રહસ્યમય ગુમ કેસ:અમદાવાદના જમીન દલાલ અશેષે ગાયબ થતાં પહેલાં પ્રિ-પ્લાન કર્યો, એકપણ જગ્યાએ CCTVમાં નથી, ચાર ફોન પહેલા જ બંધ કર્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલા અશેષ અગ્રવાલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુમ થયેલા અશેષ અગ્રવાલની ફાઈલ તસવીર
  • સેટેલાઇટ સ્થિત ઘરેથી નીકળવાથી લઈ વસ્ત્રાપુર સુધીના ક્યાંય સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નથી

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને રહસ્યમય રીતે ગુમ થયેલા જમીન દલાલની સેટેલાઇટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 8 દિવસથી શોધખોળ કરી રહી છે. જો કે અશેષ હજી સુધી મળી આવ્યો નથી. પ્રોપર્ટીની દલાલીમાં અનેક લોકોના કરોડો રૂપિયાના ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો હોવાની ચર્ચા વચ્ચે અશેષએ ગુમ થયા પહેલા આખો પ્રિ- પ્લાન ઘડી કાઢ્યો હતો. અશેષ અગ્રવાલ ઘરેથી નીકળ્યો અને વસ્ત્રાપુર ગાડી મૂકી ત્યાં સુધીના એકપણ સીસીટીવી મળ્યા નથી.

બે ફોનમાંથી એક ફોન પહેલેથી જ બંધ, બે સીમ કાર્ડ પણ બંધ
સેટેલાઇટ પોલીસે ગુમ થયાની 18મી મેના છેલ્લા 24 કલાકના સીસીટીવી તપાસ કર્યા છતાં ક્યાંય અશેષ જોવા મળ્યો નથી. અશેષ પાસે 2 મોબાઈલ નંબર હતા, જે પહેલાં જ બંધ કરી દીધા હતા. ઉપરાંત અન્ય ત્રણ સીમકાર્ડ હતા, જેમાં એક નંબર તેનો પુત્ર વાપરે છે જ્યારે બીજા બે નંબર 8મેથી જ બંધ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સીડીઆરની તપાસમાં પણ કોઈ શંકાસ્પદ નંબર મળી આવ્યા નથી.

જ્યાંથી ગાડી મળી ત્યાં કોઈ CCTV ફૂટેજ ન મળ્યા
પોલીસ સૂત્રો મુજબ જમીન દલાલ અશેષ અગ્રવાલ પોતાનું લેપટોપ અને બે બેગ જે તેની સાથે હમેશાં રહેતી હતી તે લઈ ગયો છે. પોલીસે અત્યાર સુધીમાં તેની પત્ની, બે ભાગીદાર, ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે. અશેષ પાસે બીજા ત્રણ સીમકાર્ડ હોવાનું જાણવા મળ્યું છે જેના નંબર પોલીસને મળ્યા છે. સોમવાર સુધીમાં પોલીસ CDR ડેટા મેળવી તપાસ કરશે. પોલીસના જણાવ્યા મુજબ તેના ઘરેથી ગાડી લઈને નીકળ્યો અને વસ્ત્રાપુર વિસ્તારમાં જ્યાં ગાડી મળી આવી છે ત્યાંના કોઈ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા નથી. અમદાવાદ શહેર સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ પોલીસનું સીસીટીવી નેટવર્ક હજી સ્માર્ટ નથી, જેથી આવા પોશ ગણાતા વિસ્તારમાં એકપણ સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નથી.

ક્યારે અને કેવી રીતે ગુમ થયો
સેટેલાઈટના આશાવરી ટાવરમાં રહેતા અશેષ અગ્રવાલ (ઉં.વ.39) સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે પ્રોપર્ટી વર્લ્ડ નામની ઓફિસ ધરાવે છે. સામાન્ય રીતે અશેષ સવારના સાડા દસ વાગે ઓફિસ જાય છે અને રાતના આઠ વાગે ઘરે પરત ફરે છે. પરંતુ 18 મેના રોજ અશેષ નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યો હતો. બપોરના સમયે તેમની સાથે કામ કરતા મેહુલભાઈએ અશેષની પત્ની દીપિકાબેનને ફોન કર્યો હતો કે, અશેષભાઈ કયાં છે તેઓ હજુ ઓફિસે આવ્યા નથી અને તેમનો ફોન પણ લાગતો નથી. આ જાણ્યા બાદ દીપિકાબેને તેમના પતિને બીજા ફોન પર બપોરથી રાતના 11.30 વાગ્યા સુધી ફોન કરવા છતા તેમણે ફોન ઉપાડ્યો નહતો. ત્યારબાદ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ અશેષની પત્નીએ પોતાના સગાસબંધીઓનો સંપર્ક કરવા છતા કયાંય પણ તેમનો પત્તો મળ્યો નહતો. અંતે દીપિકાબેન સેટેલાઈટ પોલીસમાં પતિ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ધંધાના કામકાજથી સતત ટેન્શનમાં રહેતો
અશેષ અગ્રવાલની પત્નીએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના પતિ પોતાના ધંધાના કામકાજથી સતત ટેન્શનમાં રહેતા હતા. જો કે તેમણે પતિના ગુમ થવા અંગે કોઈની પર શંકા કે વહેમ નહોવાનું કહી ધંધાના કામકાજના ટેન્શનના કારણે કયાંય ચાલ્યા ગયા હોવાનું જણાવ્યુ છે. આ મામલે સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...