હાલમાં રાજ્યમાં કડકડતી ઠંડી અને વરસાદનો માહોલ છે. બીજી બાજુ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગરીબ લોકોને ઠંડી અને વરસાદથી બચવા માટે એક માત્ર ઝૂંપડું જ આશરો હતો. જેના પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. ઝૂંપડા પર બુલડોઝર ફરી વળતાં ગરીબ લોકો આશરા વિનાના બન્યાં છે. ઠંડી અને વરસાદ ઉપરાંત કોરોનાના કહેર વચ્ચે તેઓ પોતાના નાનાં બાળકો અને વૃદ્ધ લોકોને લઈને ક્યાં જઈને રહેશે એ સૌથી મોટો સવાલ છે. શહેરના જુના વાડજ વિસ્તારમાં એક મહિલા પોતાના તૂટેલા ઝૂંપડાની વચ્ચે છ મહિનાના બાળકને તેડી વિવશ બનીને ઉભી રહી હતી. બાદમાં સ્થાનિક રહીશોએ પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે પાંચેક લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે ઘર આપ્યાં પણ પાણી નહીં
કડકડતી ઠંડી અને માવઠાના માહોલમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં એક મહિલા પોતાના તૂટેલા ઝૂંપડાની વચ્ચે 6 મહિનાના બાળકને કાંખમાં લઈને ઉભી છે. હવે આ ઝુંપડું રહ્યું નથી તો ક્યાં રહેવા જઈશું? જ્યાં મકાનો આપેલા છે ત્યાં પાણી નથી અને પાણી વગર માણસ રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આશરે 200 જેટલા ગરીબ લોકોની પરિસ્થિતિ આજે થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જે ઘરેથી વરઘોડો નીકળવાનો હતો એના પર સરકારી બુલડોઝર ફરી વળ્યું, હવે બીજાના ઓશિયાળા બની પ્રસંગ કરશે
ઝૂંપડું તૂટતા ગરીબોને રોડ પર રહેવાની ફરજ પડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જુના વાડજ સર્કલ નજીક BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબોના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોક્યુમેન્ટ રજૂ કરનાર કેટલાક લોકોને ચાંદખેડા વિસ્તારમાં આવેલા TP 44 આવાસ યોજનાના મકાનોમાં મકાન ફાળવવામાં આવ્યા હતા.પરંતુ કોર્પોરેશનના હાઉસિંગ ખાતાની બેદરકારીના કારણે ત્યાં છેલ્લા છ મહિનાથી પાણી ન આવતું હોવાના કારણે તેઓને ફરી અહીંયા રહેવાની ફરજ પડી હતી. હવે આજે કોર્પોરેશને તેઓના ઝુંપડા તોડી નાખતા અને તેઓને રોડ પર રહેવાની ફરજ પડી છે.
50 જેટલાં ઝૂંપડાં ને તોડવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુના વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રિઝર્વ પ્લોટમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હટયા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 50 જેટલાં ઝૂંપડાં ને તોડવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કેટલાક હૃદયદ્વાવક દ્રશ્યો પણ Divyabhaskarના કેમેરામાં કેદ થયા હતા જેમાં એક મહિલા 6 મહિનાના નાના બાળકને કાંખમાં રાખી અને તેના તૂટેલા ઘરની વચ્ચે ઉભી રહી હતી. જેમની પાસે આધાર પુરાવા એવા આશરે 100 જેટલા લોકોને કોર્પોરેશન દ્વારા મકાનો ફાળવ્યા હતા પરંતુ આ મકાનોમાં છેલ્લા છ મહિનાથી પાણી આવતું બંધ થઈ ગયું હતું અને ગટરની પણ સમસ્યા હતી જેના કારણે આ રહીશો પરત આવી ગયા હતા.
મકાનો તુટી જતા ક્યાં રહેવા જઈશું
ઇન્દિરાબેન નામની મહિલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અહીંયા વર્ષોથી રહેતા હતા જ્યારે કોર્પોરેશન દ્વારા અને મકાન ખાલી કરાવવામાં આવ્યા ત્યારે ચાંદખેડા વિસ્તારમાં TP-44 માં અમને મકાન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પાણી જ આવતું ન હતું જેના કારણે અમે અહીંયા પરત રહેવા આવી ગયા હતા પરંતુ હવે ફરી એકવાર મકાનો તુટી જતા ક્યાં રહેવા જઈશું ? હવે તો રોડ પર જ અમારે રહેવાની ફરજ પડી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.