12 વર્ષેય ખારીકટનો બાવો બોલતો નથી:મોદીના કાર્યકાળમાં પ્રોજેક્ટની શરૂઆત, 3 CM બદલાયા છતાં ઠેરનો ઠેર, 3 પૂર્વ મંત્રી-5 MLAના મતવિસ્તારમાંથી પસાર થાય છે કેનાલ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી વહેતી અને કચરો ઠાલવવાનુ તથા ગંદા પાણી છોડવાનુ સ્થળ ગણાતી 142 વર્ષ જૂની ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે છે. આમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી.

ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ વિકાસના નામે મત માંગી અને જીત હાંસલ કરતો આવ્યું છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં પણ વિકાસના કામોની જાહેરાત અને લોકાર્પણ ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે.પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અમદાવાદની ખારીકટ કેનાલનો વિકાસ. આ અંગે DivyaBhaskarએ ખારીકટ કેનાલનું રિયાલિટી ચેક કર્યું હતું.

18 કિ.મી.તો છોડો 1 કિ.મી.નો પણ વિકાસ નથી થયો
20 વર્ષથી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાથી વટવા-વિંઝોલ સુધી પસાર થતી 18 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ જે ગંદકી અને દુર્ગંધ માટે જાણીતી છે. કેનાલને સંપૂર્ણપણે દુર્ગંધમુક્ત કરી તેનો વિકાસ કરવાની ભાજપના સત્તાધીશો અવારનવાર જાહેરાતો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની વારો કરે છે. પરંતુ હજી સુધી તેને એક કિલોમીટર પણ ડેવલોપ કરી શક્યા નથી ત્યારે ચાલુ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપના સત્તાધીશોએ બજેટમાં રૂપિયા 900 કરોડની જોગવાઇ કરી છે.

ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં ‘વિકાસ છેટો’
ખારીકટ કેનાલના ડેવલપમેન્ટની યોજના દરમિયાન ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા છે અને એક મુખ્યમંત્રીનો કાર્યકાળ ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીના સમયથી ખારીકટને રિવરફ્રન્ટની જેમ વિકસવવાની વાતો ચાલી રહી છે. આમ આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીના કાર્યકાળમાં પણ પૂર્ણ થઈ શકી નથી.

બાર-બાર વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર
2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૂચનાથી સિંચાઇ વિભાગે મ્યુનિ.કોર્પો તથા GPCBના સહયોગથી ખારીકટ કેનાલનો કાયાકલ્પ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ખારીકટ નહેરને 65 કરોડના ખર્ચે રિવર ફ્રન્ટની જેમ ડેવલપ કરી હરવાફરવાનુ સુંદર સ્થળ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે રિવરફ્રન્ટ જેવું ડેવલપમન્ટ તો દૂર તંત્ર ગંદકી પણ દૂર કરી શક્યું નથી. ત્યાર બાદ પ્રોજેક્ટની કોસ્ટ વધારીને 2018માં કેનાલ ઉપર 451 કરોડના ખર્ચે 6 લેન રોડ બનાવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટની કોસ્ટ પણ વધીને 500 કરોડ થઈ જતા તેને પણ પડતો મુકવામાં આવ્યો. ત્યાર બાદ હવે કોર્પોરેશને બજેટમાં 900 કરોડની જોગવાઈ કરી છે.

કેમિકલયુક્ત પાણી અને પ્રદૂષણ માટેની કેનાલ છેઃ શાલિગ્રામ કોળી
નરોડાથી વટવા વિંઝોલ સુધીની 18 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનો વર્ષો જુના પ્રશ્નને લઈ DivyaBhaskarએ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. નરોડામાં રહેતા શાલીગ્રામ કોળીએ જણાવ્યું હતું કે, હું વર્ષ 2002થી આ વિસ્તારમાં રહું છું અને ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત ગંદુ પાણી અને પ્રદૂષણ માટેની કેનાલ છે. છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન છે અનેક રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. ક્યારેક મંત્રીઓ સફાઈ કરવા માટે આવી અને જતા રહેશે ત્રણ મહિના સુધી સફાઈ હોય અને પછી જૈસે થે તેવી પરિસ્થિતિ થઈ જાય છે.

