તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે સ્ટેશન પર સુપર સ્પ્રેડર?:અમદાવાદ રેલવે સ્ટેશનના વેન્ડિંગ મશીનમાં જ માસ્ક નથી, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, સુપર સ્પ્રેડર વધવાનો ખતરો

અમદાવાદ4 મહિનો પહેલા
  • અમદાવાદમાં દરરોજના 500થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે
  • બીજા રાજ્યોમાંથી આવતા લોકો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર કોઈ ગાઈડલાઈન જ નહીં

રાજ્યમાં એક સમયનું કોરોનાનું હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં પણ હવે કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે હવે તંત્ર મુંઝવણમાં છે કે ખરેખર સુપર સ્પ્રેડર કોણ અમદાવાદી કે બહાર ના રાજ્યમાંથી આવતા મુસાફરો. અમદાવાદમાં દરરોજના 500થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. છતાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બીજા રાજ્યોમાંથી આવતા લોકો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર કોઈ ગાઈડલાઈન જ નહીં. જો એ મુસાફર કોરોના સંક્રમિત હોય તો પછી તેને સુપર સ્પ્રેડર ના બની શકે..? તેમને ચેક કર્યા વગર શહેરમાં પ્રવેશ આપવામાં કોઈ જોખમ જ નથી.? આ તમામ સવાલો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્દભવી રહ્યા છે.

રાજ્યના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં સુવિધાનો અભાવ
AMCએ પણ વધતા કેસને ધ્યાનમાં રાખીને સીટી ટ્રાન્સપોર્ટેશન, બાગ બગીચા અને લેક્ફ્રન્ટ પણ લોકો માટે બંધ કરી દીધા છે. સાથે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કહેવાતું અમદાવાદ રેલવે સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈન મુજબ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કોરોના ગાઈડલાઈન મુજબ થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝર જેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકાવી શકાય. સાથે કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનું ચેકીંગ કર્યા બાદ તેનું નિદાન થઈ શકે.

અમદાવાદ રેલવે સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈન મુજબ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી
અમદાવાદ રેલવે સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈન મુજબ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

લોકોની અવર-જવર વધી, પણ વ્યવસ્થા ઘટી
આ રેલવે સ્ટેશનમાં હજારો વ્યક્તિ રોજ અવરજવર કરે છે. અલગ-અલગ રાજ્યમાંથી પણ લોકો અહીંયા આવે છે, પરંતુ તેઓનું કોરોનાને લઈને કોઈ પણ પ્રકારનું ચેકીંગ થતું નથી. દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જેથી ત્યાં રહેતા કેટલાક લોકો બીજા રાજ્ય તરફ પણ સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં તંત્રએ પ્રાથમિક વ્યવસ્થા તો કરવી જોઈએ. જો આ રીતે જ લોકોની અવર-જવર રહી તો અમદાવાદને ફરી કોરોનાનું હોટસ્પોટ બનવામાં વાર નઇ લાગે.

વેન્ડિંગ મશીન ખરાબ, માસ્ક પતી ગયા
સાથે રેલવે તંત્ર દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું હતું. જેમાં લોકો પૈસા નાખીને માસ્ક કે સેનેટાઈઝર ખરીદી શકતા હતા પરંતુ ઘણા દિવસથી આ મશીનમાં માસ્ક પતી ગયા છે, જેને રિફિલ કરવાની દરકાર પણ કોઈ લેતું નથી. અત્યારે માસ્ક જ એક માત્ર શસ્ત્ર છે કોરોના સામે રક્ષણ મેળવવા માટે તો તેની પણ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. સાથે બેગને સેનેટાઇઝ કરવા માટે પણ પેઈડ સુવિધા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ કોઈ બેગ સેનેટાઇઝ કરવાતું નથી.

બેગને સેનેટાઇઝ કરવાની સુવિધાનો પણ અભાવ
બેગને સેનેટાઇઝ કરવાની સુવિધાનો પણ અભાવ

અમારી તરફથી તમામ તકેદારી છે: રેલવેના PRO
આ મામલે અમદાવાદ રેલવેના પી.આર.ઓ.પ્રદીપ શર્માએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે તમામ તકેદારી રાખતા હોઈએ છીએ. બહારથી આવતા લોકો માટે ટેસ્ટિંગની વ્યવસ્થા AMCએ કરવાની હોય છે. અમે પ્રાથમિક વ્યવસ્થા રાખી છે જો એમાં અમારી કોઈ ચૂક રહી ગઈ હશે તો ચોક્કસ અને તેને સુધારીશું. સાથે વેન્ડિંગ મશીનમાં પણ માસ્ક નથી એવી માહિતી મળી છે તો એને માટે પણ જવાબદાર વ્યક્તિને સૂચના આપીને રિફિલ કરવામાં આવશે. અમે અમારી તરફથી તમામ તકેદારી રાખી રહ્યા છે. અને લોકોની પણ જવાબદારી છે કે તેઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ.

સેન્ટ્રલ ડેપો પર થર્મલ સ્ક્રિંનિગ શરૂ
અમદાવાદ સેન્ટ્રલ ડેપો પર પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોનું થર્મલ સ્ક્રિંનિગ અને સેનેટાઇઝિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હોળી પર્વને લઈને લોકોની અવર-જવર પણ બસ ટર્મિનલ પર વધી ગઈ છે. જોકે હજી પણ લોકો માસ્ક વગર અને ટોળે વળેલા બસ સ્ટેશન પર નજરે પડ્યા હતા. આવી જાહેર જગ્યાએ તમામએ માસ્ક પહેરવું જ જોઈએ. જો લોકો સાવચેત નહીં રહે તો કોરોના નું સંક્રમણ ફેલાવાની શકયતા વધી જશે.