સાવધાન:શું તમે પણ ઓનલાઇન પેમેન્ટ-શોપિંગ કરો છો? સાઇબર ક્રાઇમથી બચવા પોલીસ જણાવી રહી છે 7 મહત્ત્વની બાબતો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • ગુજરાતના સાઇબર ક્રાઇમની વર્ષે 100થી વધુ ફરિયાદ નોંધાય છે
  • સામાન્ય બેદરકારીને કારણે લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બને છે
  • પોતાની અંગત બાબત અને ડિટેલ કોઈની સાથે શેર ન કરવા ક્રાઇમ બ્રાન્ચની સલાહ

ટેક્નોલોજીના યુગમાં આજે બધું ડિજિટલ થઈ ગયું છે, ત્યારે ગુનેગારો પણ ડિજિટલ થયા છે અને ડિજિટલ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. વધતા જતા સાઇબર ક્રાઇમને લઈ લોકોએ જાગ્રત થવાની જરૂર છે તેમજ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત વાત કે ડિટેલ શેર ન કરવા માટે સાઇબર એક્સપર્ટ અને અધિકારીઓ સલાહ આપી રહ્યા છે.

સાઇબર ક્રાઇમમાં છેલ્લાં 2 વર્ષમાં 256 જેટલા ગુના નોંધાયા
અમદાવાદમાં શરૂઆતમાં માત્ર ક્રાઈમ બ્રાન્ચ હેઠળ સાઇબર ક્રાઈમની રચના કરવામાં આવી હતી. જે બાદ ગુનાઓ વધતાં સાઇબર ક્રાઈમને અલગ પોલીસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે. વર્ષ 2018થી અમદાવાદમાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જે માત્ર ડિજિટલ ગુનાઓ પર જ કાર્યવાહી કરે છે. સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં 2 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન 256 જેટલા ગુના નોંધાયા છે. શરૂઆતમાં ગુનાનો વ્યાપ ખૂબ ઓછો હતો, બાદમાં એની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. 2020ના ચાલુ વર્ષ દરમિયાન જ 131 જેટલા ગુના નોંધાયા છે. તેણે સાઇબર ક્રાઈમ દ્વારા અનેક ભોગ બનનારાના પૈસા પણ પરત અપાવ્યા છે.

સૌથી વધુ PAYTM KYCના નામે છેતરપિંડીના કેસ નોંધાયા
સાઇબર ક્રાઈમમાં મોટે ભાગે ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ગેરકાયદે કોલસેન્ટર, સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ, બીભત્સ કોમેન્ટ કે પોસ્ટ જેવા ગુના નોંધાયા છે સાઇબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે અનેક ગુનાઓ ડિટેકટ પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગુનેગારો દેશની બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફલેશ થતા નથી, માટે એ ગુના ડિટેકટ થઈ શકતા નથી. સાઇબર ક્રાઈમમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધુ ગુના PAYTM KYCના નામે થયેલી છેતરપિંડીના નોંધાયા છે.

લોકોમાં જાગૃતિ આવે એ માટે તંત્ર-પોલીસ અનેક કાર્યકામો યોજે છે
મહત્ત્વનું છે કે હવે આ ગુનાની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા સરળ બની છે, જેમાં કોઈપણ નાગરિક તેના નજીકના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે, સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે તંત્ર અને પોલીસ વિભાગ અનેક કાર્યકામો યોજે છે, જોકે હવે લોકોએ પણ સતર્ક રહેવું પડશે, સાથે પોતાની બેંક-વિગત અને પર્સનલ વિગતોને પણ ફોન કે SMSથી શેર ન કરવી જોઈએ.

સાઇબર ક્રાઇમ ઘટાડવા પોલીસની સલાહ
ચાલુ વર્ષે PAYTM KYCના નામે સૌથી વધારે લોકો ભોગ બન્યા.
OTP કે બેન્ક-વિગત કોઈને ફોન પર ના આપો.
કોઈ ફ્રોડ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવો ફરિયાદ.
પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શકય હોય તો પ્રાઇવસી રાખો.
સમયાંતરે ઇ-મેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ બદલો
સિક્યોરિટી ફીચર પણ ખાસ એપ્લિકેશનમાં ધ્યાન રાખો.
કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વધુ વાત ન કરો.