અમદાવાદ:કોમ્પ્લેક્ષ ધરાશાયી થવાનો મામલો, મૃતકના પરિવારજને કહ્યું- ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન માલિકે નીચેથી ચાર બીમ કાઢી લેતાં પાયો નબળો પડ્યો અને બિલ્ડીંગ પડી

અમદાવાદએક વર્ષ પહેલા
સાચું કારણ એક જ છે કે દુકાનના ચાર બીમ કાઢી લીધા હતા જેથી પાયો જ નબળો જ થઇ ગયો હતોઃ મૃતકના પરિવારજન લક્ષ્મણભાઈ ચારણ(ઈન્સેટમાં)

કુબેરનગર રેલવે ફાટક રોડ પર આવેલી 35 વર્ષ જૂની પ્રેમ માર્કેટ નામના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. મૃતક પ્રેમ ઉર્ફે સોનુના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે દુકાનોના માલિક ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારી કારણે આ બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ પણ કરીશું તેમ કહ્યું હતું. મૃતકના પરિવારજન લક્ષ્મણભાઈ ચારણે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દુકાન માલિક ઘનશ્યામભાઈએ પોતાના ફાયદા માટે આગળ દુકાનના ચાર બીમ કાઢી નાખ્યા હતાં, જેથી દુકાન નબળી પડી ગઈ હતી. ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારીના કારણે જ આ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયો છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ નોંધાવીશું જ. એન્જિનિયર આવે અને પછી તપાસમાં બીજું કંઈ નીકળી શકે છે. પરંતુ સાચું કારણ એક જ છે કે દુકાનના ચાર બીમ કાઢી લીધા હતા જેથી પાયો જ નબળો જ થઇ ગયો હતો.

ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારીના કારણે જ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયોઃ મૃતકના પરિવારજન લક્ષ્મણભાઈ ચારણ
ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારીના કારણે જ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયોઃ મૃતકના પરિવારજન લક્ષ્મણભાઈ ચારણ

આખી બિલ્ડિંગ પણ નબળી અને તૂટેલી હાલતમાં, વધુ જાનહાનિ થઈ શકે
35 વર્ષ જૂની આ પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગમાં આશરે 30 જેટલી દુકાનો હશે અને જે ભાગ ધરાશાયી થયો તેમાં ત્રણ માળ હતા અને કુલ 9 દુકાનો આવેલી હતી. નીચે મોબાઈલની દુકાન હતી. પહેલા માળે હોઝીયરી અને એમ્બ્રોડરીની દુકાનો હતી અને બીજા માળે પણ એમ્બ્રોડરી અને હોઝીયરીની જ દુકાનો આવેલી હતી. મૃતક પ્રેમ અને તેની સાથેના બે કારીગરો પહેલા માળે દુકાનમાં કામ કરતા હતા. આખી બિલ્ડિંગ પણ નબળી અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. હવે જો આ બિલ્ડિંગ હવે ઉતારી નહિં લેવામાં આવે તો વધુ નુકસાન થાય તેવી શક્યતા જણાય છે.

આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી જ નહીંઃ ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી જ નહીંઃ ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર

દુકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશેઃ PSI મનોહરસિંહ જાડેજા
સરદારનગર પોલીસ સ્ટેશનના PSI મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. FSL દ્વારા ઘટના મામલે તપાસ કરી કોર્પોરેશન પાસે બિલ્ડિંગ અંગે વિગતવાર માહિતી માંગવામાં આવશે. બિલ્ડિંગ કેટલા વર્ષ જૂની હતી. બાંધકામને પરવાનગી હતી કે કેમ વગેરે અંગેની માહિતી માંગવા આવશે. તેમજ દુકાન માલિક ઘનશ્યામભાઈની પણ પૂછપરછ કરવામાં આવશે.

રિપેરિંગની જવાબદારી જે તે બિલ્ડીંગના માલિકનીઃ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને TDO રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી જ નહીં. જેથી કોઈ નોટિસ આપવામાં આવી જ નથી. ટેક્સ વિભાગના રેકર્ડ મુજબ આ બિલ્ડીંગ 35 વર્ષ જૂની છે અને 9 દુકાનો અને 234 ક્ષેત્રફળનું બાંધકામ તૂટી પડ્યું છે. જો બાંધકામ નબળું હોય અને જર્જરિત થઈ જાય તો તેની રિપેરિંગની જવાબદારી જે તે બિલ્ડીંગના માલિકની હોય છે.

ત્રણ યુવક સિલાઇ કામ કરતાં હતાં ત્યારે જ બિલ્ડિંગ ધરાશાયી થયું
આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરી રહ્યાં હતા. એ સમયે ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. બિલ્ડિંગ પડવાનો અવાજ સંભળાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા, સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ અંદર ફસાયેલા ત્રણ યુવકનો બચાવવા પ્રયાસો કર્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.