તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂ પહેલાની ખરીદી:ભારે ધસારાથી અમદાવાદમાં રોજ કરતાં 2 લાખ લિટર વધુ દૂધ વેચાયું, શાકભાજીના ભાવ દોઢા વસૂલાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળુપુર શાકમાર્કેટમાં સવારથી જ લોકોએ ધસારો કર્યો હતો. રોજની સરખામણીએ લોકોએ બમણા શાકભાજીની ખરીદી કરી હતી. જો કે, લોકો ગભરાટભરી ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા.
  • સવારથી જ બજારોમાં કીડિયારું ઊભરાયું અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
  • લોકોએ એટલું દૂધ ખરીદ્યું કે અમૂલ પાર્લર પર સવારે 11 સુધીમાં સ્ટોક ખૂટી પડ્યો
  • રોજના 15-16 લાખ લિટરની જગ્યાએ 17-18 લાખ લિટર દૂધનું વેચાણ થયું
  • છૂટક વેપારીઓએ તકનો લાભ લઈ કિલો ડુંગળી-બટાકાના રૂ.80થી 100 વસૂલ્યા
  • દિવાળી પછી 1 મહિના સુધી સુસ્ત રહેતાં અનાજ-કરિયાણા બજારમાં ભારે ભીડ

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યે કર્ફ્યૂ અમલમાં આવ્યો તે પહેલાં આખો દિવસ લોકોએ જીવનજરૂરી વસ્તુનો સ્ટોક કરવા બજારો અને દુકાનોમાં ભારે ધસારો કર્યો હતો. કર્ફ્યૂ માત્ર બે દિવસનો હોવા છતાં લોકોએ 2 લાખ લિટર વધુ દૂધ ખરીદ્યું હતું. અમૂલના એમડી આર.એસ. સોઢીના જણાવ્યા મુજબ અમદાવાદમાં રોજના 15-16 લાખ લિટર દૂધનો સપ્લાય થતો હોય છે. પરંતુ શુક્રવારે 2 લાખ લિટર દૂધ વધારે વેચાયું હતું. સવારે 11 સુધીમાં અમૂલના મોટાભાગના પાર્લરો પર સ્ટોક ખલાસ થઈ ગયો હતો. જો કે, બપોર પછી ફરીથી સપ્લાય ચાલુ થયો હતો.

એ જ રીતે શાકભાજીની ખરીદી માટે પણ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હોલસેલ બજારોમાં ભાવ રાબેતા મુજબ રહ્યા હતા પરંતુ છૂટક વેપારીઓએ દોઢાથી બમણાં ભાવ વસૂલી લોકોને લૂંટ્યા હતા. ડુંગળી અને બટાકા જેવા શાકના ભાવ પણ 80થી 100 રૂપિયા બોલાયા હતા. લોકોને ડર હતો કે, બજાર સુધી શાકભાજીનો પુરવઠો નહીં પહોંચે એટલે ભારે તંગી ઊભી થશે. શહેરના મોટાભાગના વિસ્તારમાં કરિયાણાની દુકાનો પર પણ લોકોની ગભરાટભરી ખરીદી જોવા મળી હતી.

ટોળાં ઉમટતાં જમાલપુર માર્કેટ બંધ કરાવાયું
સવારથી જ કાળુપુર અનાજ બજાર, શાકબજાર તેમજ જમાલપુર શાકમાર્કેટમાં ભારે ભીડ એકત્ર થઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જમાલપુર શાકભાજી બજાર અને ફૂલ બજારમાં તો એ હદે લોકોની ભીડ જોવા મળી હતી કે, મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગે આખરે 11 વાગ્યાની આસપાસ બજાર બંધ કરાવવું પડ્યું હતું. સવારથી જ વિવિધ મોલ અને માર્ટ બહાર પણ ખરીદી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

કાળુપુરમાં રોજ કરતાં બમણા શાકનું વેચાણ
કાળુપુર શાકમાર્કેટમાં સવારથી જ મોટાપાયે ભીડ જોવા મળી હતી. શાકભાજીનો પુરવઠો ખોરવાઈ જવાની બીકે લોકોએ ગભરાટ ભરી ખરીદી કરી હતી. શાકભાજી ખરીદવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા અને માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી. શાકબજારના વેપારીઓના કહેવા મુજબ રોજની સરખામણીએ બેથી અઢી ગણા શાકભાજીનું વધારે વેચાણ થયું હતું. કાળુપુર ઉપરાંત મણિનગર સહિતના શાકભાજી બજારોમાં આવી જ ભીડ જોવા મળી હતી.

એક જ દિવસમાં 5થી 10 કરોડનું કરિયાણું વેચાયું
કાળુપુર ચોખા બજારના પ્રમુખ શ્યામભાઈ હરિભાઈના જણાવ્યા મુજબ કરિયાણા બજારમાં દિવાળી પછીનો એક મહિનો કોઈ ખાસ ધંધો હોતો નથી. પરંતુ બે દિવસના કર્ફ્યૂની જાહેરાત થતાં લોકોએ ગભરાટભરી ખરીદી કરી હતી. અમદાવાદમાં કરિયાણાના અંદાજે 10 હજાર વેપારી છે. તેમના જણાવ્યા મુજબ એક જ દિવસમાં લોકોએ તેલ અને મરી, મસાલા સહિતના 5થી 10 કરોડના કરિયાણાની ખરીદી કરી હતી. આમાં અનાજની ખરીદીનો સમાવેશ નથી.

જોધપુર-રાણીપના ડી-માર્ટ બહાર લાંબી લાઈનો લાગતાં સીલ
જોધપુરમાં આવેલા ડી-માર્ટમાં સવારથી જ શાકભાજી અને ફળ સહિતની વસ્તુઓ ખરીદવા લોકોની ભારે ભીડ થઈ હતી. વધારામાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતાં મ્યુનિ.ને જોધપુર ઉપરાંત રાણીપમાં આવેલા ડી-માર્ટને પણ સીલ મારવાની ફરજ પડી હતી.

જમાલપુર માર્કેટમાં લોકો ઉમટી પડતાં ટ્રાફિક પણ અટવાયો
શહેરભરના શાકભાજી બજારોમાં શુક્રવારે સૌથી વધુ ભીડ જામી હતી. કર્ફ્યૂ માત્ર 2 દિવસનો હોવા છતાં લોકોએ ખોટા ગભરાટમાં આવી જરૂર કરતાં વધારે શાકભાજીની ખરીદી કરી હતી. જમાલપુર બ્રિજ નીચે રોડ પર બેસતાં ફેરિયા પાસેથી ખરીદી માટે વધુ પડતી ભીડ એકત્ર થઈ જતાં ટ્રાફિક પણ અટવાયો હતો. ભારે ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં મ્યુનિ.એ આખરે શાકભાજી બજાર બંધ કરાવવું પડ્યું હતું.

કાળુપુરના બજારોમાં ટુવ્હીલર પર જવામાં પણ મુશ્કેલી પડતી હતી
કાળુપુરમાં આવેલા અનાજ, કરિયાણા, શાકભાજી, પાનબજાર અને ફ્રૂટ બજારમાં સવારથી જ લોકોના ટોળાં ઉમટવાના શરૂ થઈ ગયા હતા. વિવિધ બજારોને જોડતાં રોડ પર એ હદે ટ્રાફિક થઈ ગયો હતો કે, ટુ-વ્હીલર જેવું વાહન કાઢવામાં પણ મુશ્કેલી પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો