અમદાવાદ પોલીસની માનવતા:કોરોનામાં બેરોજગાર બનેલા બેઘર લોકોને એક ટંકનું જમવાના પણ ફાંફાં, ભૂખ્યા જરૂરિયાતમંદો માટે પોલીસ બની 'મસીહા'

અમદાવાદએક વર્ષ પહેલા
ભૂખ્યા લોકોની મદદે આવી પોલીસ
  • પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ રાત્રે જાગીને ભૂખ્યા લોકોને જમાડે છે.

શહેરમાં હાલ કોરોના અને અનેક પ્રતિબંધોના કારણે લોકોના વેપાર અને ધંધાને મોટી અસર થઈ છે. આ બધાની વચ્ચે પણ રોજ મજૂરી કરીને પૈસા કમાતા અનેક લોકોને રાત્રે માત્ર પાણી પીને ખાલી પેટે સુવાનો વારો આવે છે. ત્યારે અનેક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ રાત્રે જાગીને આવા નિ:સહાય લોકોની પાસે જઈને મોડી રાત્રે પણ કંઈક જમવાનું આપે છે. આ પોતાની ફરજ સમજીને કામગીરી કરતા અનેક લોકોના જઠરાગ્નિ પોલીસ અધિકારીઓ ઠારી રહ્યા છે. આવી રીતે અનેક લોકો પોલીસને જ પોતાના મસીહા સમજે છે.

મુશ્કેલ સમયમાં પોલીસ આવી ભૂખ્યા લોકોની મદદે
અમદાવાદ શહેરમાં હાલ દિવસે 3 વાગે વેપાર-ધંધા બંધ થઈ જાય છે. જેના કારણે અનેક લોકોને સાંજ પડે જમવાની પણ વ્યવસ્થા થતી નથી. અને માસુમ લોકોને જમવાનું ન મળતા તેઓ પાણી પીને સુઈ જવું પડે છે. આ બધાની વચ્ચે કેટલાક પોલીસ અધિકારી રાત્રે પોતાના કામના સમયે પણ સેવાનો મોકો શોધી લે છે.

ફૂટપાથ પર સૂતેલાને ભોજન કરાવ્યું
ફૂટપાથ પર સૂતેલાને ભોજન કરાવ્યું

ફૂટપાથ પર સૂતેલા ગરીબોને પોલીસે ભોજન કરાવ્યું
અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી સોમવારે રાત્રે નાઈટ દરમિયાન અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે તેમણે અનેક ભૂખ્યા લોકોને રાત્રે ફૂટપાથ પર સુતા જોયા હતા. આ જોઈને તેમણે રાત્રે પોતાની સાથે આવેલા પોલીસ કર્મચારી અને પોતે પણ આ લોકોને મદદ કરવાની શરૂઆત કરી હતી. તેઓ પૂર્વ વિસ્તરમાં આવેલી હોસ્પિટલની બહાર નિ:સહાય બનેલા લોકો, મજૂરો અને અન્ય લોકોને એક સમય જમી શકે તે માટે વ્યવસ્થા કરી હતી.

પોલીસના કારણે પેટમાં અન્નનો દાણો પહોંચ્યો
પોલીસના કારણે પેટમાં અન્નનો દાણો પહોંચ્યો

જરૂરિયાતમંદો માટે પોલીસ બની 'મસીહા'
રાત્રે અનેક લોકો ભૂખ્યા સૂતા હતા જેમને જમવા મળતા જાણે પોલીસ મસીહા બનીને આવી હોય તેમ લાગી રહ્યું હતું. અનેક લોકોએ એક સમય જમીને પોલીસનો આભાર માન્યો હતો. આ પહેલા પણ અમદાવાદ પોલીસ દ્વારા જરૂરિયાતમંદો માટે સેવાના આવા ઘણા કાર્યો કરાયા છે. જેમાં ગરીબોને રાશન આપવું, ભોજન કરાવવું તથા અન્ય જરૂરી મદદ પૂરી પાડવી સામેલ છે.