ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ગુનેગારો બેફામ:ચૂંટણી પંચના ઠપકા બાદ અમદાવાદ પોલીસે 13 તડીપાર આરોપીઓને ઘરમાં સુતા ઝડપી લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તેના વચ્ચે ગુનેગારો પણ બેફામ બન્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ફાયરીંગ, હત્યા, લૂંટ અને રાયોટીંગ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેવામાં શહેરના ઝોન-5 ડીસીપીએ પોતાના તાબા હેઠળ આવેલા આઠ પોલીસ સ્ટેશન તડીપાર શખસો માટે કોમ્બિંગ હાથ ધર્યું છે. જેમાં સવારે 4 થી 6 દરમિયાન બે કલાકમાં જ પોલીસે કુલ 13 જેટલા તડીપારને ઘરે સુતા હતા તે દરમિયાન પકડી પાડ્યા હતા. આ અંગે તમામ સામે કાયદેસરની કાર્યવાહી જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી.

વોન્ટેડ આરોપીઓ પકડવા ઝુંબેશ
રાજ્યમાં ચૂંટણીને લઇને અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે વોન્ટેડ ગુનેગારો પણ મોટી સંખ્યામાં ફરાર હોવાથી ચૂંટણી પંચે આપેલા ઠપકાને લઇને પોલીસ એલર્ટ થઇ છે. તેવામાં વોન્ટેડ આરોપીઓ પકડવાની ઝુંબેશ પણ તાજેતરમાં રાજ્ય પોલીસ વડાના આદેશથી કરવામાં આવી હતી. જોકે, તેમાં પણ હજુ સુધી મોટી સંખ્યામાં ગુનેગારો પકડવામાં પોલીસની ટીમો સફળ થઇ નથી.

આઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવા સુચના
શહેરના ઝો-5 ડીસીપી બલદેવ દેસાઇએ પોતાના વિસ્તારમાં ગુનેગારો બેફામ ન બને અને ચૂંટણીની કામગીરીમાં કોઇ અસર ન પડે તે માટે એક પછી એક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં આજે વહેલી સવારે તેમણે પોતાના તાબા હેઠળ આવેલા આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવા સુચના આપી હતી. મોટી સંખ્યામાં પોલીસને સવારે 4 વાગ્યે જેતે જગ્યા પર બોલાવી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી તડીપાર ગુનેગારો જે હાજર હોય તેમને શોધવા કામગીરી કરી હતી. તેવામાં 13 જેટલા ગુનેગારો સવારે ઘરે મળી આવ્યા હતા. તેમને પોલીસે પકડી લીધા હતા અને તેમના વિરુધ્ધમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.

13 ગુનેગારોને પોલીસે પકડી પાડ્યા
આ અંગે ઝોન-5 ડીસીપી બલદેવ દેસાઇએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન આવા તડીપાર ગુનેગારો ઘરે રહેતા નથી પરંતુ મોડી રાત્રે ઘરે અને પોતાના વિસ્તારમાં પરત આવતા હોવાથી તેમને પકડવા માટે સવારે ચારથી છ વાગ્યા સુધીનો ટાઇમ નક્કી કરી કોમ્બિંગ કરવાનું નક્કી કરી 13 ગુનેગારને પકડી પાડ્યા હતા. જોકે ઝોન-5 ડીસીપીના તાબા હેઠળ બાપુનગર, ગોમતીપુર, રખીયાલ, અમરાઇવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલ પોલીસ સ્ટેસનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...