તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ડ્રોન સર્વેલન્સ મારફતે 14ની અટકાયત કરવામાં આવી, ક્રાઇમબ્રાન્ચ-રેપિડ ફોર્સ પણ લોકડાઉનનો કડક અમલ કરાવશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ડ્રોન અને સીસીટીવીની મદદથી સર્વેલન્સ શરૂ કર્યું
  • રાજ્યમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા મામલે 46 ગુનાઓ દાખલ કર્યાં
  • લોકડાઉનમાં જાહેરનામાના ભંગની 680, હોમ કવોરેન્ટાઈન ભંગની 418 મળી કુલ 1098 ફરિયાદ નોંધી
  • 6131 વાહનો જપ્ત કર્યાં અને કુલ 5898 વ્યક્તિઓની અટકાયત કરી

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તેની કડક અમલવારી માટે ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ ચલાવી લેવા માગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સઘન ચેકીંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ કરવામાં આવે છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં સોસાયટીઓમાં પણ ચેકીંગ હાથ ધરવા તમામ જિલ્લાના પોલીસ વડાઓને સૂચના આપી છે.’

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા 46 સામે ફરિયાદ
પોલીસે સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ગઇ કાલથી સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલથી અત્યાર સુધીમાં સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે 14 ગુના દાખલ કરી કડક કાર્યવહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા મામલે 46 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેવી કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને તે વ્યક્તિ અંગે જાણ કરવા પાડોસીઓને અપીલ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચ-રેપિડ ફોર્સ મેદાનમાં ઉતારશે
લોકડાઉનની કડક અમલવારી માટે રાજ્યની 80 ટકા પોલીસ તૈનાત છે. 7૦ હજાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ, 36 હજારથી વધુ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકડાઉનની કડક અમલવારી માટે બે શિફ્ટમાં ફરજ બજાવી રહ્યાં છે. જનતાના હિત માટે પોલીસ કડકાઈ કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિને કેટલાક લોકો હળવાશથી લેતા હોવાની મળેલી વિગતોને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને કડક અમલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલ કરાવશે. તે ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

કુલ 5 હજારથી વધુની અટકાયત
પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા ઝાએ જણાવ્યું હતું કે, ‘લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગની 680 અને હોમ કવોરેન્ટાઈન ભંગની 418 મળી કુલ 1098 ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંતર્ગત 2041 વ્યક્તિઓની અટકાયત કરી છે અને 6131 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 5898 વ્યક્તિઓની અટકાયત કરી છે. 

અન્ય સમાચારો પણ છે...