અમદાવાદના શાહપુરમાં રહેતો અને કટ્ટર માનસિકતા ધરાવતો દાનીશ હાલ જેલના સળિયા પાછળ છે. હિન્દુ ધર્મના દેવતા વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયામાં અભદ્ર વાત લખીને સમાજ વચ્ચે અંતર આવે અને લોકો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશી પોતે ટીવી ચેનલના ડિબેટમાં મોટી મોટી બડાઇ મારતો હોય છે, ત્યારે હવે અમદાવાદ સાયબર ક્રાઇમ તેના ઘરેથી તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ ધર્મના દેવી-દેવતા કે ધર્મ ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું સરકારે મન બનાવી લીધું છે ત્યારે સાયબર સેલની એક ખાસ ટીમ આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતી હતી. જેમાં દાનીશ કુરેશીની હરકતો સામે આવી છે.
દાનીશે અત્યંત અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું
અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી જીતુ યાદવે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા એનાલિસિસ ટીમ ખાસ એવા એકાઉન્ટ પર નજર રાખતી હોય છે કે જેમાં કોઈની લાગણી દુભાય અને તેના કારણે સમાજમાં કોઈ ખરાબ પરિસ્થિતિ સર્જાય એવા સોશિયલ મીડિયાના પોસ્ટ, ટ્વીટ અને લખાણ પર ધ્યાન હોય છે. તાજેતરમાં એક ટ્વિટર એકાઉન્ટ દાનીશ કુરેશી નામનું સાઇબર ક્રાઇમની ટીમની નજરે ચડયું હતું. જેમાં તેણે હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લખાણ લખ્યું હતું.
કટ્ટર માનસિકતા ધરાવે છે દાનીશ
આ વાતની જાણ થતા દાનીશ કુરેશીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દાનીશ કુરેશી મૂળ શાહપુરનો રહેવાસી છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી ટીવી ચેનલની ડિબેટમાં આવીને પોતે મોટી મોટી વાતો કરનાર દાનીશ કુરેશી પોતે કેટલી કટ્ટર માનસિકતા ધરાવે છે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી છતું થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.