મહિલા જજનો પ્રાણીપ્રેમ:અમદાવાદની ગ્રામ્ય કોર્ટના જજ દરરોજ અંધ સ્ટ્રીટ ડોગ માટે ઘરેથી દૂધ અને રોટલી લઈ જાય છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કોર્ટ પરિસરમાં અંધ સ્ટ્રીટ ડોગને કમરના ભાગેથી પીડાતું જોઈ તાત્કાલિક સારવાર કરાવી

શહેરમાં અનેક કૂતરાઓ રખડતાં જોવા મળે છે. ઘણાં કૂતરા રસ્તા પર ઇજાથી પીડાતા હોય છે છતાં કોઈ તેના પર ધ્યાન નથી આપતું. પરંતુ શહેરમાં કેટલાક એવા પણ પ્રાણીપ્રેમીઓ છે, જે આવા કૂતરાની સારવાર કરાવી જીવનદાન આપે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના મહિલા જજે કોર્ટ પરિસરમાં છેલ્લા કેટલાય સમયથી અંધ અને પીઠથી ઇજાગ્રસ્ત સ્ટ્રીટ ડોગને પીડાતું જોઈ સરકારી વકીલ અને પોલીસને કહી એનિમલ લાઈફ કેર દ્વારા તેની સારવાર કરાવી હતી. તેમજ દરરોજ તેઓ આ ડોગ માટે સ્પેશિયલ ઘરેથી દૂધ અને રોટલી લઈ જાય છે. મહિલા જજના આ પ્રાણીપ્રેમના કારણે એક ડોગને નવું જીવનદાન મળ્યું છે.

ગ્રામ્ય કોર્ટના મહિલા જજ મૂળ ચંદીગઢના
અમદાવાદના મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં મૂળ ચંદીગઢના મહિલા અમનદીપ સીબીયા જજ છે. થોડા દિવસ પહેલા અમનદીપ પાછળની લિફ્ટથી કોર્ટમાં ઉપર જતા હતા, ત્યારે તેઓએ વાહન પાર્કિગમાં એક અંધ સ્ટ્રીટ ડોગને કમરના ભાગે થોડું તકલીફ અનુભવતું હોય તેવું જોયું હતું. જેથી તેઓએ તાત્કાલિક આ સ્ટ્રીટ ડોગની સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.

અંધ અને ઈજાગ્રસ્ત કૂતરાની સારવાર કરાવવા માટે એનિમલ હેલ્પલાઈનની મદદ લીધી
અંધ અને ઈજાગ્રસ્ત કૂતરાની સારવાર કરાવવા માટે એનિમલ હેલ્પલાઈનની મદદ લીધી

2-3 એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો
મહિલા જજ અમનદીપ સીબીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જ્યારે પાર્કિગમાંથી પસાર થતી હતી ત્યારે આ અંધ ડોગને તકલીફમાં જોઈ પોલીસકર્મીને બોલાવી સારવાર કરાવવા માટે કહ્યું હતું. તેઓએ 2થી 3 એનિમલ હેલ્પલાઈનને જાણ કરી હતી પરંતુ તેઓ આવ્યા ન હતા. બાદમાં સરકારી વકીલને બોલાવી આ સ્ટ્રીટ ડોગની સારવાર માટે લોકલ એનિમલ હેલ્પલાઇનમાંથી કોઈને કહેવા કહ્યું હતું. જેથી એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરાઈ હતી. તેઓ તાત્કાલિક ત્યાં આવ્યા હતા. આ સ્ટ્રીટ ડોગના આંખના ઓપરેશન અંગે પૂછ્યું હતું પરંતુ તેનું ઓપરેશન થઈ શકે તેમ નથી. કમરના ભાગે જે ઇજા થઇ હતી તેના માટે ઇંજેક્શન આપી સારવાર કરી હતી.

ઈજાગ્રસ્ત કે બીમાર પ્રાણી દેખાય તો એનિમલ હેલ્પલાઈનને જાણ કરે છે
ડોગને સારવાર આપ્યા બાદ તેને ખાવાની જરૂર પડે છે ,માટે દરરોજ તેના માટે ઘરેથી તેઓ સ્પેશિયલ દૂધ અને રોટલી લઈ જાય છે અને ખવડાવે છે. પોતે પ્રાણી પ્રેમી છે અને પ્રાણીને તકલીફમાં જોઈ મદદ કરે છે. જો રસ્તા પર કોઈ પણ આવા પ્રાણીને ઇજા અથવા બીમાર હોય તો તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનની મદદથી સારવાર કરાવી જોઈએ. મહિલા જજ અમનદીપ સીબીયાએ આવા સ્ટ્રીટ ડોગની સારવાર કરાવી પ્રાણીઓ પણ એક જીવ છે તેનો જીવ બચાવવો એ પણ એક પૂણ્યનું કામ હોવાનું સિદ્ધ કર્યું છે.

એક દિવસ કોર્ટ પરિસરમાં અંધ અને ઈજાગ્રસ્ત કૂતરાને જોતા મહિલા જજે તેના માટે રોટલી અને દૂધ લાવવાનું શરૂ કર્યું
એક દિવસ કોર્ટ પરિસરમાં અંધ અને ઈજાગ્રસ્ત કૂતરાને જોતા મહિલા જજે તેના માટે રોટલી અને દૂધ લાવવાનું શરૂ કર્યું

અંધ ડોગને સાત દિવસ સારવાર અપાઈ
એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે, સિનિયર ડોક્ટરના માર્ગદર્શન હેઠળ આંખે અંધ ડોગને સાત દિવસ સુધી સારવાર આપી અને તે બાદ સ્થિતિમાં ખૂબ જ ઘણો સુધારો આવ્યો છે અને તેનું દર્દ ઓછું થયું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એનિમલ પ્રત્યેની દયા ભાવના અને કરૂણા રાખવી જોઈએ, ક્યાંય પણ આપને સ્ટ્રીટ ડોગ બીમાર જોવા મળે તો તેની મદદ કરવી જોઈએ એ જ મારી દરેક નાગરિકને વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...