પ્રહલાદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલમાં વર્ષોથી કેમિકલવાળું પાણી આવે છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ છે. મચ્છરોના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા રોગો થાય છે. ચોમાસામાં ગટરો ઊભરાય છે અને દુર્ગંધ મારતી હોય છે. AMC દ્વારા ખારીકટ કેનાલના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી અને જાહેરાત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે શું ખરેખર હવે કેનાલનો વિકાસ કરશે તેનો અમે કોર્પોરેશનને સવાલ કરીએ છીએ.

ખારીકટ કેનાલ ખૂબ જ દુર્ગંધ મારે છે, લોકો કચરો નાખે છેઃ રંજનબેન
રંજનબેન ચૌહાણે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલ ખૂબ જ ગંદકીવાળી અને દુર્ગંધ મારતી હોય છે. લોકો તેમાં કચરો નાખે છે. તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. માત્ર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે કેનાલ પર નાની પાણી બનાવેલી છે અને જો ત્યાં કોઈ છોકરા જાય તો અંદર પડી જવાની પણ બીક રહે છે.

અનેકવાર રજૂઆતો કરી પણ ધ્યાનમાં ના લેવાઈઃ કોર્પોરેટર
નરોડાના સ્થાનિક કોર્પોરેટર વિપુલભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોએ મળી સરકારમાં મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને વાત કરી હતી. અગાઉની સરકારમાં પણ અનેક વખત રજૂઆતો થઇ હતી. પરંતુ તેને કોઈ કારણોસર ધ્યાનમાં લેવાઈ ન હતી.

જોકે આ વર્ષે ખુદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલના જ વિભાગમાં ખારીકટ કેનાલ આવતી હોવાથી તેઓએ અંગત રસ લઈને તેઓએ રાજ્ય સરકારમાં રજૂઆત બાદ સરકાર અને કોર્પોરેશનના સંયુક્ત સાહસથી હવે રૂ. 900 કરોડના ખર્ચે આ ખારીકટ કેનાલનો વિકાસ કરવામાં આવશે. નરોડા રીંગરોડથી શરૂ કરી અને વટવા વિંઝોલ સુધી આ લાંબી ખારીકટ કેનાલને ઉપરથી ઢાંકવામાં આવશે. જેની ડિઝાઇનમાં હાલમાં સુધારા વધારા ચાલી રહ્યા છે અને ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીના હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે .

18 કિ.મી.માં રહેતી પ્રજાને મચ્છરોના ઉપદ્રવથી ક્યારે મુક્તિ મળશે?
નરોડાથી અને વટવા વિંઝોલ સુધી 18 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ, અમરાઈવાડી અને વટવા એમ પાંચ વિધાનસભામાંથી પસાર થાય છે. જેમાં ભૂતકાળની સરકારમાં વટવા વિધાનસભામાંથી પ્રદીપસિંહ જાડેજા, ઠક્કરબાપાનગર વિધાનસભામાંથી વલ્લભભાઈ કાકડીયા અને નરોડા વિધાનસભામાંથી ડો.નિર્મલાબેન વાધવાણી મંત્રી પદે રહી ચૂક્યા છે છતાં શહેરની આ ખારીકટ કેનાલનો પ્રશ્ન ઉકેલી શક્યા નથી. ચાલુ વર્ષે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી જગદીશ પંચાલ છે ત્યારે શું ખરેખર આ કેનાલ માટે સરકાર અને કોર્પોરેશને રૂપિયા 900 કરોડ ફાળવ્યા છે તે મુજબ કેનાલને ઢાંકી અને પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને મચ્છરોના ઉપદ્રવથી મુક્તિ અપાવી શકશે?