રથયાત્રા પૂર્વે ક્રિકેટ દૂર કરશે વૈમનસ્ય:અમદાવાદમાં નગરના નાથની યાત્રાને શાંતિપૂર્ણ બનાવવા પોલીસની પહેલ, સંવેદનશીલ વિસ્તારમાં વિવિધ સમુદાયો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ!

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

આગામી 1 જુલાઈએ એટલે કે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં 145મી જગન્નાથ રથયાત્રા નીકળશે. પડકારો અને અવરોધો વચ્ચે પણ ભગવાન જગ્ગનાથની રથયાત્રા નીકળતી રહી છે. આ વખતે રથયાત્રા લાખોની જનમેદની વચ્ચે નીકળશે, ત્યારે અલકાયદાની ધમકી વચ્ચે સુરક્ષા ખૂબ મહત્ત્વની છે, જેથી પોલીસ કમિશનર સહિતના IPS અધિકારીઓ ફિલ્ડમાં નીકળવા લાગ્યા છે. તેની સાથે સાથે પ્રથમ વખત સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવશે, જેમાં દર વખતની જેમ મહોલ્લા મીટિંગ કે સમજાવટ નહીં, પણ વિવિધ સમુદાય વચ્ચે ક્રિકેટ મેચ રમાડી કોમી એકતા માટે પ્રયાસ કરવામાં આવશે.

પહેલીવાર ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રયોગ
આ રથયાત્રા વખતે સંવેદનશીલ વિસ્તારોની ટીમ બનાવવામાં આવશે, જેમની વચ્ચે ક્રિકેટ મેચ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા પ્રથમવાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જમાલપુરથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાનાં બે વર્ષ બાદ ફરી જનમેદની સાથે યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે અમદાવાદ પોલીસ ક્રિકેટ દ્વારા શાંતિનો સંદેશ આપવા પ્રયાસ કરશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ અલગ-અલગ વિસ્તારો વચ્ચે યોજાશે. આ સમગ્ર આયોજન પાછળનો હેતુ લોકો વચ્ચેનું અંતર ઘટે અને ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય એવો છે.

ગ્રાઉન્ડ નહીં હોય ત્યાં અલગ જગ્યાએ આયોજન કરાશેઃ રાજેન્દ્ર અસારી
આ અંગે અમદાવાદ શહેરમાં સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ વખતે અમે સંવેદનશીલ વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એની સાથે સાથે આ વખતે સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ ક્રિકેટ ટીમ બનાવીને મેચ રમાડવાનું પણ આયોજન કરવામાં આવશે. એમાં જે વિસ્તારમાં ગ્રાઉન્ડ નહીં હોય ત્યાં પોલીસ દ્વારા અલગ જગ્યાએ આયોજન કરવામાં આવશે. અમે ડે નાઇટ ટૂર્નામેન્ટ રમાડવા માટે પણ આયોજન કરી રહ્યા છીએ.

રથયાત્રાની કોમી એકતા મોટી મિસાલ
રથયાત્રામાં જોવા મળતી કોમી એકતા સમગ્ર દેશ અને વિશ્વ માટે પ્રેરણાની એક મોટી મિસાલ છે. ક્યારેક સંજોગો કે પરિસ્થિતિના પરિણામે એકબીજા વચ્ચે ઊઉભી થતી ગેરસમજ અને અવિશ્વાસની દીવાલને ધરાશાયી કરવામાં આવા ઉત્સવો અત્યંત આવશ્યક બની રહેતા હોય છે. વિવિધ સમુદાયના લોકો વચ્ચે એકતા લાવવા માટે ભારતીયોની રગ રગમાં ઊતરી ગયેલી રમત એવા ક્રિકેટની મદદ લેવામાં આવશે.

રથયાત્રા જેવા મહોત્સવની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે બધા જ ધર્મના લોકો મતભેદો અને માન્યતાઓ ભૂલી જઈ મહોત્સવમાં સહભાગી બને છે તેમજ સમરસતા અને આત્મીયતાનો પણ અહેસાસ કરે છે. બસ, આ નિકટતા અને આત્મીયતા જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ દિવસ રાત એક કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...