શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ:શિક્ષક દિને મુખ્યમંત્રી દ્વારા મળનારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં અમદાવાદના આચાર્યનું નામ છેલ્લી ઘડીએ કપાઈ ગયું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યની સરકારી સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો જેમને સારી કામગીરી હોય અથવા નોંધનીય કામગીરી કરી હોય તેમને આજે રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા. પરંતુ અમદાવાદની એક સ્કૂલના આચાર્યનું નામ યાદીમાં હોવા છતાં ગત મોડી રાતે પ્રાથમિક શિક્ષણ નિયામકે કોઈ કારણસર કાપી નાખ્યું હતું જેના કારણે શિક્ષણ જગતમાં ચર્ચા થઈ રહી છે.

શિક્ષણમંત્રીના ભોજન સમારંભમાં આચાર્ય હાજર હતા
આજે અમદાવાદ ટાગોર હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહમાં યોજવામાં આવ્યો હતો. જેમાં 44 શિક્ષકોને આજે એવોર્ડ આપવાના હતા. અમદાવાદની ખાડીયાની વનિતા વિશ્રામ સ્કૂલના આચાર્ય કલ્પનાબેન પટેલનું પણ યાદીમાં નામ હતું. ગઈકાલે કોબા ખાતે શિક્ષણમંત્રી સાથેના ભોજન સમારંભમાં પણ કલ્પનાબેન હાજર હતા, પરંતુ ગઈકાલે અચાનક જ મોડી રાતે કલ્પનાબેનનું નામ કમી કરવામાં આવ્યું હતું.

44માંથી એક નામ કમી કરી દેવાયું
કલ્પનાબેન એવોર્ડ માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ગઈકાલે મોડી રાતે તેમને પ્રાથમિક શિક્ષણ નિયામક આઈ.એમ.જોશી દ્વારા તેમને એવોર્ડ નથી મળવાનો તેવી જાણ કરવામાં આવી હતી. આજે એવોર્ડ પણ આપવામાં આવ્યો નહતો. જોકે, યાદીમાં 44 શિક્ષકોના નામ હતા, તેમાંથી માત્ર એક જ નામ કમી કરવામાં આવ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...