તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડના ચેરમેન તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર ચૂંટાઈ શકે, ચેરમેન અને સભ્યોની વરણી માટે 5 ઓગસ્ટે ચૂંટણી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાહપુરની સરકારી સ્કૂલની ફાઈલ તસવીર - Divya Bhaskar
શાહપુરની સરકારી સ્કૂલની ફાઈલ તસવીર
  • કોઈ પણ નાગરિક સ્કૂલબોર્ડ સભ્ય બનવા ફોર્મ ભરી શકે
  • ભાજપ સત્તામાં હોય તેમના જ 12 સભ્યો ચૂંટાય તેવી શક્યતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સંચાલન માટેના સ્કૂલ બોર્ડના ચેરમેન અને 12 સભ્યોની વરણી માટે 5 ઓગસ્ટના રોજ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે જો કે માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે અને સૌથી વધુ ભાજપના કોર્પોરેટર હોય તેમના જ ઉમેદવાર સભ્યો બનશે.

એવામાં ભાજપના જ કોઈ પૂર્વ કોર્પોરેટરને ચેરમેન તરીકે સ્થાન મળે તેવી શકયતા લાગી રહી છે. સભ્યપદ મેળવવા માટે પણ ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપના નેતાઓની લોબિંગ શરૂ થશે. વિપક્ષ કોંગ્રેસના અને AIMIMના એકપણ સભ્ય આ વખતે સ્કૂલબોર્ડમાં સ્થાન નહીં મેળવી શકે તે લગભગ નિશ્ચિત છે. AIMIM કે કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવા કે કેમ તે હજી નિર્ણય લીધો નથી.

સ્કૂલબોર્ડમાં 15 સભ્યોની કમિટી હોય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની વરણી થયા બાદ વિવિધ કમિટીઓની રચના લાંબા સમય બાદ કરવામાં આવી હતી. કોરોના કાળના કારણે વિવિધ કમિટીઓની મોડી વરણી બાદ હવે સ્કૂલબોર્ડની રચના કરવામાં આવશે. સ્કૂલબોર્ડમાં 15 સભ્યોની કમિટી હોય છે જેમાં 3 સભ્યો DEO હોય છે અને બાકીના 12 સભ્ય તરીકે કોઇ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો જ ઉમેદવારી કરતા હોય છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ઓફિસની તસવીર
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ઓફિસની તસવીર

5 ઓગસ્ટના રોજ સભ્યની ચૂંટણી યોજાશે
આગામી 5 ઓગસ્ટના રોજ સ્કૂલબોર્ડમાં 12 સભ્યની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 22મી જુલાઇ સુધીમાં ઉમેદવારી પત્રો રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ 29મી જુલાઇએ મેયરની ઓફિસમાં તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. બાદમાં 5 ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજાશે. સાંજે સાડા છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

ભાજપના જ સભ્યોની નિમણૂંક થાય તેવી શક્યતા
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી સ્કૂલબોર્ડમાં પણ તેમના જ સભ્યોની વરણી કરાય તેવી પુરી શક્યતાઓ છે. જેમાં ચેરમેન તરીકે પૂર્વ કોર્પોરેટરની નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના જણાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ગત વખતે કોંગ્રેસના સભ્યો પણ હતા. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ માટે હજી સુધી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી તો સ્કૂલ બોર્ડમાં સભ્યપદ માટે કરશે કે કેમ? આ વખતે પ્રથમવાર ચૂંટાયેલાં ઔવેસીની પાર્ટીનાં કોર્પોરેટરો સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેમનો ઉમેદવાર ઉભો રાખશે તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.