હવે પ્રેક્ટિસ ક્યાં કરવી?:અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ દોડની પ્રેક્ટિસ માટે બંધ કરી દેવાયું, LRD ઉમેદવારો શારીરિક કસોટી પહેલા જ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ6 દિવસ પહેલા
શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડની તસવીર
  • સોમવારથી યુવત-યુવતીઓને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડવા આવવાની મનાઈ કરાઈ
  • બે દિવસમાં હોમગાર્ડની ભરતી માટે દોડની પરીક્ષા હોવાથી મેદાનમાં કોઈને દોડવાની પરમિશન નહીં

ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની ભરતી માટે આગામી 3 ડિસેમ્બરના રોજ પરીક્ષા યોજાવવાની છે, જેના માટે યુવક-યુવતીઓ દોડની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. દરરોજ સવારે અને સાંજે મેદાનો હવે દોડની તૈયારીઓ કરતા યુવક યુવતીથી ભરેલું જોવા મળે છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસનું પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ દોડની પ્રેક્ટિસ બંધ કરાવી દેવામાં આવ્યું છે. સોમવારથી જેટલા પણ યુવક-યુવતીઓ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડવા આવતા હતા તેઓને મનાઈ કરવામાં આવી છે.

હોમગાર્ડની ભરતી માટે દોડની પરીક્ષા હોવાથી મેદાન પર નો એન્ટ્રી
હેડક્વાર્ટરના સૂત્રો મુજબ આગામી બે દિવસમાં હોમગાર્ડની ભરતી માટે દોડની પરીક્ષા યોજાવવાની હોવાથી આ ગ્રાઉન્ડમાં કોઈને દોડવાની પરમિશન આપવામાં આવી નથી. આ ગ્રાઉન્ડમાં દરરોજ 500 જેટલા યુવક-યુવતીઓ તૈયારી કરતા હતા અને આ સમયે જ તેઓને હવે ગ્રાઉન્ડમાં આવવાની મનાઈ કરવામાં આવતા તેઓની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે અને દોડવા માટે બીજું ગ્રાઉન્ડ કે જગ્યા શોધવી પડી છે.

મેદાન પર રોજ 500થી વધુ ઉમેદવારો પ્રેક્ટિસ માટે આવતા હતા
મેદાન પર રોજ 500થી વધુ ઉમેદવારો પ્રેક્ટિસ માટે આવતા હતા

500થી વધુ ઉમેદવારો ચિંતામાં મૂકાયા
આગામી ડિસેમ્બર મહિનામાં લોકરક્ષક અને PSIની દોડની પરીક્ષા યોજાવવાની છે જેની મહિલા અને પુરુષ ઉમેદવારો પ્રેક્ટિસ કરી રહ્યાં છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલા ગ્રાઉન્ડ પણ ઉમેદવારોને દોડ માટે ફાળવવામાં આવ્યા છે. ખુદ પોલીસકર્મીઓ-અધિકારીઓ ઉમેદવારોને તૈયારી કરાવે છે. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં 400 મીટરનો રનિંગ ટ્રેક આવેલો છે. પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં દરરોજ સવારે અને સાંજે શાહીબાગ, સુભાષબ્રિજ અને આસપાસના વિસ્તારમાંથી 500થી વધુ યુવક યુવતીઓ દોડની પ્રેક્ટિસ માટે આવે છે.

અત્યારે હવે માત્ર 10 દિવસ જ દોડની પરીક્ષાને બાકી છે ત્યારે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે તેઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે. નિશ્ચિત માપ સાથેના રનિંગ ટ્રેકમાં ઉમેદવારો પોતે દોડની પ્રેક્ટિસ કરતા હતા જે હવે બંધ થઈ ગયું છે, જેથી કેટલા સમયમાં કેટલું દોડી શકાય તે પણ બંધ થઈ ગયું છે.

ઉમેદવારોએ અમુક કલાક માટે મેદાન ફાળવવા માંગ કરી
ઉમેદવારોએ અમુક કલાક માટે મેદાન ફાળવવા માંગ કરી

ઉમેદવારોએ બે-ત્રણ કલાક મેદાન ફાળવવા માંગ કરી
શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ખુદ કેટલાક પોલીસકર્મીઓ જ પોલીસખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકો અને અન્ય યુવક-યુવતીઓને પણ દોડની પ્રેક્ટિસ કરાવતાં હતા. જે બંધ થઈ જતા તેઓ ક્યાં હવે પ્રેક્ટિસ કરશે તેની મુંઝવણમાં મુકાઈ ગયા છે. હોમગાર્ડની ભરતીની પરીક્ષા માટે ગ્રાઉન્ડ બંધ કરી દેવાયું હોવાનું જણાવ્યું છે, પરંતુ હજી જ્યાં સુધી પરીક્ષા ન શરૂ થાય ત્યાં સુધી સવારે અને સાંજે બે-ત્રણ કલાક માટે ગ્રાઉન્ડ ફાળવવા માટે ઉમેદવારોની માંગણી છે.