લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ રહી છે ત્યારે દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે. લોકોએ અગાઉથી જ મેચ માટે તૈયારી કરી છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે. એક દિવસ અગાઉ થિયેટર પણ હાઉસફુલ થઈ ગયું છે. આજે દેશભરમાં 35 શહેરોમાં 75થી વધુ PVR સિનેમામાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ થિયેટર લોકો જવાનું ટાળી રહ્યા છે. થિયેટરમાં માત્ર 10 ટકા જેટલા દર્શકો આવી રહ્યા છે ત્યારે મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ હાઉસફુલ થયા છે. લોકોએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.
PVRમાં મુવીની જેમ મેચ શરૂ થશે
અમદાવાદમાં આવેલ PVRના ૩ થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે. થલતેજના એક્રોપોલિસ, રાણીપના આર્વેદ ટ્રાન્સ કયુબ પ્લાઝા અને મોટેરા PVRમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. સાંજે 7 વાગે મેચ શરૂ થશે. તે સમયે થિયેટરમાં મુવીની જેમ મેચ શરૂ થશે. દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.
થલતેજ PVRમાં ચારેય સ્ક્રીન હાઉસફુલ
PVR દ્વારા અગાઉથી મેચ બતાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. થલતેજમાં 4 સ્ક્રીન, રાણીપમાં 2 સ્ક્રીન અને મોટેરામાં 2 સ્ક્રીન પર મેચ બતાવવામાં આવશે. પરંતુ થલતેજ PVRમાં અત્યારથી ચારેય સ્ક્રીન હાઉસ ફુલ થઈ છે જ્યારે રાણીપ અને મોટેરામાં 1-1 સ્ક્રીન હાઉસ ફુલ થઈ ચૂકી છે અને બીજી 1-1 સ્ક્રીનમાં 50 ટકા જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે.
અંતિમ બોલ સુધી મેચ બતાવાશે: PVR ગુજરાતના મેનેજર
PVRના ગુજરાતના મેનેજર સિદ્ધાર્થના જણાવ્યું હતું કે, અમે 3 થિયેટરમાં અલગ-અલગ 8 સ્ક્રીનમાં મેચ બતાવવાના છીએ. અત્યારે મોટાભાગની સ્ક્રીન ફુલ થઈ ચૂકી છે. ઓનલાઇન બુકિંગ જ વધારે થયું છે અને ઓનલાઇન ટિકિટ દેખાય તો જ બુક કરવી. 7 વાગ્યાથી મેચ શરૂ થશે અને મેચના અંતિમ બોલ સુધી મેચ બતાવવામાં આવશે અને સરકારના નિયમોનું પાલન પણ કરવામાં આવશે.
મેચ માટે સુરતમાં પણ 60 ટકા સીટનું બુકિંગ થયું
ભારત-પાકિસ્તાના T-20 મેચ માટે સુરતમાં પણ ઉસ્તાહ અને જુસ્સાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ પોત-પોતાની રીતે આયોજન કરી રહ્યા છે. સુરતમાં ત્રણ સિનેમા ગૃહમાં લગભગ 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું છે. જ્યાં રવિવારે લોકો ફિલ્મ જોવા માટે ભીડ લગાવતા હોય છે. ત્યાં આજે રવિવારના રોજ લોકો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પડાપડી કરશે. એટલું જ નહીં પણ મેચની સાથે સિનેમા ગૃહમાં ગરમા-ગરમ નાસ્તાનું પણ આયોજન થઈ ગયું છે. સ્ટોલ સવારથી જ ચાલુ કરી દેવાશે પણ સાંજે શરૂ થતી મેચ દરમિયાન કઈક અલગ અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા વચ્ચે મેચની મજા લઈ શકાય એ રીતે પણ વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. VRમાં 234 સીટ અને 2 સ્ક્રીનમાં, DR વર્લ્ડમાં 190 સીટ, અને રાજ ઇમ્પેરીયલમાં 240 સીટ પૈકી 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.