અમદાવાદમાં UP વાળી નહીં થાય:CP શ્રીવાસ્તવે કહ્યું-બહારના લોકો કાંકરીચાળો નહીં કરી શકે, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ, અસામાજિક તત્ત્વો પર 24 કલાક નજર

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • બંધ દરમિયાન આવેલા માણસો બહારના હતા, માહોલ બગડી શક્યો હોત

દેશભરમાં છેલ્લા થોડા દિવસથી સામાજિક સમરસતાનો ભંગ થઈ રહી હોવાનો માહોલ બનવા લાગ્યો છે. એમાં પણ અમદાવાદ શહેરમાં તો અચાનક જ દેખાવો અને ઘર્ષણ સાથે તંગદિલીની આશંકા ઊભી થઈ ગઈ છે. અત્યારસુધી શાંત ગણાતા શહેરમાં હવે છમકલાંની શરૂઆત થવાનું વાતાવરણ બનવા લાગ્યું છે, પરંતુ નૂપુર શર્માના વિરોધમાં યુવાનો અને મહિલાઓ રેલી સ્વરૂપે રસ્તા પર આવી ગયાં હતાં, જેને પગલે DivyaBhaskarએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે ખાસ વાતચીત કરી હતી.

અશાંતિ તરફ આગળ વધી રહેલા અમદાવાદની સ્થિતિ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં બનેલા બનાવ બાદ તમામ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે.

દિવ્ય ભાસ્કરઃ રથયાત્રાને લઈ શું પ્લાનિંગ કર્યું છે?

સંજય શ્રીવાસ્તવઃ મોટી સંખ્યામાં અલગ-અલગ વિસ્તારોમાં લોકો રસ્તા પર આવ્યા હતા, અમને એવું લાગે છે કે એક દિવસ અગાઉ પોલીસ દ્વારા સ્થાનિક આગેવાનોને જે સમજાવટ કરવામાં આવી હતી એમાં થોડી કચાશ રહી ગઈ છે, પરંતુ અમે આ ઘટનાથી એલર્ટ થઈ ગયા છીએ અને હવે શહેર પોલીસ તરફથી કચાશ ન રહે અને શહેરની શાંતિ સલામતી જળવાય રહે તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય એ માટેનાં તમામ આયોજન કરી લેવા માટે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.

દિવ્યભાસ્કરઃ વિરોધપ્રદર્શન થયું શું કે પોલીસનો પ્લાન ફેલ થઈ ગયો?

સંજય શ્રીવાસ્તવઃ અમદાવાદમાં બનેલા બનાવો જેમાં બે-ત્રણ બાબતો મારી સામે આવી છે, જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે બંધમાં લોકો વધુ જોડાયા હતા. એમાં પણ ખાસ કરીને 15થી 18 વર્ષના યુવાનો આ રેલીમાં મોટી સંખ્યામાં હતા. દેશનાં અલગ રાજ્યોમાં બનતી ઘટનાઓને કેટલીક ન્યૂઝ ચેનલોએ સતત બતાવતા તેની અમદાવાદ શહેરમાં પણ અસર પડી છે. આગેવાનોએ સમજાવટ કરી અને કોઈ અઘટિત ઘટના ન બની એ સારી વાત છે. લોકો આ રીતે નીકળ્યા ને માહોલ બગડી શક્યો હોત. આ ખરાબ ચીજ છે. અમે ધ્યાન આપી રહ્યા છીએ અને આગળ શું કરવું એ અંગે આગેવાનો સાથે વાત કરી રહ્યા છીએ. અમે સાથે મળીને કામ કરીશું.

દિવ્ય ભાસ્કરઃ આ પ્રકારના માહોલમાં શું કરશો?

સંજય શ્રીવાસ્તવઃ શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે સંપર્ક શરૂ થઈ ગયો છે. આગેવાનોએ ખૂબ કામ કર્યું અને બાળકોને સમજાવ્યા કે ઘરે જાઓ. મોટા ભાગના એ વિસ્તારના નથી. બહારથી આવેલા છે. અમે કહ્યું છે કે તમારા વિસ્તારમાં બહારથી આવી કોઈ ગરબડ ન કરે એનું ધ્યાન રાખવું. જો આવું થશે તો તમને જ નુકસાન જશે.

દિવ્યભાસ્કરઃ કોઈ મેસેજીસ કે એકાઉન્ટ ફાઇન્ડ કરી રહ્યા છો?

સંજય શ્રીવાસ્તવઃ અમદાવાદ પોલીસે હવે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં બનાવવામાં આવેલી શાંતિ સમિતિ પર ફોકસ કરીને તેમને એલર્ટ કરી દીધા છે. તેઓ પણ અમદાવાદ શહેરને કઈ રીતે મદદ કરી શકે એ માટે સમજાવવામાં આવી રહ્યા છે. હવે આ શાંતિ સમિતિની મીટિંગ મોટા પ્રમાણમાં અને વધુ વખત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈ બહારથી આવીને કાંકરીચાળો ન કરી જાય એ માટે પણ તમામ ધર્મના લોકોને સમજાવવામાં આવ્યા છે અને હવે એ માટે વધુ પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...