શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે, 3 દિવસ પહેલા મેઘાણીનગર પાસે રીક્ષા ચાલકને પેસેન્જર બનીને બેઠેલા ઈસમોએ લૂંટના ઇરાદે છરીના ઘા માર્યા હતા. જે બાદ રીક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે રીક્ષા ચાલકનું મોત થયું છે. પોલીસે બનાવના 3 દિવસ બાદ પણ આરોપીને ના પકડતા પરિવારે રોષ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
પહેલા ઝપાઝપી પછી છરી મારી દીધી
શહેરના મેઘાણીનગરના રામેશ્વર પાસેથી બિપિન પરમાર નામનો રીક્ષા ચાલક આવી રહ્યો હતો, ત્યારે 20થી 22 વર્ષની વયના 2 યુવકો રીક્ષા રોકીને સિવિલ કોર્નર જવાનું કહીને બેઠા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરના બંગલા પાસે FSL ખાતે રિક્ષામાં પેસેન્જર બનીને બેઠેલા યુવકોએ છરી કાઢીને બિપિનને કહ્યું, 'તારી પાસે જે હોય તે આપી દે, બિપિને આપવાની ના પાડતા ઝપાઝપી કરી અને બિપિનને પગ તથા સાથડના ભાગે છરી મારી હતી. છરી મારીને બંને યુવકો નાસી ગયા હતા.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે
આ મામલે બિપિનના ભાઈ અનિલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 3 દિવસ દરમિયાન બિપિનની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે સારવાર દરમિયાન બિપિનનું મોત થયું છે. હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે પરંતુ પરિવાર ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યો છે. આ મામલે F ડિવિઝન એસીપી પી.પી.પીરોજીયાએ જણાવ્યું હતું કે, અત્યારે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. શાહીબાગ ડી-સ્ટાફના પોલીસકર્મીઓ આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.