હનીટ્રેપ તોડકાંડનો ચુકાદો:અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે તમામ 8ને નિર્દોષ જાહેર કર્યા, ચુકાદો સંભળાવતા જ આરોપી પૂર્વ PI ગીતા પઠાણના આંસુ સરી પડ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
ગીતા પઠાણની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગીતા પઠાણની ફાઇલ તસવીર

અમદાવાદના ચર્ચાસ્પદ હનીટ્રેપ કેસનો મેટ્રોપોલિટન કોર્ટ ચુકાદો આપ્યો છે. મેટ્રોપોલિટન કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા કોર્ટે મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા હતા

આ બાબતે બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ જણાવ્યું કે, આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, એટલે કે ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું. જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષના વકીલ દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે તોડ બાબતે જે રકમનો દાવો કરવામાં આવ્યો હતો, તે પણ મળી આવી નથી.

2021માં વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
20 માર્ચ 2021ના દિવસે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હની ટ્રેપમાં ચાર લોકો સાથે તોડ કર્યો હતો. આરોપીઓ પર પોલીસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ હતો.

હનીટ્રેપ કેસમાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી
હનીટ્રેપ ગેંગ અને પોલીસ વચ્ચેની સંડોવણીના આક્ષેપો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કારણ કે આ ગેંગે વેપારી બાદ બિલ્ડર પાસેથી પણ રૂ 8 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. અહીં મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ અને તેની ટીમ આ નેટવર્કમા સંડોવાયેલી હોવાનો ગંભીર આરોપ વેપારીએ લગાવ્યો છે.તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમા ફસાવવાનુ કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓેને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

હનીટ્રેપ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું
ત્યારે હનીટ્રેપ ગેંગ સાથે પોલીસની સંડોવણીના આક્ષેપોને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. સીઆઈડી ક્રાઈમ દુકાનમાં રેડના નામે તોડ કરતી હોવાનો આરોપ વેપારીએ લગાવ્યો હતો.આ હની ટ્રેપ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. PI ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ગીતા પઠાણ પુર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...