દારૂ ઝડપાયો:નવા વર્ષની ઉજવણી માટે હરિયાણાથી ભાવનગર જિલ્લામાં લઈ જવાતું વિદેશી દારૂ ભરેલું ટેન્કર અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરના ચારમાંથી ત્રણ કંપાર્ટમેન્ટમાં દારૂ ભરેલો હતો
  • હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશથી દાહોદ બોર્ડરથી ગુજરાતમાં દારૂ લાવ્યો

ગુજરાતમાં દિવાળી પહેલાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બની ગયા છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે ત્યારે હરિયાણાના હિસારથી ભાવનગરના વરતેજ ગામે લવાતો વિદેશી દારૂ ભરેલું ટેન્કર અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રાઇવરને પૂછતાં ડામર હોવાનું જણાવ્યું હતું પરંતુ ટેન્કરના ઢાંકણા ખોલી જોતા ટેન્કરમાં ત્રણ કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ હતો. આરોપી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશથી દાહોદમાં દારૂ ઘુસાડી વડોદરા થઈ ભાવનગર જતો હતો ત્યારે ગ્રામ્ય એલસીબી પોલીસે વટામણ ચોકડીથી આ ટેન્કર ઝડપી લીધું હતું. 5820 જેટલી દારૂની બોટલો કિંમત રૂ. 22.78 લાખની કબ્જે કરી હતી. ડ્રાઇવરની ધરપકડ કરી હરિયાણાથી દારૂ ભરી આપનાર તેમજ મંગાવનારની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીના PI એચ.બી ગોહિલ અને PSI જી.એમ પાવરાને માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરેલું ટેન્કર વડોદરા તરફથી આવીને ભાવનગર જવાનું છે જે બાતમી આધારે વટામણ ચોકડી પાસે હોટલ વીર વચ્છ રાજ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળું ટેન્કર આવતા પોલીસે ડ્રાઈવરને પકડી પૂછપરછ કરતા તેનું નામ વાસુદેવ બિશનોઈ (રહે.સાંચોર, ઝાલોર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં શુ ભર્યું છે એમ પૂછતાં ડામર હોવાનું જણાવ્યું પરંતુ પોલીસને ચોક્કસ બાતમી હોવાથી ટેન્કર પર ઢાંકણા પાના વડે ખોલી જોતા તેમાં ત્રણ કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ હતો.

પોલીસે આ ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કાઢી ગણતરી કરતા આખું ટેન્કર દારૂથી ભરેલું હતું. કુલ 5820 જેટલી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો હતી. જેની કિંમત કુલ રૂ. 22.78 લાખ હતી. આરોપી વાસુદેવની પુછપરછ કરતા પુનારામ બિશનોઈ (રહે. સાંચોર, રાજસ્થાન)એ હરિયાણામાં હિસાર ખાતે મોકલી ત્યાં ઓમપ્રીત ચરખી, સુરેશ તૈલી અને અર્જુન મીણાએ રોડ પર આવી ટેન્કર આપી ગયા હતા. ટેન્કર ગુજરાતમાં ભાવનગરના વરતેજ પાસે નાગદાન ગઢવી, શ્રીપાલસિંહ ઉર્ફે જીગો ગોહિલ અને કુમારપાલસિંહ ઉર્ફે કુમાર ગોહિલ નામના શખ્સ આવીને લઈ જશે. અલગ અલગ જગ્યાએ પોતે હોલ્ડ કરતો અને આગળ સૂચના મળે એમ પહોંચતો હતો.

અન્ય સમાચારો પણ છે...