અમદાવાદ નવરાત્રિ LIVE:લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ખેલૈયાઓની રાસની રમઝટ, અમદાવાદીઓ ગરબે ઘૂમવા સજ્જ

અમદાવાદ10 દિવસ પહેલા
ભદ્રકાળી મંદિર રાસ ગરબાનું આયોજન.
  • કોરોનાની અસર ઓસરતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાની મંજૂરી આપી
  • કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે
  • કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરીને ખેલૈયાઓનું વેક્સિનેશન ચેક કરવું પડશે

આજે 7 ઓક્ટોબરથી આસો સુદ એકમ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આજે પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. પ્રથમ નોરતે શહેરમાં શેરીએ શેરીએ ગરબાના આયોજન કરાયા છે. 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજાઈ રહ્યા છે.

ભદ્રકાળી મંદિરે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ
ભદ્રકાળી મંદિર પરિસરમાં ઐશ્વર્યા મજમુદારની સંગતમાં શેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા ગરબા રમવા આવ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તેઓએ ગરબા રમ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા.

ભદ્રકાળી મંદિરે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબા રમાયા.
ભદ્રકાળી મંદિરે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબા રમાયા.

ગરબા રમવા ટેટૂ પણ ચિતરાવ્યા
ગત વર્ષે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નહોતા. જો કે આ વખતે શેરી ગરબાની મંજૂરી મળી છે. જેથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમવા તૈયારી કરી લીધી છે. ખેલૈયાઓએ રોજ રોજ શેરીમાં ચાર ચાંદ લગાવી દેવા માટે અવનવા આયોજનો કર્યા છે. જેમાં રોજ રોજના ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટૂ પણ ચિતરાવીને ગરબે રમવાનું આયોજન કર્યું છે.

ગરબા રમવા ફરજિયાત વેક્સિનેશન સર્ટી જરૂરી
કોરોનાની અસર ઓસરતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શોપિંગ મોલ,થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ,પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. જો કે આ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે. તે ઉપરાંત કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરીને ખેલૈયાઓનું વેક્સિનેશન ચેક કરવું પડશે.

ઐશ્વર્યાએ મજમુદારે ખેલૈયાઓને ગરબે ઝૂમાવ્યા.
ઐશ્વર્યાએ મજમુદારે ખેલૈયાઓને ગરબે ઝૂમાવ્યા.

સરકારના જાહેરનામા પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં બે ડોઝ લીધેલા વ્યક્તિને ગરબા રમવાની પરમીશન મામલે સરકારનું આજે જાહેરનામું આવશે. તે મુજબ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી એકમો જેવા કે કોમર્શિયલ કોમ્પલેક્સ, ધાર્મિક સ્થળો તેમજ મોટી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા બે દિવસ બાદ ચેકિંગ શરૂ કરવામાં આવશે. લોકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે.

ગરબે રમતી ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ મહિલા.
ગરબે રમતી ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ મહિલા.

કોર્પોરેટરો પણ રાત્રે ઉજાગરા કરીને વેક્સિનેશનનું ચેકિંગ કરશે
​​​​​​​
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિ તહેવાર દરમિયાન દરેક લોકો જેઓ ગરબા રમવા સોસાયટીમાં ભેગા થાય તેઓએ વેક્સિન લીધેલી હોય તે જરૂરી છે. જેના માટે દરેક સોસાયટીઓના ચેરમેન સાથે વાતચીત કરી વેકસિનેશનના ચેકિંગ માટે કહ્યું છે. જેઓએ વેક્સિન લીધી છે તેઓ જ ગરબા રમે તે વધુ યોગ્ય છે. તમામ કોર્પોરેટરોને પણ આ માટે જાણ કરી છે. શહેરમાં વધુ વેક્સિનેશન માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ.

પોલીસ પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરશે
​​​​​​​
નવરાત્રી દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન અને વેક્સિનેશનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને ગરબામાં પ્રવેશ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી દીધી છે. શહેરમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવા મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાની ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી.

નિર્ણયનગરના ગૃપ દ્વારા ગરબાની રમઝટ.
નિર્ણયનગરના ગૃપ દ્વારા ગરબાની રમઝટ.

રાજ્યના મંત્રીઓ માતાજીના મંદિરમાં પૂજા-આરતી કરશે
​​​​​​​
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં સાંસ્કૃતિક પ્રથા અપનાવવાનું નક્કી કર્યું છે. આ સરકારના સભ્યો નવરાત્રિના તમામ દિવસે ગુજરાતમાં આવેલાં વિખ્યાત માતાજીનાં મંદિરો પર જઇને પૂજા-આરતી કરશે તથા સાથોસાથ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. પ્રવાસન અને પવિત્ર યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરી છે.

નવરાત્રિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે
​​​​​​​
જેના પગલે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મીટિંગો યોજવાનું શરૂ કરી દીધું છે. ગરબાના આયોજનમાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નવરાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.