ખાખીને સો સો સલામ...:અમદાવાદમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો-દર્દી માટે દેવદૂત બન્યા પોલીસ જવાનો, હાથમાં ઊંચકીને પાણી બહાર કાઢ્યાં

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

રવિવારના સાંજના 7 વાગ્યાની આસપાસથી વરસાદે શહેરને ધમરોળવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ રાતના 12 વાગ્યા સુધી સાંબેલાધાર વરસાદથી ભારે ખાનાખરાબી થઈ હતી. શહેરમાં સરેરાશ 14 ઇંચ, જ્યારે ઉસ્માનપુરામાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા. કુદરતે એવો તો કહેર વરસાવ્યો કે બાળકોથી લઈ વૃદ્ધોની હાલત કફોડી થઈ હતી.

ક્યાં જવું, કેવી રીતે જવું?
ક્યાં જવું, કેવી રીતે જવું, ઘરે શી સ્થિતિ હશે એ વિચારીને વરસતા વરસાદમાં લોકોની કંપારી છૂટી જાય એવી સ્થિતિ હતી. આજે પણ અનેક વિસ્તારોમાં લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી છે, ત્યારે હોસ્પિટલમાં પણ આ જ સ્થિતિ છે. શહેરમાં હાલાકી વચ્ચે માનવતા મહેકાવતી તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકોને પોલીસ જવાન બહાર લાવતાં દૃશ્યો સામે આવ્યાં છે, જે ખાખીને સલામ કરે છે.

દીકરી આ પોલીસ જવાન ડરાવે એ નહીં, બચાવે એ છે.
દીકરી આ પોલીસ જવાન ડરાવે એ નહીં, બચાવે એ છે.

હરહંમેશની જેમ પોલીસ જ મદદે આવી
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોએ કઈ રીતે હોસ્પિટલમાં જવું અને બહાર આવવું એ વિશે વિચારી રહ્યા હતા. આ સમયે હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની મદદે હરહંમેશની જેમ પોલીસ આવી છે. પોલીસ પોતાના સ્વજનની જેમ દર્દી અને બાળકોને હાથમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે. આ સમગ્ર દૃશ્ય ખાખીની નિઃસ્વાર્થ સેવા જ દર્શાવે છે. મોડી સાંજે જે શરૂ થયેલા વરસાદે રાત પડતાં તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે બીજા દિવસે પણ બપોરે 1:00 વાગ્યા સુધી અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે. લોકો રવિવારે રાતની સ્થિતિની કલ્પના કરીને આજે પણ ફફડી રહ્યા છે.

કોર્પોરેશન સાથે પોલીસે પણ મદદ કરીઃ CP
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એર ટ્યુબ, ક્રેન સહિતની અમે વ્યવસ્થા કરી છે. લોકોના વ્હિકલ બંધ થતા હાલાકીનો સામનો લોકોએ ન કરવો પડે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ કોર્પોરેશન સાથે પોલીસે પણ મદદ કરી છે. મોન્સૂન પ્લાન રાજ્ય સરકારનો છે તો સાથે જ પોલીસે પણ તમામ ટ્રાફિક પોલીસને રેઇનકોટ આપી ટ્રાફિક જેવી સમસ્યાઓને પહોંચી વળવાની તૈયારીઓ છે. સંભવિત સ્થળો પર પહોંચી શકવા પોલીસે મદદ કરી છે. પાણી ભરાઇ ગયા હોય ત્યાં પણ લોકોને પોલીસે મદદ કરી છે.

બાળકને ગોઠણ સુધીના પાણીમાં ઊંચકીને લઈ જઈ રહેલો પોલીસ જવાન.
બાળકને ગોઠણ સુધીના પાણીમાં ઊંચકીને લઈ જઈ રહેલો પોલીસ જવાન.

વરસાદની આગાહીના પગલે સુરક્ષિત સ્થળે લોકોને રહેવા અપીલ
સંજય શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, પાલીડીમાં મોન્સૂન કંટ્રોલરૂમમં પોલીસ પણ તૈનાત રહેશે. ઘણી બધી જગ્યાઓ પર નજર કરીએ તો વેજલપુરમાં વાલીઓ સાથે બાળકો ફસાઇ ગયા હતા પણ એમને પોલીસે મદદ કરી છે. સિમ્સ હોસ્પિટલમાં બ્લડની જરૂર હતી ત્યાં સેટેલાઈટ પોલીસે બ્લડની મદદ કરી છે. વધુ વરસાદની આગાહીના પગલે સુરક્ષિત સ્થળે લોકોને રહેવા અપીલ છે. દરેક જગ્યા પર વ્હિકલ લઈને ન નીકળવા પણ અપીલ છે. હાલ અમદાવાદ પોલીસ પાસે ટુ વ્હિલર માટે 9 ક્રેન, ફોર વ્હીલ માટે 5 ક્રેન, 100 એર ટ્યુબ અને 100 લાઈવ જેકેટ છે.

શહેરના અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.

શહેરના ગાર્ડનમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
શહેરના ગાર્ડનમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.

પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે એવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે.

સોસાયટીઓમાં મકાનમાં પાણી ભરાયાં.
સોસાયટીઓમાં મકાનમાં પાણી ભરાયાં.

લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો
શહેરમાં જળબંબાકારની સ્થિતિને પગલે અંદાજે પાંચ હજાર મકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં. એક હજારથી વધુ ગાડીઓ અને 3 હજારથી વધુ ટૂ-વ્હીલરોને નુકસાન થયું છે. નાની ચાલીમાં તેમજ ફ્લેટમાં નીચેના માળે રહેતા લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરવખરીમાં પલંગ, સોફા, અનાજ, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓનું ભારે નુકસાન થયું છે. કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થતાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા. ઝડપી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે શહેરમાં આ રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...