અલકાયદાની ધમકી બાદ અમદાવાદ પોલીસ એલર્ટ:રથયાત્રાના રથમાં GPS લગાવાશે , જેટપેક ડ્રોન સાથે ટ્રેઈન વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • અસામાજિક તત્વો નજીકમાં હશે તો તર્કશ એપ્લિકેશનમાં જાણ થશે
  • અનિચ્છનીય બનાવ બને તો પોલીસે કોનો સંપર્ક કરવો તેનું એલર્ટ જશે

આગામી 1 જુલાઈએ અમદાવાદ શહેરમાં જગન્નાથ રથયાત્રા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠને ધમકી આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની છે. આ વખતે પહેલીવાર આકશી ડ્રોનમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે. જેમાં ટ્રેઈન વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે. જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરશે.

એક હજારથી વધુ કેમેરા અને CCTV દ્વારા સર્વેલન્સ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર અલકાયદાની ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક પાસાનો વિચાર કર્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે ખાસ જમીન અને આકાશમાંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.

એપ્લીકેશનથી મળશે પળે પળની માહિતી, એલર્ટ પણ આપશે
આ વખતે અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થઈ જશે. તે સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સ્થળ પર હાજર પોલીસને તાત્કાલિક કોનો સંપર્ક કરવો તેનું એલર્ટ જશે. સામાન્ય કોન્સ્ટેબલ હોય કે IPS અધિકારી દરેકને એક સ્થળ ફાળવવામાં આવશે. જેની જગ્યાથી મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે.

આરોપીઓનો ડેટા પણ એપ્લિકેશનમાં છે
ચૈતન્ય માંડલીકે વધુમાં જણાવ્યું કે, પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ રીતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી તમામ ડેટા એકત્રિત કરાયો છે. જેનાથી જે તે અધિકારીઓને સ્થાનિક માહિતી મળી શકે. જ્યારે બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે સાથે જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે.તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ એપ્લિકેશનથી મળી રહે તે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.

બીજી તરફ હજુ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પોલીસ વિચારી રહી છે. શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.જે રથયાત્રા માટે ફળદાયી બની રહેશે.

ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવાશે
રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.

5 જૂને કર્યું હતું મંદિર સુધી ફૂટ પેટ્રોલિંગ
ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. 5 જૂને પણ અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. મોસાળથી પરત નિજ મંદિર સુધી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.

રથયાત્રામાં પોલીસનું બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ
આ પહેલા 4 જૂને અમદાવાદ પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રાનો અલગ જ માહોલ છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શને ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ વખતે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના દરેક રૂટ પર પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. જેથી રથયાત્રાની કોઈ પણ ઘટના પર નજર રાખી શકાશે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પોલીસની નજરથી ચૂકી જશે પરંતુ કેમેરામાં કેદ થઈ જશે. આ વર્ષે બોડી વોર્ન કેમેરા રથયાત્રામાં સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવશે.

અન્ય સમાચારો પણ છે...