આણંદ એઆરટીઓમાં ત્રણ વર્ષમાં 5 હજારથી વધુ બોગસ લાઇસન્સના કૌભાંડમાં અમદાવાદના 500થી વધુ લાઇસન્સ હોવાનું બહાર આવ્યું છે. એક્સપાયર્ડ લાઇસન્સ બેકલોગમાં રિન્યૂના, ટુવ્હીલરનું લાઇસન્સ હોય અને કારનું લાઇસન્સ લેવાનું હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાઇસન્સ ફાળવવાના અને અન્ય શહેરના અરજદારોને ભાડાં કરાર હેઠળ સીધેસીધા લાઇસન્સ ફાળવી દેવાના કૌભાંડથી ઓનલાઇન કામગીરીની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
કચેરીના અધિકારીઓએ ચાર કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ આચર્યું હોવાનું મનાય છે. કૌભાંડ અંગે ભૂતપૂર્વ આરટીઓ અધિકારી જી. એમ. પટેલે વાહન વ્યવહાર કમિશનર સમક્ષ પુરાવા સાથે રજૂઆત પણ કરી છે. આ અંગે દોઢ વર્ષ પહેલા ફરિયાદ થતાં સ્થાનિક જિલ્લા કલેક્ટરે તપાસ સોંપી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયાં ન હતાં. આ અંગે વાહન વ્યવહાર વિભાગના ઓએસડી એચ. એમ. વોરાએ કહ્યું કે, તપાસ ચાલી રહી છે અને તે ઝડપી પૂરી કરવા સૂચના અપાશે.
એજન્ટો બોગસ લાઇસન્સના 20 હજાર લેતા, 8થી 10 હજાર અધિકારીઓને આપતા હતા
એજન્ટો બોગસ લાઇસન્સ કઢાવવાના 20 હજારથી વધુ રકમ અરજદારો પાસેથી લેતા હતા, જેમાંથી આઠથી દસ હજારથી જેટલી રકમ એઆરટીઓના અધિકારીઓને આપતા હતા. કથિત કૌભાંડમાં સંડોવાયેલો અધિકારી બોગસ એકાઉન્ટમાંથી લાઇસન્સ મંજૂર કરી લાખો રૂપિયા કમાયા હોવાનું બહાર આવ્યું છે.
મેમાં ARTO ઋત્વિજા દાણીએ રિપોર્ટ કર્યો હતો: ભૂતપૂર્વ આરટીઓ અધિકારી
આણંદનાં એઆરટીઓ ઋત્વિજા દાણીએ 4 મેના રોજ કમિશનરને રિપોર્ટ કર્યો હતો. કચેરીના કર્મચારી ચૌધરી પ્રવીણના નામે બોગસ એકાઉન્ટ ખોલીને કૌભાંડ આચરાયું છે. આ જ કચેરીમાં થયેલા 591 બોગસ લાઇસન્સની યાદી સાથે કમિશનર રાજેશ મંજૂ સમક્ષ રજૂ કરીને તપાસની માગ કરી છે. > જી. એમ. પટેલ, ભૂતપૂર્વ આરટીઓ અધિકારી
બોગસ લાઇસન્સની જાણકારી નથી, મેં કમિશનરને કોઈ રિપોર્ટ કર્યો નથી: દાણી
આણંદ એઆરટીઓ કચેરીમાં બોગસ લાઇસન્સ વિશે મને પૂરી જાણકારી નથી. એપ્રિલ, 2021થી જ એઆરટીઓ તરીકેનો મેં ચાર્જ લીધો છે. આથી વધુ જાણકારી મારી પાસે નથી. મારા દ્વારા વાહન વ્યવહાર કમિશનર રાજેશ મંજૂને કોઈ રિપોર્ટ પણ કરાયો નથી. - ઋત્વિજા દાણી, આણંદ એઆરટીઓ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.