અમદાવાદ નવરાત્રિ:શાહીબાગમાં ટીમલી સ્ટાઈલમાં ગરબાની રમઝટ, સેટેલાઈટ, બોપલ, ઘાટલોડિયા, થલતેજ સહિત અમદાવાદમાં ગરબા રમતાં ખેલૈયા

3 મહિનો પહેલા
શાહીબાગમાં ટીમલી ગરબા રમતાં બાળકો, યુવાઓ સહિતના ખેલૈયા
  • શાહીબાગના સિટી સેન્ટર પાટીયા પાસે કાર્યશીરોમણી ખાતે ટીમલી રાસની રમઝટ
  • ગોદરેજ ગાર્ડન સિટી પાસેના શુભવાસ્તુ હાઈટ્સમાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબા રમ્યાં

આસો નવરાત્રિ પ્રારંભ થયો છે. ત્રીજા અને ચોથા નોરતે અમદાવાદની વિવિધ સોસાયટીઓ, શેરીઓ અને પોળોમાં લોકોએ ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિમાં આ વર્ષે શેરી ગરબાની જ છૂટ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાના આયોજન કરાયા છે. જ્યાં ખેલૈયાઓ પરંપરાગત અને મોર્ડન સ્ટાઈલમાં ગરબા રમી રહ્યાં છે. તો શાહીબાગ વિસ્તારમાં બાળકોથી લઈ મોટેરા ટીમલી સ્ટાઈલમાં ગરબા રમતાં જોવા મળ્યા હતા. યુવાઓમાં ટીમલી રમવાનો અનેરો ઉત્સાહ હતો. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં સેટેલાઈટ, બોપલ, ઘાટલોડિયા, થલતેજમાં પણ ગરબાના આયોજન કરાયા છે. ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલી શુભવાસ્તુ હાઈટ્સમાં પણ ખેલૈયાઓએ પરંપરાગત રીતે ગરબાની રમઝટ બોલાવી હતી. નિકોલ નરોડા રોડ સ્થિત બાલાજી રેસીડેન્સીમાં ખેલૈયાઓએ ગરબા રમ્યાં હતાં.

શુક્રવારે બીજા નોરતે વિવિધ વિસ્તારોમાં ખેલૈયા ગરબા રમ્યાં
સાઉથ બોપલ ઘુમા રોડ પરની ફ્લોરા એક્સોરાના ગરબાની રમઝટ બોલાવી હતી. તો નવા વાડજમાં ક્રિષ્ના ગરબા એકેડેમી ગ્રુપના એક સરખા પરિધાનોમાં મટકી સાથેના ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે હાથીજણની ધર્મ વાટિકા ટાઉનશીપમાં શેરી ગરબામાં ખેલૈયાઓએ ગરબા રમ્યાં હતાં. શહેર જ નહીં જિલ્લામાં વિવિધ તાલુકા મથકો સહિત ગામ તળમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા નોરતે વિવિધ આયોજકોએ શુભ મુહૂર્તમાં મા જગદંબાનું સોસાયટી, શેરી, મહોલ્લામાં સ્થાપન કર્યું છે. બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી.

શાહીબાગમાં ગરબાની રમઝટ બોલાવતી યુવતીઓ
શાહીબાગમાં ગરબાની રમઝટ બોલાવતી યુવતીઓ

પહેલા નોરતે ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો
અમદાવાદમાં નવરાત્રિ પર્વની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતાં હતા. ત્યારે બીજા નોરતે શેરી ગરબાના આયોજન થયા છે. ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો અને શેરીઓમાં સ્થાનિકો દ્વારા મા જગદંબાની છબી, મૂર્તિની સ્થાપન કરી આરતી ઉતારી છે.

નિકોલ નરોડા રોડ સ્થિત બાલાજી રેસીડેન્સીમાં ગરબા
નિકોલ નરોડા રોડ સ્થિત બાલાજી રેસીડેન્સીમાં ગરબા

ભદ્રકાળી મંદિરે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ
પ્રથમ નોરતે શહેરના વિવિધ વિસ્તારો દિવસે થયેલા વરસાદથી ગરબાના આયોજન થયા ન હતા. પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકો ગરબા રમ્યા હતા. પહેલા નોરતે ગરબા રમવાનો ઉત્સાહ ખાસ જોવા મળ્યો ન હતો. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઐશ્વર્યા મજમુદારની સંગતમાં શેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા ગરબા રમવા આવ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તેઓએ ગરબા રમ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા.

