મન્ડે પોઝિટિવ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વાર એચઆઈવીગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાનું સીમંત કરશે

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વસ્ત્રાલના રેપિડ એક્શન ફોર્સના હેડ ક્વાર્ટરમાં આજે ખોળો ભરાશે

એચઆઈવીગ્રસ્ત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્રથમ પહેલ કરી છે. સોમવારે વસ્ત્રાલમાં રેપિડ એક્શન ફોર્સ હેડ ક્વાર્ટર ખાતે 15 એચઆઈવીગ્રસ્ત ગર્ભવતી મહિલાઓનો સીમંત પ્રસંગ યોજાશેે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી એચઆઈવીગ્રસ્ત મહિલાઓ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ આવી મહિલાઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે. મોટા ભાગે મહિલાઓને એચઆઈવી હોવાનો ખ્યાલ તે ગર્ભવતી બને ત્યારે રૂટિન એન્ટિનેટલ ટેસ્ટ વખતે આવતો હોય છે. આ બાબતે એએમસી અમદાવાદ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. મેહુલ આચાર્યે કહ્યું કે, એચઆઈવીગ્રસ્ત મહિલાઓને સામાજિક અને કાયદાની દૃષ્ટિએ સુરક્ષા આપી મુખ્ય પ્રવાહમાં લાવવાનો અમારો પ્રયાસ છે.

સિવિલ હોસ્પિટલના સિનિયર ડો. બી. કે. અમીને કહ્યું કે, કોઈ પણ એચઆઈવીગ્રસ્ત મહિલાનું સમયસર નિદાય થાય અને દવા શરૂ કરવામાં આવે તો આવનાર બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકાય છે.

આરએએફના જવાનો આ મહિલાઓની સુરક્ષાના શપથ લેશે
આ તમામ મહિલાઓની સુરક્ષા માટે આરએએફના જવાનો શપથ લેશે. આવી મહિલાઓની ઓળખ થયા પછી રહેઠાણના સ્થળે અથવા રસ્તા પર લોકો ભેદભાવ અથવા દુર્વ્યવહાર કરતા હોય છે. આવા સંજોગોમાં મહિલાઓને રોજેરોજ માનસિક યાતનામાંથી પસાર થવું પડતું હોય છે. આ કાર્યક્રમ દ્વારા આરએએફના જવાનો આ મહિલાઓને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપશે.

અન્ય સમાચારો પણ છે...