શહેરના વસ્ત્રાપુરની એક સ્કૂલ દ્વારા સ્કૂલ ફી લીધા બાદ વિદ્યાર્થીને ધોરણ 12 સાયન્સનું એલ.સી અને માર્કશીટ પરત આપવામાં આવ્યું નથી. જેની ફરિયાદ કરીને વાલી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી પાસે ફરિયાદ લઈને ગયા હતા. ત્યારે અધિકારીને વાલીને કહ્યું કે, તમે કેમ આવી સ્કૂલમાં એડમિશન લીધું. તમે એડમિશન લીધું એટલે એ તમારો વિષય છે, તમે લેખિતમાં અરજી કરીને આપી દો, અમે જે કાર્યવાહી કરવાની થશે કે જોઈ લઈશું.
સ્કૂલમાં માર્કશીટ-એલ.સી લેવા જતાં ફી માગી
વસ્ત્રાપુરમાં આવેલ એજ્યુનોવા સાયન્સ સ્કૂલમાં આશિષ વોરા નામનાં વાલીનો દીકરો રીષિ વોરા ભણતો હતો. સ્કૂલમાં સ્કૂલની સાથે ખાનગી ટ્યુશન ક્લાસ પણ ચાલતા હતા. સ્કૂલ માટે આશિષભાઈ પાસેથી 15,000 ફી લેવામાં આવી હતી અને સ્કૂલમાં જ ટ્યુશન ચાલતા હતા જેની 1,55,000 ફી નક્કી થઈ હતી. આશિષ ભાઈએ 1,22,000 ફી ભરી હતી અને ચાલુ વર્ષમાં શિક્ષક મેથ્સ અને ફિઝિક્સ ના શિક્ષક જતાં રહ્યાં હોવાને કારણે 32,800 રૂપિયા ફી ભરી નહોતી. પરિણામ આવ્યા બાદ સ્કૂલમાં માર્કશીટ અને એલ.સી લેવા આશિષ ભાઈ ગયા ત્યારે તેમના સંતાનની માર્કશીટ અને એલ.સી આપવામાં આવ્યું નહોતું અને ફી ભરવા જણાવવામાં આવ્યું હતું.
DEOએ કહ્યું, તમે પ્રવેશ લીધો એટલે હવે તમારો વિષય છે
આ અંગે આશિષભાઈ અમદાવાદ ગ્રામ્યના DEO આર.આર.વ્યાસને ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે DEOએ તેમને કહ્યું કે, તમે સ્કૂલમાં ગેરકાયદેસર ચાલી રહેલ ટ્યુશનમાં પ્રવેશ કેમ લીધો. તમે પ્રવેશ લીધો એટલે હવે તમારો વિષય છે. તમે સ્કૂલમાં જઈને ટ્યુશન ફીનો વિષય પૂરો કરો. તમારે અરજી એવી હોય તો તમે અરજી કરો. વાલીએ વધુમાં કહ્યું કે, સ્કૂલ ગેર કાયદેસર ટ્યુશન ચલાવે છે તો DEOએ મંજૂરી કેવી રીતે આપી. સ્કૂલ ચાલુ હતી ત્યારે જ અમે એડમિશન મેળવ્યું હતું. અત્યારે સ્કૂલ દ્વારા એલ.સી. અને માર્કશીટ આપવામાં આવી નથી રહી. જેની ફરિયાદ લઈને DEOને રજૂઆત કરી છે પણ DEO હવે કહે છે એ તમારો વિષય છે તમે જોઈ લો.
DEOએ મીડિયાને કહ્યું, આ વાલીની ભૂલ છે
આ અંગે DEO આર.આડ.વ્યાસે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાલીની ભૂલ છે. વાલીએ આવી ગેરકાયદેસર ચાલી રહેલ સ્કૂલમાં એડમિશન ન લેવું જોઈએ. DEO આર.આર.વ્યાસ અગાઉ પણ એક અરજીમાં કહી રહ્યા હતા કે, આવા અરજદારો તો આવે, હું આવી અરજીને બહુ મહત્વ આપતો નથી. હવે વાલી પણ રૂબરૂમાં ફરિયાદ કરવા ગયા ત્યારે સ્કૂલની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વાલીને ખોટી રીતે ઝાટકી રહ્યા છે. DEO નોકરી સરકારી કરીને ખાનગી સ્કૂલોની તરફેણ લઈ રહ્યા હોય તેવું લાગે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.