ગરબા રમવા ટેટૂ પણ ચિતરાવ્યા
આજે 7 ઓક્ટોબરથી આસો સુદ એકમ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ નોરતે નગરદેવી ભદ્રકાળીના ચોકમાં ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. પ્રથમ નોરતે શહેરમાં શેરીએ શેરીએ ગરબાના આયોજન કરાયા હતા. 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજાઈ રહ્યા છે. ગત વર્ષે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નહોતા. જો કે આ વખતે શેરી ગરબાની મંજૂરી મળી છે. જેથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમવા તૈયારી કરી લીધી છે. ખેલૈયાઓએ રોજ રોજ શેરીમાં ચાર ચાંદ લગાવી દેવા માટે અવનવા આયોજનો કર્યા છે. જેમાં રોજ રોજના ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટૂ પણ ચિતરાવીને ગરબે રમવાનું આયોજન કર્યું છે.

શાહીબાગના સિટી સેન્ટર પાટીયા પાસે કાર્યશીરોમણી સોસાયટીમાં ખાતે ગરબાની રમઝટ
શાહીબાગના સિટી સેન્ટર પાટીયા પાસે કાર્યશીરોમણી સોસાયટીમાં ખાતે ગરબાની રમઝટ

ગરબા રમવા ફરજિયાત વેક્સિનેશન સર્ટી જરૂરી
કોરોનાની અસર ઓસરતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શોપિંગ મોલ,થિયેટરો, ક્લબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ,પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. જો કે આ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે. તે ઉપરાંત કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરીને ખેલૈયાઓનું વેક્સિનેશન ચેક કરવું પડશે.

સરકારના જાહેરનામા પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં બે ડોઝ લીધેલા વ્યક્તિને ગરબા રમવાની પરમીશન મામલે સરકારનું આજે જાહેરનામું આવશે. તે મુજબ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી એકમો જેવા કે કોમર્શિયલ કોમ્પલેક્સ, ધાર્મિક સ્થળો તેમજ મોટી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા બે દિવસ બાદ ચેકિંગ શરૂ કરવામાં આવશે. લોકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે.

જગતપુરમાં આવેલી શુભવાસ્તુ હાઈટ્સમાં પણ બાળાઓએ ગરબા રમ્યાં
જગતપુરમાં આવેલી શુભવાસ્તુ હાઈટ્સમાં પણ બાળાઓએ ગરબા રમ્યાં

કોર્પોરેટરો પણ રાત્રે ઉજાગરા કરીને વેક્સિનેશનનું ચેકિંગ કરશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ તહેવાર દરમિયાન દરેક લોકો જેઓ ગરબા રમવા સોસાયટીમાં ભેગા થાય તેઓએ વેક્સિન લીધેલી હોય તે જરૂરી છે. જેના માટે દરેક સોસાયટીઓના ચેરમેન સાથે વાતચીત કરી વેક્સિનેશનના ચેકિંગ માટે કહ્યું છે. જેઓએ વેક્સિન લીધી છે તેઓ જ ગરબા રમે તે વધુ યોગ્ય છે. તમામ કોર્પોરેટરોને પણ આ માટે જાણ કરી છે. શહેરમાં વધુ વેક્સિનેશન માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ.

પોલીસ પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરશે
નવરાત્રિ દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન અને વેક્સિનેશનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને ગરબામાં પ્રવેશ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મિટિંગ શરૂ કરી દીધી છે. શહેરમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવા મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મિટિંગ કરવાની ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી.

મોટેરાની સાંઈ શ્રધ્ધા રેસીડેન્સીમાં ગરબા
મોટેરાની સાંઈ શ્રધ્ધા રેસીડેન્સીમાં ગરબા

રાજ્યના મંત્રીઓ માતાજીના મંદિરમાં પૂજા-આરતી કરશે​​​​​​​
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં સાંસ્કૃતિક પ્રથા અપનાવવાનું નક્કી કર્યું છે. આ સરકારના સભ્યો નવરાત્રિના તમામ દિવસે ગુજરાતમાં આવેલાં વિખ્યાત માતાજીનાં મંદિરો પર જઇને પૂજા-આરતી કરશે તથા સાથોસાથ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. પ્રવાસન અને પવિત્ર યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરી છે.

નવરાત્રિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે​​​​​​​
જેના પગલે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મિટિંગ યોજવાનું શરૂ કરી દીધું છે. ગરબાના આયોજનમાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નવરાત્રિ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

ઘાટલોડિયાના કર્મચારીનગર રોડ પરના અર્જુન એપાર્ટમેન્ટમાં ગરબા
ઘાટલોડિયાના કર્મચારીનગર રોડ પરના અર્જુન એપાર્ટમેન્ટમાં ગરબા
અન્ય સમાચારો પણ છે...