પીકઅપ- ડ્રોપ ફેસિલિટીની શરૂઆત:અમદાવાદની સ્કૂલે મેટ્રો સ્ટેશનથી ફ્રી ફેરી સર્વિસની શરૂ કરી, થલતેજથી સ્ટુડન્ટને પિકઅપ અને ડ્રોપ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનની મુસાફરી હવે વધુ સગવડભરી બનશે. શહેરની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રને પોતાના વિદ્યાર્થીઓ માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી સ્કૂલે પહોંચવા માટે ફ્રી ફેરી સર્વિસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સરળ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવાના હેતુ સાથે કરાયેલી આ પહેલથી મેટ્રો ટ્રેન દ્વારા દરરોજ સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હાલ વિદ્યાર્થીઓએ ટ્રાફિકભર્યા ચાર રસ્તા ઓળંગીને સ્કૂલ સુધી ચાલતા જવું પડે છે. આ પહેલ સાથે હવે વાલીઓની ચિંતા દૂર થશે. કારણ કે સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનથી સ્કૂલ સુધી લઈ જશે અને સમય પ્રમાણે પાછા ત્યાં મૂકી પણ જશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરવા પ્રોત્સાહન
સ્કૂલ દ્વારા લોન્ચ કરાયેલી સર્વિસ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, “મેટ્રો રૂટ શરૂ થયા પછી અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે જોયું કે થલતેજ મેટ્રો સ્ટેશને ઉતર્યા પછી વિદ્યાર્થીઓએ ટ્રાફિકવાળા ચાર રસ્તા ઓળંગવા પડે છે. ઉપરાંત, સ્ટેશનેથી ચાલીને સ્કૂલ સુધી આવવામાં સમય પણ બગડે છે. આથી અમે અમારા વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનથી સ્કૂલ સુધી સુરક્ષિત અને ઝંઝટ વિના પહોંચાડવા માટે આ સર્વિસ શરૂ કરી છે.

વાલીઓએ સંતાનોનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ઉદગમ સ્કૂલ દ્વારા તમામ વાલીઓને આ પહેલ અંગે જાણ કરી દેવાઈ છે. હવે જે વાલીઓ આ સર્વિસ મેળવવા ઈચ્છતા હોય તેઓ સ્કૂલ મેનેજમેન્ટનો સંપર્ક કરીને તેમના સંતાનો માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. સ્કૂલ આવા વિદ્યાર્થીઓનું એક લિસ્ટ બનાવશે અને થલતેજ મેટ્રો સ્ટેશનથી પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી માટે ટૂંક સમયમાં બસ તૈનાત કરવામાં આવશે.વિદ્યાર્થીઓને આવવા-જવા માટે આ વેલ્યુ-એડેડ સર્વિસ છે અને તેના માટે સ્કૂલ વાલીઓ પાસેથી કોઈ ચાર્જ નહીં લે. સવારની અને બપોરની એમ બંને શિફ્ટના વિદ્યાર્થીઓ આ સર્વિસનો લાભ લઈ શકશે.

વિદ્યાર્થીઓની ઘરેથી સ્કૂલની મુસાફરી ઝંઝટમુક્ત બનાવાશે
શહેરના ટ્રાફિકનું ભારણ ઓછું કરવાના આશયથી શરૂ થયેલી મેટ્રો ટ્રેન મોર્ડન પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની શ્રેષ્ઠ સર્વિસ છે. ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ સસ્તી અને સુગમ હોવાથી અનેક લોકોએ તેનો લાભ લેવાનું શરૂ કર્યું છે. આ પહેલ સાથે અમે અમારા વિદ્યાર્થીઓ માટે ઘરેથી સ્કૂલ સુધીની રોજની ટ્રેનની મુસાફરીને વધુ સરળ તથા ઝંઝટમુક્ત બનાવવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...