય માહિતી કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા બદલ ચિત્રા પર 3 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. રામકૃષ્ણએ 2016માં CEOનું પદ છોડ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

8) હાઈકોર્ટમાં વિદ્યાર્થીનીઓની અપીલ- શુક્રવાર અને રમઝાનમાં હિજાબ પહેરવાની છૂટ આપો, 8માંથી એક અરજી રદ

હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી 5માં દિવસે પણ અનિર્ણયિત રહી. બેન્ચે શુક્રવારે ફરી સુનાવણીનો આદેશ કર્યો છે. જ્યાં એટૉર્ની જનરલ (AG) પ્રભુલિંગ નવદગી દલીલો કરશે. 5 વિદ્યાર્થીઓના વકીલ એએમ ડારે કોર્ટ પાસે માગ કરી કે સરકારના આદેશથી તે લોકો પર અસર થશે જે હિજાબ પહેરે છે. આ ગેરબંધારણિય છે. ત્યાર બાદ કોર્ટે વર્તમાન અરજી પરત લઈને નવી અરજી લાવવાનું કહ્યું. શુક્રવારે કોર્ટ વધેલી 7 અરજીઓના આધાર પર જ સુનાવણી કરશે.

વાંચો સમાચાર વિગતવાર

9) 13 મહિલા-બાળકીની સમાધિના સાક્ષીએ કહ્યું-પીઠીની વિધિમાં 35 મહિલા કૂવાના સ્લેબ પર નાચતી હતી, ધડાકા સાથે જાળી તૂટી અને 13 લોકો કૂવામાં સમાઈ ગયાં

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પીઠીની વિધિમાં કૂવાની પૂજા દરમિયાન અત્યારસુધીમાં 13 લોકોનાં મોત થયાં છે, તેમાં 9 બાળકી અને 4 મહિલાનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બની એની ગણતરીની સેકન્ડો પહેલાં અહીં ખુશીનો માહોલ હતો. મહિલાઓ નાચતી-ગાતી હતી. નાચતાં નાચતાં અમુક મહિલાઓ કૂવાના સ્લેબ પર ચઢી ગઈ હતી. તેમને જોઈને અમુક બાળકીઓ પણ એના પર ચઢી ગઈ હતી. નબળો સ્લેબ આટલું વજન સહન ના કરી શક્યો અને એ તૂટી ગયો.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રાજ્યમાં કોરોનાના 870 નવા કેસ, 2221 રિકવર સાથે કુલ ડિસ્ચાર્જનો આંક 12 લાખને પાર, 13નાં મોત 2) જૂનાગઢનાં ભવનાથમાં બે વર્ષ બાદ જોવા મળશે ભજન-ભક્તિ અને ભોજનનો સંગમ, 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેળો યોજાશે 3) બે વર્ષ બાદ વિદ્યાર્થીઓના કિલકિલાટથી પ્રી-પ્રાઇમરી સ્કૂલો ગુંજી, કેટલાંક બાળકો રડતાં હતાં તો કેટલાંક ઉત્સાહમાં હતાં 4) ગુજરાતમાં આત્મા યોજના અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓના માસિક પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર 5) વડોદરામાં નિર્માણાધિન શહેરના સૌથી લાંબા 3.5 કિમીના બ્રિજ માટે રાજ્ય સરકાર રૂ. 100 કરોડ આપશે 6) પૂર્વ PM મનમોહન સિંહની ચૂંટણીમાં એન્ટ્રી:ચૂંટણી દરમિયાન પહેલો VIDEO જાહેર કર્યો, કહ્યું- હું ઓછું બોલ્યો અને કામ વધારે કર્યું; મોદી સરકારનો રાષ્ટ્રવાદ નકલી 7) U-19 કેપ્ટનની શાનદાર શરૂઆત, ડેબ્યુ મેચમાં સદી ફટકારી; નર્વસ 90નો શિકાર થતાં બચ્યો 8) યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સારા સમાચાર:સરકારે કોરોનાના કારણે ફ્લાઈટ ઓપરેટ કરવાના પ્રતિબંધો હટાવ્યા, એર ઈન્ડિયા સ્પેશિયલ ફ્લાઈટ મોકલશે 9) બ્રાઝિલમાં ભૂસ્ખલન:3 કલાકમાં 30 દિવસ જેટલા વરસાદથી ઠેર-ઠેર જમીન ધસી પડી, 94નાં મોત, 54 ઘર ધરાશાયી; 35 લોકો ગુમ

આજનો ઈતિહાસ
18 ફેબ્રુઆરી, 1930નાં રોજ અમેરિકાના વૈજ્ઞાનિક ક્લાઈડ ટોમબાએ એક નાનકાડ ગ્રહની શોધ કરી, જેને 11માં ધોરણમાં ભણતી એક કિશોરીએ પ્લૂટો નામ આપ્યું હતું. જો કે પ્લૂટોને હવે ગ્રહ નથી માનવામાં આવતો. પ્લૂટો સૂર્યનું એક ચક્કર પુરું કરવામાં 248 વર્ષ લગાડે છે.

અને આજનો સુવિચાર
પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...