સ્કૂલની મનમાની:અમદાવાદની સ્કૂલની વાલીઓને ધમકી, '15 જૂન સુધીમાં ફી ભરો, 16 જૂનથી ફી લેવામાં નહીં આવે, એડમિશન કેન્સલ થઈ જશે'

અમદાવાદ4 મહિનો પહેલા
નવચેતન સ્કૂલની તસવીર
  • પાલડીની સ્કૂલે અચાનક તાલીમ વર્ગ બંધ કરાયા હોવાનો મેસેજ કરતા વાલીઓ દોડતા થઈ ગયા.
  • નવચેતન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કરતા સ્કૂલ તાલીમ વર્ગ શરૂ કરવા રાજી થઈ.
  • વાલીઓને 15 જૂન સુધીમાં ફી ન ભરવા પર એડમિશન કેન્સલ કરવાનો મેસેજ કર્યો.

રાજ્યની શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે પાલડીની નવચેતન સ્કૂલ દ્વારા અચાનક જ તાલીમ વર્ગ બંધ કરવાનો વાલીઓને મેસેજ કરવામાં આવ્યો હતો. બાદમાં વાલીઓ સ્કૂલે પહોંચીને હોબાળો કરતા વર્ગ ચાલુ રાખવામાં આવ્યા. પરંતુ 15 જૂન સુધી ફી ભરનારનાં જ એડમિશન ચાલુ રાખવામાં આવશે. તેવો મેસેજ કરવામાં આવ્યો એટલે કે ફી ના ભરનાર વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરવામાં આવશે.

તાલીમ વર્ગ બંધ કરાયાનો મેસેજ વાલીઓને કરાયો
પાલડીમાં દામુભાઈ શુક્લ શૈક્ષણિક સંકુલમાં આવેલ નવચેતન સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા બાળકોના વાલીઓને સ્કૂલમાં વોટસએપ ગ્રુપમાં સ્કૂલમાંથી તાલીમ વર્ગ બંધ કરવામાં આવ્યો છે તેથી કોઈ વાલીએ ચોપડીઓ ખરીદવી નહિ અને બીજી સ્કૂલમાં પ્રવેશ લઈ લેવો તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. અચાનક જ મેસેજ મળતા વાલીઓ રજૂઆત કરવા સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલ દ્વારા કોઈ જવાબ ન આપતાં વાલીઓએ હોબાળો કર્યો હતો જે બાદ સ્કૂલ દ્વારા વર્ગ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું.

સ્કૂલમાં પહોંચેલા વાલીઓની તસવીર
સ્કૂલમાં પહોંચેલા વાલીઓની તસવીર

15 જૂન સુધીમાં ફી ભરવા દબાણ
નવચેતન સ્કૂલ દ્વારા વર્ગ ચાલુ રાખવા તો જણાવ્યું સાથે જ વાલીઓને ફી ભરવા અંગે પણ જાણ કરવામાં આવી. સ્કૂલના જ વોટસએપ ગ્રુપમાં વાલીઓને મેસેજ મળ્યો કે, જે વાલીઓએ એડમિશન ચાલુ રાખવા છે તેમને 15 જૂન સુધી ફી ભરવી, 16મી જૂન બાદ કોઈની ફી લેવામાં આવશે નહીં તેમનું એડમીશન પણ કેન્સલ થઈ જશે. આમ સ્કૂલ દ્વારા પહેલા વર્ગ બંધ કરવાની ધમકી અને બાદમાં ફી ભરવાની વાલીઓને ધમકી આપવા આવી હતી. જેના પગલે કેટલાક વાલીઓએ તાત્કાલિક ફી ભરી હતી.

મેસેજ મળતા જ વાલીઓ સ્કૂલમાં દોડી ગયા
અલ્પેશ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કે હવે અમે તાલીમ બંધ કરી છે જેથી અમે સ્કૂલે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી બાદમાં સ્કૂલ ચાલુ રાખવા જણાવ્યું. પરંતુ ફી ભરવા પણ જણાવવામાં આવ્યું. સ્કૂલ શા માટે બંધ કરવી તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. સૂરજ ગુપ્તા નામના વાલીએ જણાવ્યું હતું કે, અચાનક જ સ્કૂલના ગ્રુપમાં મેસેજ આવ્યો કે ગુજરાતી મીડીયમની તાલીમ વર્ગ બંધ કરવામાં આવે છે. બધા વાલીઓએ સ્કૂલે એકઠા થયા બાદ હોબાળો કરતા સ્કૂલ પ્રશાસન માની ગયું હતું. 15 જૂન સુધી ફી ભરવી પડશે જે બાદ એડમિશન કેન્સલ કરવામાં આવશે જેથી કેટલાક વાલીઓએ આજે ફી ભારે છે બાકીના સોમવારે ફી ભરશે.

વાલીઓને 15 જૂન સુધીમાં બાકી ફી ભરવા મેસેજ કરાયો
વાલીઓને 15 જૂન સુધીમાં બાકી ફી ભરવા મેસેજ કરાયો

હાલમાં ધોરણ 3 સુધીના વર્ગ બંધ છે
હાલમાં સ્કૂલ શરૂ થતાં માત્ર ધોરણ 3 થી 12ના વર્ગ શરૂ થયા છે જ્યારે ધોરણ 3 સુધીના વર્ગ બંધ છે છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા ફી માટે દાદાગીરી કરવામાં આવી રહી છે અને ફી ના ભરનરના એડમિશન કેન્સલ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. સ્કૂલોની દાદાગીરી સામે શિક્ષણ વિભાગ પણ મૌન છે કોઈ પણ પ્રકારના પગલાં વિના વાલીઓની ફરિયાદની રાહ જોઈ રહી જ્યારે વાલીઓ પોતાના બાળકોના હિત માટે કોઈ ફરિયાદ કરતા નથી.